• શુક્રવાર, 14 ઑગસ્ટ, 2026

ઇજિપ્ત ખાતે આંતરરાષ્ટ્રીય `ઈજિપ્ટોલોજી કેમ્પ'માં ભુજના યુવાને ભારતનું પ્રતિનિધિત્વ કર્યું

ભુજ, તા. 13 : રોટરી યૂથ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત ઈજિપ્ત ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય `ઈજિપ્ટોલોજી કેમ્પ-2026'માં ભુજના રા રોમિન જોશીએ ભારતનું પ્રતિનિધિત્વ કરી કચ્છ અને ભુજનું ગૌરવ વધાર્યું હતું. ગત તા. 22થી 29 જુલાઈ દરમિયાન ઈજિપ્તમાં યોજાયેલા આ આંતરરાષ્ટ્રીય કેમ્પમાં 15થી 21 વર્ષ વયના યુવાનોને તક મળી હતી. જેમાં વિશ્વના 22 દેશના કુલ 77 યુવા પ્રતિભાગી આ કેમ્પમાં જોડાયા હતા. વિવિધ દેશ, ભાષા અને સંસ્કૃતિમાંથી આવેલા યુવાનોને એક મંચ પર લાવી તેમની વચ્ચે મિત્રતા, સાંસ્કૃતિક સમજ, આંતરરાષ્ટ્રીય સહયોગ અને વૈશ્વિક દૃષ્ટિકોણ વિકસાવવાનો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ રહ્યો હતો. કેમ્પ દરમિયાન પ્રતિભાગીઓ માટે ઈજિપ્તના ઐતિહાસિક, પુરાતત્ત્વીય અને સાંસ્કૃતિક વારસાને નજીકથી. સમજવા માટે વિશેષ પ્રવાસોનું આયોજન કરવામાં આવ્યું હતું.  પ્રતિભાગીઓએ કેરો ગિઝા, લક્સોર અને એલેક્ઝાન્ડ્રિયા જેવા વિશ્વવિખ્યાત ઐતિહાસિક શહેરોની મુલાકાત લીધી હતી. કેમ્પ દરમિયાન યોજાયેલા `ઇન્ટરનેશનલ ડે સેલિબ્રેશન' માં દરેક દેશના પ્રતિભાગીએ પોતાના દેશ વિસ્તારની વિશિષ્ટ સંસ્કૃતિ, પરંપરા, ખાણીપીણી અને હસ્તકલાનો પરિચય કરાવ્યો હતો. આ પ્રસંગે રા જોશીએ ભારત સાથે ખાસ કરીને કચ્છની સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરતાં કચ્છની પરંપરાગત મીઠાઈ અને વાનગીઓ અન્ય દેશોના યુવાનોમાં વહેંચી હતી. ઈજિપ્ત કૈરો ફેરવેસ રોટરી કલબ 2451ના પી.પી. ડો. ફાયક અને મિસ નોરા અને અન્ય ચાર દેશના પ્રતિભાગીઓએ રોટરી ફલેગ એક્સચેન્જ પણ કર્યું હતું. આ ઉપરાંત શ્રી જોશીએ કચ્છની આગવી હસ્તકલાની વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરી તેના દ્વારા પ્રાપ્ત થયેલ આશરે 130 યુરોનું ભંડોળ એકત્રિત કરી આ ભંડોળ સેવાકીય હેતુ માટે `સેવ અ ચાઈલ્ડ્સ હાર્ટ' હોસ્પિટલ માટે અર્પણ કર્યો હતો. રા જોશીના આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ ભુજના જયેશ શાહ તથા રોટરી અમદાવાદના ભાનુ ગુપ્તાને સહયોગ પ્રાપ્ત થયો હતો. રોટરી કલબ ભુજના પ્રમુખ અશરફ મેમણ, મંત્રી ઉર્મિલ હાથી, ઉપપ્રમુખ ભરત ત્રિવેદી સહિતના આગેવાનોએ શુભેચ્છા પાઠવી હતી.

Panchang

dd