પ્રશાંત પટેલ દ્વારા
ભુજ, તા. 31 : આરોગ્ય માટે દૂધ ખૂબ મહત્ત્વનું છે. શરીર માટે દૂધ દવાનું કામ કરે છે. દૂધનું મહત્ત્વ સમજાવવા અને દૈનિક ખોરાકમાં દૂધને સામેલ કરવા જાગૃતિ લાવવાના હેતુથી 1 જૂનના `િવશ્વ દૂધ દિવસ' ઊજવવામાં આવે છે. દૂધમાં એવા પોષક તત્ત્વો જોવા મળે છે, જે માત્ર સ્વાસ્થ્ય માટે જ ઉપયોગી નથી, પરંતુ તે આપણા શરીરની સૌથી મોટી સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદ કરી શકે છે. વિશ્વ દૂધ દિવસ નિમિત્તે દૂધ ઉત્પાદનની સાથે સાથે પર્યાવરણ, પોષણ, સામાજિક, આર્થિક સશક્તિકરણની સાથે ડેરી અને ગૌપાલન ક્ષેત્રમાં સ્થિરતા, આજીવિકા સાથે આર્થિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. મુંદરા તાલુકાના પત્રી ગામના સોનલબેન નારણ ગોયલએ આ દિશામાં ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડયું છે. સોનલબેનને ગૌપાલનમાં નાનપણથી જ રસ હતો. સોનલબેને તેમને મળેલો સંસ્કાર વારસો ટકાવવાની સાથે અન્યો સુધી પણ પહોંચાડવાનું કામ કર્યું છે. કચ્છમિત્ર સાથે વાત કરતાં સોનલબેને જણાવ્યું કે, લગ્ન થયા એટલે પોતાના પિતા તરફથી એક ગાય `દૂઝણા' (દૂધ) માટે `ધામેણા' (ભેટ)માં મળી હતી. પિતા તરફથી મળેલી ધામેણાની એક ગાયના પાલન-પોષણની સાથે સાથે દૂધ ઉત્પાદન શરૂ કર્યું હતું. આજે મારી પાસે નાની-મોટી 62 જેટલી ગીર ગાય છે. છ વાછરડી છે અને ઉત્તમ જાતનો સૌરાષ્ટ્રમાંથી લઇ આવેલો ખૂંટ પણ છે. હાલ તેમની આ ગૌશાળામાં દૈનિક 110 લિટરનું દૂધ ઉત્પાદન થાય છે. સોનલબેન 62થી વધુ ગીર ગાયોનો તબેલા (ડેરી ફાર્મ)નું સફળ સંચાલન કરી રહ્યા છે. તેઓ ગોપાલ ગીર ગૌશાળા નામથી ડેરી ફાર્મમાં એ-2 પ્રાકૃતિક દૂધ ઉત્પાદન કરી રહ્યા છે. સોનલબેનની આ ગોપાલ ગીર ગૌશાળા ગાયો માટે એક ઉત્કૃષ્ટ સુવિધાજનક છે, જેમાં ગાયો માટે પીવાનું શુદ્ધ પાણી, ખોરાક માટે ચાડ કટરથી કાપેલો ઘાસચારો, નિયમિત પૌષ્ટિક આહાર, ખાણદાણ, રહેઠાણ માટે સ્વચ્છ અને સુઘડ સુવિધાજનક શેડ, મચ્છર કિલર, ગાયોને ગરમી ના લાગે તેના માટે 24 જેટલા પંખા, નિષ્ણાત પશુ ડોક્ટરો દ્વારા નિયમિત તપાસ અને સારવાર, ખનિજો માટે ગમાણમાં સિંધાલૂણના રાખેલા ટુકડા, નાના વાછરડા માટે અલગ રહેઠાણ વ્યવસ્થા, ગૌમૂત્ર કલેકશન અને સંગ્રહ માટે ટાંકા, દૂધ, ગૌમૂત્ર કે તૈયાર?ખાતર ખેડૂતોને પહોંચાડવા વાહનવ્યવસ્થા, પશુપાલને સ્થાનિકે રહેવા માટે?સુવિધા, સીસી ટીવી કેમેરા, ઘાસચારા સંગ્રહ માટે ગોડાઉન સહિતની તમામ સુવિધાથી સજ્જ કરાઇ છે. સોનલબેન તેના આ પશુપાલનની આધુનિક ડેરી ફાર્મ સંચાલન અને દૂધ ઉત્પાદન માટે 2022ના વર્ષના ભારત સરકારનો રાષ્ટ્રીય ગૌપાલકરત્ન પુરસ્કાર, 2022માં ગુજરાત સરકારનો શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ, જિલ્લા દૂધ ઉત્પાદન એવોર્ડ, અદાણી ફાઉન્ડેશન તરફથી ખેતીમાં મહિલાની ભાગીદારી અને આર્થિક યોગદાન બદલ સન્માન સહિત આવા નાના-મોટો પુરસ્કાર તેમને મળેલા છે. સોનલબેન શરૂઆતમાં અનેક નાની-મોટી સંસ્થાઓમાંથી પશુપાલન, પ્રાકૃતિક ખેતી તથા ડેરીના સફળ સંચાલન માટે તાલીમ મેળવી છે, જ્યારે તેમાં નિપૂણતા મેળવીને આજે અન્ય બહેનોને તથા વિવિધ સંસ્થામાં જઇને તાલીમ આપી રહ્યા છે. તેઓ પાસે કૌટુંબિક 12 એકર ખેતીની જમીન છે, જેમાં આઠ એકર પશુ ઘાસચારા માટે અને ચાર એકરમાં અન્ય પાકો લે છે. સોનલબેનની આ એક ગૌપાલન તથા દૂધ ઉત્પાદનની નાના ગામમાં થતી પ્રવૃત્તિની નોંધ રાજ્ય સ્તરેથી દેશ સ્તરે લેવામાં આવી છે. સોનલબેને પશુપાલનની સાથે સાથે પર્યાવરણ, સંસ્કૃતિક વારસો ટકાવવા, કૌટુંબિક આર્થિક યોગદાન, સામાજિક-આર્થિક રીતે મહિલા સશકિતકરણ, પશુ ડેરી-ફાર્મનું આધુનિક રીતે સફળ સંચાલન કરીને અન્યો માટે પ્રેરણા પૂરી પાડી છે.