ભુજ, તા. 30 : અબડાસાનાં વરાડિયા ગામના તલાટી
દ્વારા 200થી વધારે બોગસ લગ્નનાં પ્રમાણપત્ર
બનાવી આપવામાં આવ્યાં હોવાથી જો તપાસ થાય તો મોટું કૌભાંડ બહાર આવી શકે, પરંતુ જે તલાટી સામે આક્ષેપ થયા છે તે તો નિવૃત્ત
થઇ ચૂક્યા છે. સાવ ખોટા આધાર-પુરાવા લઇને કોઇકનાં દામ્પત્ય જીવનને માન્યતા તો આપી દેવામાં
આવી છે, પરંતુ સવાલ અનેક ઊભા કરી દીધા છે. એક સમય હતો કે આપણા
વડીલોનાં લગ્ન ધાર્મિક વિધિ અને પરંપરાથી થઇ ગયાં છે. આજે પણ એ પરંપરા ભલે ચાલુ છે,
પરંતુ સમય બદલાઇ ગયો છે. કાયદો-નવા નિયમોનાં કારણે લગ્ન નોંધણી ફરજિયાત
બનાવી દેવામાં આવતાં લગ્નનું પ્રમાણપત્ર દામ્પત્ય જીવનમાં અનેક કામોમાં ઉપયોગી બને
છે. જાગૃત યુવાવર્ગ કાયદાને સમજીને લગ્ન નોંધણી જે-તે શહેર કે ગામમાં કરાવીને પ્રમાણપત્ર
મેળવી લે છે, પરંતુ યુવા અવસ્થામાં પ્રેમલગ્ન થતા હોય ત્યાં વડીલોની
મરજી વગરનાં લગ્નમાં લગ્ન પ્રમાણપત્ર આવશ્યક હોવાથી આવા કિસ્સામાં આ પ્રમાણપત્ર મેળવવા
માટે પૂરતા આધાર-પુરાવા નહીં મળતા હોવાથી ક્યાંક પાછલે બારણે `પ્રસાદી'
લઇને અમુક ગ્રામ પંચાયતોમાં લગ્ન નોંધણી થઇ જતી હોય છે. તાજેતરમાં બહાર
આવેલી વિગતો અબડાસાનાં વરાડિયા ગામની છે અને જે રીતે સૂત્રોએ માહિતી આપી છે તે ચોંકાવનારી
છે. કેમ કે, વરાડિયા ગ્રામ પંચાયતમાં તલાટીઓ પોતે તો નિવૃત્ત
થઇ ગયા છે, પરંતુ જો તપાસ થાય તો અનેક બોગસ લગ્ન પ્રમાણપત્રના
કિસ્સા બહાર આવી શકે તેમ છે. સૂત્રો કહે છે કે, જ્યાં-જ્યાં આ
મહાશયે નોકરી કરી છે ત્યાં લગ્ન પ્રમાણપત્ર આપવાની તેમની કળા અનોખી હતી. આ એકમાત્ર
વરાડિયા ગ્રામ પંચાયતમાં 200થી વધુ લગ્ન
નોંધણીઓ ટૂંક સમયમાં થઇ ચૂકી છે. એક એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, વડીલોની મરજી વગર થતાં લગ્નના કિસ્સામાં રૂા.
20 હજાર લઇને નોંધણી થઇ જતી, જ્યારે અમુક કાગળો જો પૂરા હોય તેઓ પાસેથી રૂા.
10 હજારમાં પ્રમાણપત્ર આપી દેવામાં
આવતા હતા. ભાગેડુ યુવક - યુવતીની ઝડપભેર લગ્ન નોંધણી કરાવી આપવાની તેમની કામગીરીના
આ વ્યવસાયમાં સંકળાયેલા સલાહ આપતા અને કહેતા કે,
વરાડિયામાં જાઓ કામ થઇ જશે અને ગમે તેનું ગમે તેવા કાગળોની વચ્ચે પ્રમાણપત્ર
બની જતા હતા. લગ્ન નોંધણી તો દેશમાં ગમે ત્યાં થઇ હોય તેને માન્ય રાખવામાં આવે છે અને ઓનલાઇન નોંધણી કરાવવાની
લાભાર્થીઓને છૂટ છે. અબડાસામાં તાજેતરમાં છોકરીઓને ભગાડીને લાલચ આપી લગ્ન થયા હોવાના
મામલા પોલીસ ચોપડે પણ ચડી ચૂક્યા છે. આવા કિસ્સાઓમાં વરાડિયામાં લગ્ન નોંધણી થઇ હોવાનું
બહાર આવતાં પોલીસ આગળ વધે એ પહેલાં તો તલાટી નિવૃત્ત થઇ ચૂક્યા છે અને લગ્ન નોંધણી
રજિસ્ટર પણ ગુમ હોવાનું બહાર આવ્યું છે. પંચાયત સ્તરના એક અધિકારીએ પણ પોતાનું નામ
નહીં આપવાની શરતે કહ્યું કે, નિવૃત્ત થઇ ગયેલા તલાટીનો લગ્ન નોંધણી
કરવાનો એક પ્રકારે ધંધો જ હતો. જો રજિસ્ટરની તપાસ થાય તો કૌભાંડ બહાર આવી જશે. બીજી
બાજુ જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમનો સંપર્ક સાધતાં તેમણે કહ્યું કે, આવી કોઇ ફરિયાદ તેમના ધ્યાને આવી નથી, પરંતુ બાબત ગંભીર
છે. અમે તાત્કાલિક તપાસ કરાવીએ છીએ.