રાપર, તા. 17 : રાપરથી
એક્સો ચાલીસ કિલોમીટર દૂર જિલ્લા મથક ભુજ આવતા-જતા એસ.ટી. બસમાં મુસાફરની ખો નીકળી
જાય છે. રગશિયાં ગાડાં જેવી જૂની અને ખખડધજ બસમાં પૂરા ચાર કલાકે માંડ ગંતવ્ય
સ્થાન આવે છે અને ત્યાં સુધીમાં તો મુસાફર અધમૂઓ થઈ ગયો હોય છે ! જિલ્લાનું મુખ્ય
મથક હોવાથી સરકારી કામે કે હોસ્પિટલનાં કે પછી વ્યાવહારિક કામકાજ માટે રાપરથી ભુજ
જવું પડતું હોય છે. એમાં જો સવારની મેટ્રાલિંક બસ ચૂકી ગયા તો બીજી બસોમાં અથડાતાં
કૂટાતાં માંડ ચાર સાડાચાર કલાકે એક્સો ચાલીસ કિલોમીટરનું અંતર કાપી એસ.ટી. બસ ભુજ
પહોંચાડે છે. બસ પણ કેવી, બ્રેક સિવાય બધું વાગે એવી ખખડધજ અને જૂની બસો. આ રૂટમાં રૂટીન હોય છે જે
ક્યાં બ્રેક ડાઉન થશે તે કાંઈ નક્કી નહીં! રાપરથી ભુજ કે અન્ય સ્થળે બાય રોડ સિવાય
કોઈ વિકલ્પ ન હોવાથી ન છૂટકે મને કમને આ સલામત સવારી એસટી અમારીમાં જ મુસાફરી કરવી
પડે છે. અત્યારે આટલા ફાસ્ટ યુગમાં પણ એસટીના અન્ય રૂટમાં નવી નક્કોર અને આરામદાયક
બસો દોડાવવામાં આવે છે અને ઝડપ વધારી પ્રવાસીઓનો સમય બચાવવામાં આવે છે, તો આ રૂટમાં કેમ નહીં ? તેવો સવાલ લોકો ઉઠાવી રહ્યા
છે. એકાદ બે એક્સપ્રેસ અને નોનસ્ટોપ અથવા ઓછા સ્ટોપેજવાળી ઝડપી બસો આ રૂટ પર
ચલાવવામાં આવે તો જિલ્લા મથકે જતા-આવતા લોકોને અને ખાસ દર્દીઓને સમય બચવા સાથે
રાહત મળે, તો સાંજે છ વાગ્યા પછી રાપરથી કે ભુજથી આવવા-જવા
માટે કોઈ જ બસ ન હોવાથી ક્યારેક હોસ્પિટલમાંથી મોડી રજા મળે કે અન્ય કારણોસર મોડું
થાય તો બહુ તકલીફ પડે છે. મોડી સાંજે કે રાત્રે બંને સ્થળેથી એક-એક બસ સર્વિસ ચાલુ
કરવામાં આવે તેવી વર્ષોથી લોકમાંગ છે, જે એસ.ટી. તંત્ર
ધ્યાને લે તેમ મુસાફર જનતા ઈચ્છી રહી છે, તો સવારે ભુજથી
અમદાવાદ જતી નમો રેપિડ ટ્રેન સામખિયાળીથી પકડી શકાય તેવી રાપરથી સામખિયાળી ટ્રેન
કનેક્ટેડ બસ ચલાવવામાં આવે તો રાપર અને આજુબાજુનાં ગામોના મુસાફરોને આ ટ્રેનનો લાભ
મળી શકે. એસ.ટી. તંત્ર લોકલાગણી ધ્યાને લે તેમ લોકો ઈચ્છી રહ્યા છે.