કોડાય (તા. માંડવી), તા. 6 : સ્વતંત્રતા
દિવસ પૂર્વે રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં સુરક્ષા વધુ મજબૂત બનાવવા મરીન ટાસ્ક ફોર્સ
દ્વારા ખાસ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. મરીન ટાસ્ક ફોર્સના એડીજી અમિત વિશ્વકર્મા, ડીઆઇજીપી એ.એમ. મુનિયા તથા એસ.પી. એસ.જે. પરમારના
માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યના દરિયાકાંઠે સઘન ચાકિંગ માટે સૂચનાઓ અપાઇ હતી. આ સૂચનાના
અનુસંધાને માંડવી સેક્ટર મરીન ટાસ્ક ફોર્સ દ્વારા ડીવાયએસપી આર.એમ. ચૌધરીના નેતૃત્વમાં
વિશેષ ચાકિંગ ડ્રાઇવ યોજાઇ હતી. પાંચોટિયાથી લાયજા સુધીના દરિયાકાંઠા વિસ્તારમાં મરીન
કમાન્ડો ટીમે સઘન ચાકિંગ હાથ ધર્યું હતું. ચાકિંગ દરમિયાન દરિયાકાંઠાના વિવિધ સ્થળોએ
શંકાસ્પદ હિલચાલ પર બારીક નજર રાખવામાં આવી હતી. સ્થાનિક માછીમારો સાથે સંવાદ સાધી
શંકાસ્પદ વ્યક્તિઓ, અજાણી બોટો તેમજ ડ્રગ્સ સહિતના કેફી પદાર્થોની
હેરફેર અંગે સતર્ક રહેવા અને કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને
જાણ કરવા અપીલ કરાઇ હતી. સ્વતંત્રતા દિવસને અનુલક્ષીને સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવા
માટે આગામી દિવસોમાં પણ દરિયાકાંઠા વિસ્તારોમાં આવી વિશેષ ચાકિંગ ડ્રાઇવ ચાલુ રાખવામાં
આવશે તેવું જણાવાયું હતું.