• બુધવાર, 24 જૂન, 2026

અંજારમાં રોજના વીજધાંધિયાથી શહેરીજનો ત્રાહીમામ

અંજાર, તા. 10 : શહેરમાં છેલ્લા ઘણા સમયથી સતત સર્જાતી વીજળીની સમસ્યાઓના કારણે શહેરીજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ઉનાળાની અસહ્ય ગરમી વચ્ચે દરરોજ અનેક વખત વીજ પુરવઠો ખોરવાતાં સામાન્ય નાગરિકો, વેપારીઓ, વિદ્યાર્થીઓ, વૃદ્ધો તેમજ દર્દીઓ પારાવાર મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે.  વીજ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતાં લોકોમાં આક્રોશ ભભૂકી ઊઠયો છે. દર વર્ષે ઉનાળામાં વધતા લોડને કારણે આવી પરિસ્થિતિ સર્જાતી હોય, તો વીજ વિભાગ દ્વારા અગાઉથી આયોજનબદ્ધ કામગીરી કેમ હાથ ધરવામાં આવતી નથી તેવો  સવાલ લોકો ઉઠાવી  રહ્યા છે.  શિયાળાની ઋતુ દરમિયાન જાળવણી અને સુધારણા કામગીરી કરવામાં આવે, તો ઉનાળામાં લોકોને હાલાકીનો સામનો કરવો ન પડે, પરંતુ યોગ્ય આયોજનના અભાવે દર વર્ષે એ જ સમસ્યાઓનું પુનરાવર્તન થઈ રહ્યું છે.  નાગરિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં વીજ વિભાગ તરફથી સંતોષકારક જવાબો આપવામાં આવતા નથી. અધિકારીઓના મનસ્વી અને ઉદાસીન વલણના કારણે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ફરિયાદો સાંભળવા અને સમસ્યાનો ઉકેલ લાવવા બદલે જવાબદારો માત્ર આશ્વાસનો આપતા હોવાનું લોકોનું કહેવું છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે, દર વર્ષે ઉનાળામાં વધતા લોડની સમસ્યા સર્જાવાની અગાઉથી જાણ હોવા છતાં વીજ વિભાગ શિયાળામાં જરૂરી જાળવણી અને સુધારણા કામગીરી કેમ કરતું નથી? જો સમયસર આયોજન કરવામાં આવે, તો ઉનાળામાં લોકોને હાલાકી ભોગવવાનો વારો ન આવે, પરંતુ યોગ્ય આયોજનના અભાવે આજે સમગ્ર શહેર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. થોડા દિવસો અગાઉ પણ કોંગ્રેસ અગ્રણી દિનેશભાઈ માતા દ્વારા વીજ વિભાગના કર્મચારીઓ સામે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી, ત્યારબાદ જ અરજદારની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ હકીકત દર્શાવે છે કે, લોકોના પ્રશ્નોનું નિરાકરણ માત્ર વિરોધ અને રજૂઆતો બાદ જ કરવામાં આવે છે, જે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. શહેરના નાગરિકોની સ્પષ્ટ માંગ છે કે, વીજ વિભાગ તાત્કાલિક ધોરણે સમગ્ર વીજ વ્યવસ્થાની સમીક્ષા કરી જોખમી ડી.પી., જર્જરિત લાઈનો તથા ખામીયુક્ત સાધનોનું સમારકામ કરે તેમજ લાંબાગાળાનું આયોજન અમલમાં મૂકે. માત્ર કાગળ પરની કામગીરી અને ખોખલાં આશ્વાસનોથી સમસ્યાનો ઉકેલ આવશે નહીં. જો વીજ વિભાગ સમયસર, પારદર્શક અને જવાબદારીપૂર્વક કામગીરી કરે, તો જ તે સાચા અર્થમાં લોકો માટે ઉપયોગી અને વિશ્વાસપાત્ર સાબિત થઈ શકે. આ બાબતે અંજાર ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા શહેરમાં ચોમાસાં પહેલા વીજ સમસ્યાઓ અંગેની  કામગીરી પૂરી કરવામાં આવે તેવી રજૂઆત ઉચ્ચકક્ષાએ કરવામાં આવી છે. 

Panchang

dd