• શનિવાર, 01 ઑગસ્ટ, 2026

માધાપર : ગંગેશ્વરના ડુંગરોમાં શિકારીઓની ચહલપહલ

ભુજ, તા. 30 : માધાપરના ગંગેશ્વર મહાદેવ મંદિર સમીપેના ડુંગરોમાં શિકારીઓની ચહલપહલથી જીવદયા અને પ્રકૃતિપ્રેમીઓમાં ચિંતા ફેલાઇ છે. આ ચિંતા ફેલાવનારા બનાવ અંગે જાગૃતો પાસેથી મળેલી વિગતો મુજબ ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે લેર સીમના ડુંગરોમાં બે-ત્રણ દિવસ પહેલાં પ્લાસ્ટિકના કોથળાઓ સાથે બે શિકારી શિકારની શોધમાં નજરે પડયા હતા. જીવદયાપ્રેમી યુવાનો આ શિકારીઓને દૂરથી જોઇ જતાં તેને પડકારતાં ડુંગરો-બાવળોની ઝાડીમાં નાસી છૂટયા હતા. આ પૂર્વે પણ શિકારીઓ ડુંગરમાં વન્યજીવના શિકારની શોધમાં રખડતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. લેર અને રેહા સીમના ડુંગરાળ વિસ્તારમાં રાષ્ટ્રીય પક્ષી મોર, સસલાં, તેતર જેવાં વન્ય પશુ-પક્ષીઓ છે, જેમાં મોર સેંકડોની સંખ્યામાં છે. વન વિભાગ અને જીવદયા-પશુપ્રેમી યુવાનો દ્વારા આ મોર માટે પાણી અને ચણની નિયમિત વ્યવસ્થા પણ કરવામાં આવી છે, પરંતુ આવા નિર્દોષ જીવોનો શિકાર થતાં આવા શિકારી તત્ત્વો વિરુદ્ધ ફિટકાર વરસી રહી છે. માધાપર પોલીસ દ્વારા ગંગેશ્વર મહાદેવ મંદિર સુધી નિયમિત રાત્રિ પેટ્રોલિંગ થાય છે પરંતુ શિકારીઓ પણ આ પેટ્રોલિંગથી વાકેફ હોવાથી અન્ય સમયે શિકારની શોધમાં નીકળે છે. વન વિભાગ તકેદારીનાં પગલાં લઇ આવી પ્રવૃત્તિ પર રોક લગાવવા જીવદયા-પ્રકૃતિપ્રેમીઓએ માંગ કરી છે. 

Panchang

dd