• સોમવાર, 31 માર્ચ, 2025

પુનરાજપુર ખાણ શરૂ કરવા નિગમ કટિબદ્ધ : આજે લોકસુનાવણી : દિવાળી પહેલાં ઉત્પાદનની ગણતરી

ભુજ, તા. 27 : એક જ જગ્યાએથી લાઈમસ્ટોન અને લિગ્નાઈટ બન્ને ખનિજ ધરતીનાં પેટાળમાંથી જ્યાંથી મળી રહેશે તેવી પુનરાજપુર (લખપત) ખાણને શરૂ કરવા માટે રાજ્ય ખનિજ વિકાસ નિગમ કટિબદ્ધ બન્યું છે. આવતીકાલે શુક્રવારે પુનરાજપુર ખાણ માટે લોકસુનાવણી યોજાઈ રહી છે, જેને પૂર્ણ કર્યા બાદ પર્યાવરણ સહિતની કાનૂની મંજૂરીઓ મેળવ્યા બાદ નિગમ દિવાળી પહેલાં કચ્છની આ નવી ખાણમાં ઉત્પાદન શરૂ કરવાની ગણતરીએ આગળ વધી રહ્યું છે. પુનરાજપુર (લખપત) ખાણને લઈને વાર્ષિક 290 લાખ ટન લાઈમસ્ટોન અને 30 લાખ ટન લિગ્નાઈટનું ઉત્ખનન કરવાનો નિગમનો અંદાજ છે. આ ખાણ માટે ખનિજ વિકાસ નિગમ દ્વારા એક હજાર કર્મચારીને ફરજમાં લેવાશે, જે પૈકી 60 ટકા ભરતી સ્થાનિકના લોકોની કરાશે તેવું સત્તાવાર રીતે જાહેર કરાયું છે. નવી શરૂ થવા જઈ રહેલી આ ખાણના વિસ્તારમાં ધરતીનાં પેટાળમાં 30 લાખ મિલિયન ટન લિગ્નાઈટ અને 562 મિલિયન ટન લાઈમસ્ટોનનો જથ્થો ધરબાયેલો હોવાની વિગતો અપાઈ છે. ખાણ પૂર્ણપણે કાર્યરત થયેથી દરરોજ બાવીસ ટનની ક્ષમતાવાળી 500 ગાડી ભરી શકાશે તેવી તૈયારીઓ પણ રખાઈ છે, તો લાઈમસ્ટોનનો મોટો જથ્થો મળી રહેવાનો હોવાથી જુદી-જુદી પાંચ સિમેન્ટ કંપની પણ પોતાના પ્લાન્ટ નાખવા આ વિસ્તાર માટે આગળ આવી છે. લખપત-પુનરાજપુર ખાણ કાર્યરત કરવા પહેલાંની તૈયારીઓના ભાગરૂપે આવતીકાલે તા. 28મી માર્ચ શુક્રવારે બપોરે દોઢ વાગ્યે નિગમ દ્વારા લોકસુનાવણી યોજાશે, જેમાં આ વિસ્તારનાં સંલગ્ન ગામોના રહેવાસીઓ અને આગેવાનોને સામેલ કરાશે. લોકસુનાવણી પૂર્વે ખનિજ વિકાસ નિગમના જનરલ મેનેજર  સ્વાગત રે અને વરિષ્ઠ મેનેજર એ.કે. માંકડિયા ગઈકાલે બુધવારે ભુજ આવ્યા હતા. તેમણે પરિવહનકારો અને ટ્રકમાલિકોનાં સંગઠનો અને આગેવાનો સાથે ચર્ચા કરીને  નવી ખાણ બાબતે વિવિધ વિગતો આપી હતી. આગામી દિવાળી પહેલાં ખાણમાં ઉત્પાદન શરૂ કરી દેવા માટેની કટિબદ્ધતા પણ તેમણે વ્યક્ત કરી હતી. આ બન્ને અધિકારીએ સંબંધિત વ્યવસાયીઓ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, લખપત-પુનરાજપુર ખાણ શરૂ થવાથી ભારતભરમાં એકમાત્ર આ સ્થળે લિગ્નાઈટ અને લાઈમસ્ટોન બન્ને એકસાથે મળવાની સાથે આ દુર્ગમ વિસ્તારની  સેંકડો લોકોને રોજગારી મળવા સાથે કાયાપલટ થશે. જ્યાં લાઈમસ્ટોન નીકળે તેની નજીકમાં જ સિમેન્ટ પ્લાન્ટ નાખવો પડે તેમ હોવાથી આ નવી ખાણને લઈને જુદી-જુદી પાંચ સિમેન્ટ કંપની પણ આગળ આવી હોવાની વિગતો તેમણે આપી હતી, તો ખાણ શરૂ થવા સાથે 40 ટનની ક્ષમતાવાળા વેબ્રિજ ઊભા કરવાનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. નિગમ દ્વારા 60 ટકા સ્થાનિક ભરતીના અભિગમ સાથે એક હજાર કર્મચારીની ભરતી કરવાની હોવાથી બેરોજગારીનો પ્રશ્ન પણ ઘણેઅંશે હળવો થવાની હૈયાધારણા નિગમ આપી રહ્યું છે, તો નવી શરૂ થનારી સિમેન્ટ કંપનીઓ પણ રોજગારી ક્ષેત્રે સારું પ્રદાન આપશે, જ્યારે ટ્રક ટ્રાન્સપોર્ટ વ્યવસાય અને આનુસંગિક ધંધાઓને જબ્બર ફાયદો મળે તેવી આશા સેવાઈ રહી છે. આ નવી ખાણના વિસ્તારનાં પેટાળમાં આગામી 40 વર્ષ સુધી ચાલે તેટલો જથ્થો ધરબાયેલો હોવાની વિગતો પણ સત્તાવાર રીતે અપાઈ હતી.દરમ્યાન પાનધ્રો ખાણને લઈને એક જમાનામાં સોનેરી દિવસો જોઈ ચૂકેલા કચ્છના ટ્રક ટ્રાન્સપોર્ટ વ્યવસાય માટે પાનધ્રો ખાણ બંધ થયા બાદ અને વિકલ્પે શરૂ કરાયેલી માતાના મઢ અને ઉમરસર ખાણને લઈને ધાર્યું પરિણામ ન મળતાં છેલ્લા લાંબા સમયથી કપરો કાળ ચાલી રહ્યો છે. અત્યારે માતાના મઢ ખાણથી 500 અને ઉમરસરથી 250 ગાડી રોજ ભરાય છે. આ બન્ને ખાણમાં 2030 સુધી ચાલે તેટલો જથ્થો જ હોવાનું કહેવાય છે. નવી ખાણ એકલા હાથે આટલા જથ્થાનું ઉત્ખનન અને પરિવહન કરે તેવી ગણતરીઓ પણ રખાઈ છે. બીજીબાજુ પુનરાજપુર ખાણ ઉપરાંત આવનારા દિવસોમાં નિગમ ભારખંડ (વાયોર) અને પાનધ્રો એક્સ્ટેન્શન ખાણ 2026 સુધીમાં શરૂ કરવાની પણ તૈયારી કરવાની ગણતરી રાખી રહ્યું છે. આ બાબતે વહીવટી પ્રક્રિયા શરૂ કરી દેવાઈ હોવાનું પણ સત્તાવાર સાધનોએ જણાવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd