ભુજ, તા. 10 : દક્ષિણ આફ્રિકાથી લાવવામાં
આવેલા ચિત્તાઓને મધ્યપ્રદેશના કુનો જંગલ વિસ્તારમાં મૂકવામાં આવ્યા બાદ ભારતની આબોહવા
સાથે તાલમેલ થઇ જતાં હવે સંખ્યા પણ વધી છે ત્યારે આવનારા દિવસોમાં કચ્છના બન્નીના ઘાસિયાં
મેદાનમાં ત્રણથી ચાર ખતરનાક પ્રાણીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે છૂટા મૂકવામાં
આવે તેવી તૈયારીઓ ચાલી રહી છે. બન્નીના છછલા વિસ્તારમાં 614 હેક્ટર વિસ્તારમાં ચિત્તા સંરક્ષણ
સેન્ટર બનાવવામાં આવ્યું છે અને આ સંરક્ષણ સેન્ટરમાં ચિત્તાને છૂટા મૂકવામાં આવનાર
છે. કચ્છમાં સંપૂર્ણ તૈયારીઓ પહેલેથી જ થઇ ચૂકી હતી,
પરંતુ કુનોમાં સંખ્યા કેટલી વધે છે તેની રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તામંડળ
દ્વારા રાહ જોવાતી હતી. આખરે પ્રાણીની સંખ્યા વધતાં કચ્છ માટે માર્ગ મોકળો થયો છે.
કચ્છના વનસંરક્ષક ધીરજ મિત્તલે આ બાબતે સત્તાવાર સમર્થન આપી જણાવ્યું હતું કે,
બન્ની ગ્રાસલેન્ડ પ્રોજેક્ટ દ્વારા ચિત્તા પ્રોજેક્ટ માટે કામગીરી ચાલે
છે. એન.ટી.સી. સાથે ચાલતી ચર્ચામાં ચિત્તા વડાપ્રધાન શ્રી મોદીના હસ્તે કુનોની જેમ
મૂકવામાં આવશે. બસ તારીખ અને સમય ફાળવવામાં આવે તેની રાહ જોઇએ છીએ. પ્રથમ તબક્કે ચાર
જેટલા જાનવર આવે તેવી વાતચીત ચાલે છે અને વધુ સંખ્યામાં વસાવવા માટે પણ તૈયારી છે.
શ્રી મિત્તલે કહ્યું કે, અત્યારે સંરક્ષણ વિસ્તારની હદ 614 હેક્ટર છે તેને વધારી 20 હજાર હેક્ટર કરવાની પરવાનગી
મળી છે. ચોમાસા પહેલાં ગાંડા બાવળ દૂર કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. હદ વધતાં
ચિત્તાની સંખ્યામાં પણ વધારો થઇ શકશે. વડાપ્રધાન ક્યારે આવી શકે છે આ સવાલ સામે મિત્તલ
કહે છે કે, બસ એન.ટી.સી. તરફથી લીલીઝંડી
મળે તેની રાહ જોઇએ છીએ. આ શુક્રવારે એન.ટી.સી.ના આઇ.જી. સંજયન કુમાર કચ્છ આવી રહ્યા
છે અને ચિત્તા સંરક્ષણ સેન્ટરની મુલાકાત લેશે. તેઓ તમામ પાસાંઓ અંગે અભ્યાસ કરી અધૂરાશો
છે કે નહીં તે જાણ્યા બાદ અંતિમ હેવાલ પી.એમ.ઓ.ને આપશે, બાદમાં
તારીખ નક્કી થશે. આ અધિકારી બે દિવસ સુધી કચ્છમાં રોકાશે અને જ્યાં જ્યાં સૂચન હશે
ત્યાં ધ્યાન આપવામાં આવશે.