ગાંધીધામ, તા. 30 : આ શહેર સંકુલમાં છેલ્લા એકાદ
મહિનાથી શાળા, કોલેજોનું શૈક્ષણિક સત્ર
ચાલુ થયું છે, પરંતુ આ જ્ઞાનના ધામોની બહાર રજાના સમયે અસામાજિક,
લુખ્ખા તત્ત્વોનો જમાવડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. શાળા-કોલેજો છૂટે
ત્યારે આસપાસના વિસ્તારોમાં રોડ-રસ્તે અડિંગો જમાવી બેસતા આવૃં તત્ત્વો ત્યાંથી પસાર
થતી વિદ્યાર્થિનીઓની મજાક, મશ્કરી, છેડતી,
ટીખળબાજી કરતા હોવાની વ્યાપક ફરિયાદો ઊઠી છે. શહેરમાં થોડા દિવસ પહેલાં
એક નામાંકિત કન્યાશાળા બહાર અમુક આવારાં તત્ત્વો રોમિયોગીરી કરી રહ્યા હતા. આ મામલો
હદ બહાર જતાં શાળા સંચાલકોએ ત્વરિત બુદ્ધિ વાપરીને પોલીસને જાણ કરી હતી. પોલીસે સ્થળ
પર પહોંચીને આવા રોમિયો તત્ત્વોની અટકાયત કરી કાયદાનું ભાન કરાવ્યું હતું. જો કે,
આ બનાવ તો માત્ર ટિપ ઓફ ધ આઇસબર્ગ (આ તો માત્ર એક નાની ઝલક છે),
અસલ સ્થિતિ આવી અનેક શાળાઓ બહાર દરરોજ સર્જાય છે. સંકુલમાં શાળા-કોલેજો
ખૂલી ગઇ હોવાથી વિદ્યાર્થિનીઓની સુરક્ષા સૌથી મોટો પ્રશ્ન બનીને સામે આવ્યો છે. વાલીઓમાં
આ બાબતે ભારે ચિંતા અને આક્રોશ જોવા મળી રહ્યો છે. `શી' ટીમ શાળા, કોલોજોના છૂટવાના સમયે ખાસ પેટ્રોલિંગ ગોઠવે,
આવાં તત્ત્વોને પકડી માત્ર ચેતવણી આપવાને બદલે દાખલારૂપ કડક કાર્યવાહી
કરવામાં આવે, શાળા-કોલેજની આસપાસના ગેટ અને રોડ પર પોલીસ આશ્ચર્યજનક
મુલાકાત, તપાસ વધારવામાં આવે તેવી માંગ વાલીઓ કરી રહ્યા છે. જો
સમયસર આ અસામાજિક તત્ત્વો પર લગામ કસવામાં નહીં આવે તો કોઇ મોટો બનાવ બને તેવી શક્યતા
નકારી શકાતી નથી. પોલીસ તાત્કાલિક હરકતમાં આવીને સંકુલની દીકરીઓ નિર્ભય બનીને અભ્યાસ
કરવા જઇ શકે તેવું વાતાવરણ નિર્માણ કરે તે અત્યંત જરૂરી બન્યું છે.