• ગુરુવાર, 23 એપ્રિલ, 2026

લખપત તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો `હાથ' ઊંચો, અઢી વર્ષે નીચે

વિશ્વનાથ જોશી દ્વારા : દયાપર (તા. લખપત), તા. 21 : તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે છેવાડાના લખપત તાલુકામાં આમ તો કોંગ્રેસ-ભાજપનો સીધો જંગ છે, પણ ક્યાંક `આપ'ની એન્ટ્રી છે. ત્રીજું પરિબળ કોને ફળશે તે જોવું રહ્યું. હાલમાં તાલુકા પંચાયતની 16 બેઠક અને જિલ્લા પંચાયતની બે બેઠક કબજે કરવા ભાજપ-કોંગ્રેસ દ્વારા એડીચોટીનું જોર લગાવી દેવાયું છે. તો ક્યાંક જ્ઞાતિ સમીકરણ, રોટેશન બદલાવ પણ ચૂંટણીમાં મહત્ત્વનો ભાગ ભજવશે. - દોઢ દાયકાની પંજાની પકડ : લખપત તાલુકો કોંગ્રેસનો ગઢ ગણાય છે. છેલ્લી ત્રણ ટર્મમાં કોંગ્રેસનો હાથ ઉપર રહ્યો છે, પરંતુ અઢી વર્ષે જ્યારે પ્રમુખ-ઉપપ્રમુખની નિયુક્તિ બદલે ત્યારે ભાજપ કોંગ્રેસના હાથમાંથી સત્તા ઝૂંટવી લે છે. આમ તો 8/11/ 2000થી 2026 સુધી વચ્ચે એક ટર્મ ભાજપ (સ્વ. અનિતાબેન શાહ)ને બાદ કરતાં સતત કોંગ્રેસ જીતતી આવી છે. 2010થી અલીમામદ જત, નીતાબેન જોશી, જેનાબાઇ હસણ પઢિયાર કોંગ્રેસના પ્રમુખ સત્તા પર બેઠા છે, પરંતુ અઢી વર્ષે ભાજપે ત્રણ વખત કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી છે. કોંગ્રેસના સભ્યો ભાજપની સાથે બેસતાં ત્રણ ટર્મના છેલ્લા અઢી વર્ષ ભાજપ સત્તા પર રહ્યો છે. પ્રજાનો ચુકાદો કોંગ્રેસ તરફી હોય છે, પણ સભ્યોનો પક્ષપલટો સત્તાના સમીકરણોને બદલાવી નાખે છે. - મોટાં માથાં કપાયાં : લખપત તાલુકા પંચાયત પ્રમુખપદ માટે અનુ. જનજાતિને રોટેશન ફાળવવામાં આવ્યું છે ત્યારે અન્ય ઉમેદવારોને મન ફક્ત જીતની ખુશી હાંસલ કરવી હોય તેમ ચૂંટણીનો ધમધમાટ અગાઉના વર્ષો જેવો દેખાતો જ નથી. બીજી બાજુ તા.પં.ની 16 સીટમાં રોટેશન બદલાવની ઘણી અસર જોવા મળશે. તા.પં.ના પૂર્વ હોદ્દેદારોની બેઠકોમાં પણ રોટેશન બદલાતાં અંદરોઅંદર નિરાશા જેવું જણાયું હતું. તા.પં.ના પ્રમુખ દયાબા જાડેજા ગુનેરી સીટ પર વિજેતા થયા હતા. હવે ગુનેરી બક્ષીપંચ રોટેશન આવતાં ભાજપે નવા ચહેરાને તક આપી છે. જ્યારે કોંગ્રેસે તા.પં.ના પૂર્વ ઉપપ્રમુખ સમરથદાન ગઢવીને ટિકિટ આપી છે. અહીં મુધાન-ગુનેરીના પીઢ અગ્રણીઓ જેઓ ભાજપથી નારાજ હતા તે ભાજપમાં જોડાતાં પક્ષ પોતાના તરફે ફાયદો જોઇ રહ્યો છે. - મતદાનમથકો વિચિત્ર : તાલુકામાં બરંદા સીટ પર મુડિયા, કાટિયા, બાલાપર, નરેડી, ખારઇ, જાડવા, પખો, જમનવાડા, નરેડો જેવા ગામડાંઓનો સમાવેશ કરાયો છે. આ ગામડાંઓમાં મોટેભાગે ક્ષત્રિય અને મુસ્લિમ તથા રબારી, માલધારી વસ્તી છે. ગત ટર્મમાં અહીંથી બેઠક જીતેલા મહિલા ઉમેદવાર કોંગ્રેસમાં તા.પં. પ્રમુખપદે આરૂઢ થયાં હતાં. તે જ મહિલાના સંબંધીને ભાજપે ટિકિટ આપી છે અને અન્ય મતદારોને કવર કરવા પણ અહીં વ્યૂહરચના કરાઇ છે, જ્યારે કોંગ્રેસ પક્ષે રબારી સમાજના અગ્રણીને ટિકિટ આપી અહીં ખરાખરીનો જંગ ઊભો કર્યો છે. ભાજપના આ ઉમેદવાર ગત ટર્મમાં કોંગ્રેસ પક્ષમાં હતાં, પરંતુ આ વખતે ભાજપની ટિકિટ પર લડી  રહ્યા છે. તો નારાયણ સરોવર ખાતે હાસમશા સૈયદને બાદ કરતાં ભાજપ કયારે જીત્યું નથી. હાલમાં કોંગ્રેસના પીઢ અગ્રણી આગાખાન સાવલાણીના પુત્રવધૂને કોંગ્રેસએ ટિકિટ આપી છે. પાનધ્રો-3 બેઠકમાં સોનલનગર, નવાનગર અને ફુલરા ગામના મતદારો આવે છે જ્યારે પાનધ્રો સીટ-1 પર પાનધ્રો ગામ આવી જાય છે. અહીંથી ગત ટર્મમાં દિનેશભાઇ સતવારા કોંગ્રેસ પક્ષમાં ટિકિટ મેળવી જીત્યા હતા, ત્યારે કોંગ્રેસને આ બેઠક સલામત લાગે છે. ગુનેરી બેઠકમાં ઘડુલી, સિયોત જેવા વચ્ચેના ગામડાં નહીં પણ 32 કિ..મી. દૂર ઝારા ગામના 173 મતદારો આ બેઠકમાં સમાવેશ થયા છે. પાનધ્રો-3 બેઠક ગત ટર્મમાં કોંગ્રેસ ફક્ત 9 મતથી હારી હતી. - ધારાસભ્યના મતે જીત પાકી : લખપત-અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા આજે તાલુકાના અંતરિયાળ ગામોમાં સભાઓ યોજી ભાજપનો પ્રચાર કાર્ય કરી રહ્યા છે ત્યારે પાનધ્રો અને ફુલરા ગામમાં પણ સભા યોજી હતી. વાતચીતમાં આ વખતે ભાજપ તા.પં. અને જિ.પં. બંને જીતશે તેવો દાવો કર્યો હતો. જીતનું કારણ લોકોને રોજગારી, આયુષ્માન કાર્ડ, રાશન જેવી સુવિધાઓનો ઉલ્લેખ કરી કહ્યું હતું કે, પહેલાં બકરી માટે એક ડાળ કાપતાં જંગલખાતું બધી વસ્તુ જપ્ત કરતું. આંગણામાં લીમડો ન કાપી શકાય એવા કડક કાયદા વચ્ચે આજે જંગલી બાવળિયાનો કોલસો કરી લોકો રોજગારી મેળવી રહ્યા છે. વિકાસનાં કામો થયાં છે. કોંગ્રેસમાંથી 25થી 30 આગેવાનો ભાજપમાં જોડાતાં ફાયદો થશે તેવો દાવો શ્રી જાડેજાએ કર્યો હતો. પોતાના પ્રચારકાર્યમાં ગામડાંઓમાંથી જોરદાર આવકાર મળી રહ્યો હોવાનું કહ્યું હતું. - ભાજપના પ્રભારીનો દાવો : લખપત તાલુકા ભાજપના પ્રભારી રાજેશભાઇ પલણે જણાવ્યું હતું કે, આ વખતે નિશ્ચિતપણે ભાજપ 12 બેઠક અને જિ.પં.ની બે બેઠક જીતી જશે. તા. પં. પર ભાજપનું સાશન રહેશે. બરંદા બેઠકના ઉમેદવાર ગત ટર્મમાં કોંગ્રેસ તરફી ચૂંટણી લડયા હતા. હાલમાં ભાજપ દ્વારા ટિકિટ અપાઇ છે અને તેના કારણે અન્ય મતો પણ મળશે. ભાજપ માટે નબળી સીટો કઇ ? તેવા પ્રશ્નમાં નારાયણ સરોવર પર ઘણી મહેનત કરવી પડશે અને અન્ય ત્રણ સીટ પર કાર્યકરો મહેનત કરશે. તા.પં.ની ચૂંટણીના પ્રચારમાં મુખ્યમંત્રીને કેમ લઇ અવાયા ? તેવા પ્રશ્નમાં રાજેશભાઇએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી માતાના મઢ દર્શનાર્થે આવ્યા હતા તેથી સાથે કાર્યકરોને પણ મળાય તે હેતુથી સભાનું આયોજન કરાયું હતું. - કોંગ્રેસ કહે છે 12 બેઠક મળશે : કોંગ્રેસના પ્રભારી પી.સી. ગઢવીનો સંપર્ક કરતાં કહ્યું હતું કે, 12 બેઠક તો એકદમ કોંગ્રેસ માટે સલામત છે. નરા, ભાડરા, બરંદા અને લાખાપર બેઠક જીતવા કોંગ્રેસે એડીચોટીનું જોર લગાવ્યું છે અને જીતી જશું. ગુનેરીની બેઠક પણ આ વખતે કોંગ્રેસના હાથમાં આવશે. જિલ્લા પંચાયતની બંને બેઠકો પર ગત ટર્મમાં કોંગ્રેસ હતી જે આ ચૂંટણીમાં પણ કોંગ્રેસના ઉમેદવારો જીતશે. ભાજપ દ્વારા ઉમેદવારોને ધાકધમકી કરાતી હોવાના આક્ષેપ સાથે કહ્યું હતું કે, પાનધ્રોના ઉમેદવારને વર્ષ 2012ના એક મહેસૂલી કેસમાં ફસાવવા તજવીજ ચાલે છે. જો ભાજપ વિકાસનું નામ લઇ મત મેળવતી હોય તો ધાકધમકીની શું જરૂરત રહે ? મુખ્યમંત્રીને શા માટે પ્રચારમાં લઇ આવવા પડે તેવો પ્રશ્ન શ્રી ગઢવીએ કર્યો હતો. 

Panchang

dd