• બુધવાર, 24 જૂન, 2026

સોલાર ઉત્પાદકોના રેન્કિંગમાં મુંદરા અદાણી વિશ્વમાં છઠ્ઠા ક્રમે

મુંદરા, તા. 10 : મુંદરા સ્થિત અદાણી ગ્રુપની `અદાણી સોલાર' કંપનીએ વૈશ્વિક સ્તરે મોટું ગૌરવ મેળવ્યું છે. ઊર્જા સંશોધન અને કન્સલ્ટન્સી ફર્મ અને પ્રતિષ્ઠિત સંશોધન સંસ્થા વૂડ મેકેન્ઝી દ્વારા વર્ષ 2026 માટે જાહેર કરાયેલા વૈશ્વિક સોલાર મોડયુલ ઉત્પાદકોના રેન્કિંગમાં અદાણી સોલાર દુનિયામાં છઠ્ઠા ક્રમે સ્થાન પામી છે. વૂડ મેકેન્ઝી દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ, કંપનીએ અગાઉના રેન્કિંગમાં આઠમા સ્થાનેથી સુધારો કર્યો છે અને તે વૈશ્વિક ટોપ 10મા સ્થાન મેળવનારી એકમાત્ર ભારતીય ઉત્પાદક કંપની છે. વૂડ મેકેન્ઝીએ દુનિયાભરના 48 અગ્રણી મોડયુલ ઉત્પાદકોની નાણાકીય સ્થિતિ, આધુનિક ટેક્નોલોજી, કાચા માલની સપ્લાય ચેન અને કામગીરીની મજબૂતાઈના આધારે મૂલ્યાંકન કર્યું હતું, જેમાં અદાણી સોલારને શ્રેષ્ઠ પ્રદર્શન માટે `ગ્રેડ એ' રાટિંગ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત કંપનીને બ્લૂમબર્ગ તરફથી પણ ટિયર-1 રાટિંગ મળ્યું છે. અદાણી સોલાર તેના કચ્છના મુંદરા ખાતે આવેલા પ્લાન્ટનો વિક્રમી વિકાસ કરી રહી છે, જે સમગ્ર ગુજરાત માટે ગર્વની વાત છે. કંપની આ સંકલિત પ્લાન્ટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા વધારીને 10 ગીગાવોટ  કરવાના અંતિમ તબક્કામાં છે. પ્લાન્ટની વિશેષતા એ છે કે, સોલાર પેનલ બનાવવા માટેના ઈન્ગોટ્સ અને વેફર્સથી લઈને ફિનિશ્ડ મોડયુલ સુધીનું આખું ઉત્પાદન એક જ સ્થાને થાય છે. નોંધપાત્ર છે કે, આ સિદ્ધિ ભારત સરકારના `મેક ઇન ઇન્ડિયા' અને આત્મનિર્ભર ભારતના સપનાને વેગ આપે છે. દેશની સોલાર મોડયુલ ઉત્પાદન ક્ષમતા વર્ષ 2014માં માત્ર 2.5 ગીગાવોટ હતી, જે આજે વર્ષ 2026માં વધીને 170 ગીગાવોટથી વધુ થઈ ગઈ છે. સોલાર ક્ષેત્રે ભારત હવે અમેરિકાને પાછળ છોડીને દુનિયાનું બીજા નંબરનું સૌથી ઝડપથી વિકસતું માર્કેટ બની ગયું છે.  

Panchang

dd