મુન્દ્રા, તા. 6 : મુન્દ્રા - બારોઈ નગરપાલિકા
વિસ્તારમાં રખડતા ઢોરથી નાગરિકોને પડતી હાલાકી મામલે હવે સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત
કરાઇ છે. અહીંના કોંગ્રેસ અગ્રણી ભરત પાતારીયાએ મુન્દ્રા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં
કરેલી રજૂઆતમાં જણાવાયા મુજબ, મુન્દ્રા
બારોઇ નગરપાલિકા વિસ્તારમાં રખડતા ઢોર અને આખલાઓ વધી ગયા છે. મોટાભાગની સોસાયટીઓ અને
વિવિધ વિસ્તારોમાં વારંવાર આખલાઓ વચ્ચે લડાઈઓ થતી હોય છે. મુખ્ય માર્ગો પર ઢોર પડ્યા
પાથર્યા હોય છે અને ઢોર ઝુંડ બનાવી અચાનક દોડતા હોય છે.જેના કારણે લોકોના જાન માલને
નુકસાન થવાનો ભય રહે છે. છેલ્લા બે ત્રણ વર્ષ દરમિયાન અનેક નાગરિકોને આખલાઓની લડાઈના
કારણે અસ્થિભંગ, અકસ્માતો, માલસામાનને નુકશાન
થયેલું છે તેમજ ભૂતકાળમાં બે નાગરિકોએ જીવ પણ ગુમાવ્યા છે. સેંકડો વાહનોને પણ નુકસાન
થયું. આ મામલે વારંવાર લેખિત મૌખિક રજૂઆતો કરી છે. હવે આ રખડતા ઢોરને તાત્કાલિક પકડી
તેને અન્યત્ર મોકલી આપવાની નગરપાલિકા કાર્યવાહી કરે.