ભુજ, તા. 27 : શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો
અપાવવા તથા શહેરને કનડતા પ્રશ્નો અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને ચેમ્બર ઓફ કોમર્સ
એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન દ્વારા રૂબરૂ રજૂઆત કરાઇ હતી. ધારાસભ્ય કેશુભાઇ પટેલની ઉપસ્થિતિમાં
મુખ્યમંત્રીને રજૂઆત કરતા ફેડરેશન પ્રમુખ અનિલભાઇ ગોરે જણાવ્યું કે, ભૂકંપ બાદ કચ્છની સાથે ભુજ શહેર પણ વિકાસ પામ્યું
છે. તેમજ વસતી તથા વિસ્તારની દૃષ્ટિએ મહાનગર બની ગયું છે. સરકાર દ્વરા ભૂકંપ બાદ માધાપર,
મિરઝાપર, રિલોકેશન સાઇટ વિકસાવાઇ જેના કારણે માધાપર,
મિરઝાપર, સુખપર, હરિપર,
રતિયા, પાલારા, ભુજોડી,
કુકમા, સેડાતા, નાગોર વિ.
જેવા નજીકના ગામડાંઓ ભુજથી એકમેક થઇ ગયા છે અને આ વિસ્તારોને મહાનગરપાલિકામાં સમાવી
શકાય છે. આમ માપદંડ મુજબ ભુજને મહાનગરપાલિકા મળવી જોઇએ. કચ્છના મોટાભાગના પ્રવાસન સ્થળો
પશ્ચિમ કચ્છમાં જ છે. દરવર્ષે લાખો પ્રવાસીઓ
આવે છે અને ભુજ મુખ્ય મથક હોવાથી મોટાભાગના ભુજમાં જ રહેવાનું પસંદ કરતા હોય છે. શહેરમાં
અપૂરતી સગવડો અને ટ્રાફિકની સમસ્યા, ગંદકીની સમસ્યા વિ.ને કારણે
મુસાફરો ભુજની વિપરીત છબિ લઇને પરત જાય છે. ભુજ શહેરને કનડતા અને ભૂકંપ સમય બાદ છેલ્લા
24 વર્ષથી અટકેલા વિવિધ પ્રશ્નોની
રજૂઆત કરતાં શ્રી ગોરે જણાવ્યું કે, ડી. પી. પ્લાન 2025 હવે પૂર્ણતાના
આરે છે, પરંતુ હજુ તેના કેટલાય મુદ્દાઓનું અમલીકરણ થયું
નથી. નવા ડી. પી.નું પ્લાનિંગ થાય અને હાલના ડી. પી. પ્લાનમાં રહેલી ખામીઓ દૂર કરાય.
અનેક રસ્તાઓ બિનખેતી થયેલ સોસાયટીઓમાંથી પસાર થતાં કેટલાયે ઊભા મકાનો તથા પ્લોટ કપાતમાં
જઇ રહ્યા છે. ધૂનારાજા ડેમની ઊંચાઇ વધારવામાં આવે તો શહેરની પાણીની વિકટ સમસ્યાનો કાયમી
ધોરણે ઉકેલ લાવી શકાય. ગામતળની ટી.પી. સ્કીમની વર્ષોથી અટકેલી કામગીરી પૂર્ણ કરાય.
બાંધકામના નિયમમાં સુધારો કરાય, શહેરની પાર્કિંગ સમસ્યા દૂર કરવા
માટે ટાવર્સ-870 પૈકીની જમીનોમાં
પાર્કિંગ પ્લોટો વિકસાવાય. ભુજ શહેરને બાયપાસ કરતો સુખપરથી ભુજોડી ગામનો રસ્તો તાત્કાલિક
ધોરણે અમલી થાય અને તેની કામગીરી ત્વરાએ પૂર્ણ થાય,
ભૂકંપ બાદ `ભાડા'એ જે લોકોના પ્લોટ કપાત કર્યા છે તેમને બજાર
કિંમતે આપવા જોઇએ તો જ વિકાસ થાય અને `ભાડા'ને તેની
આવક થાય. આ ઉપરાંત ડી. પી. પ્લાનમાં દર્શાવાયેલા રોડ પૈકી હાલમાં વિકસાવવા જેવા મુખ્ય
રસ્તા ડીવાયએસપી બંગલાની સામેથી જતો ભુજ ઇંગ્લીશ સ્કૂલ થઇ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ક્રોસ
ભુજિયા રિંગરોડને અડતો રોડ, ભાનુશાલી નગરથી લાલન કોલેજ જતા 36 મીટરનો રસ્તો, હોસ્પિટલ રોડની સામે જી.ઇ.બી. ઓફિસથી પસાર થતો
18 મીટરનો રિંગ રોડ, કોવઇનગરથી નવી કેન્સર હોસ્પિટલ થઇ સુખપર ફાટક
સુધીનો 18 મીટર રોડ છે. આ ઉપરાંત 465 જેટલી ફાઇલોમાં `એફ' ફોર્મમાં ભાડા
દ્વારા સુધારો ન થયો હોવાથી સિટી સર્વેમાં જરૂરી નોંધ પડાતી નથી. લાંબા સમયથી પડતર
એવા આ પ્રશ્ન બાબતે ત્વરાએ નિર્ણય લેવાય. ભૂકંપમાં
અંદાજે 70 જેટલા એપાર્ટમેન્ટો ધરાશાયી
થયા હતા. તેમના ફ્લેટ માલિકોને જે તે સમયે જ પ્લોટ તેમજ રૂા. 1,75,000ની આર્થિક સહાય અપાઇ, પરંતુ આજે 24 વરસ બાદ પણ અંદાજે 500 જેટલા દુકાન ધારકો પ્રિ-ફેબ
દુકાનોમાં વેપાર-ધંધા કરી રહ્યા છે, જેને બાંધકામની મંજૂરી ભાડા દ્વારા અપાતી નથી. વધુમાં ટાઇટલ ક્લિયર ન હોવાથી
તેઓને લોન પણ મળી શકતી નથી અને તેઓ આ દુકાનો
વેચી પણ શકતા નથી. ચર્ચા દરમ્યાન મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ભુજ શહેરના પડતર પ્રશ્નો અને રેવન્યૂ પ્રશ્નો બાબતે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ
ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન, ભુજના પ્રતિનિધિ મંડળને ચર્ચા માટે પુન:
અનુકૂળ સમયે બોલાવશે. પ્રતિનિધિ મંડળમાં ચેમ્બર ઓફ કોમર્સના હરિભાઇ ગોર સહિતના અગ્રણી
ઉપસ્થિત રહ્યા હતા. મીડિયા કો-ઓર્ડિનેટર જગદીશભાઇ ઠક્કરે યાદીમાં જણાવ્યું હતું.