ભુજ, તા. 24 : મૂળ કચ્છી શરદભાઇ શાહ જેમના ચેરમેનપદે છે એવી કંપની પારસ ડિફેન્સે
જણાવ્યું હતું કે, તે મહારાષ્ટ્રમાં
દેશના પ્રથમ ઓપ્ટિક્સ પાર્કની સ્થાપના માટે રૂા. 12,000 કરોડનું રોકાણ કરવાની યોજના
ધરાવે છે.દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠક દરમિયાન કંપનીએ મહારાષ્ટ્ર સરકાર સાથે
આ સંદર્ભમાં પ્રારંભિક કરાર પણ કર્યો છે. આ પ્રોજેક્ટ 2028માં કાર્યરત થવાની અપેક્ષા છે. કચ્છ માટે ગૌરવસમી આ કંપનીએ એક
નિવેદનમાં જણાવ્યું હતું કે, આ રોકાણ
સંરક્ષણ, અવકાશ, ઓટોમોટિવ, સેમિકન્ડક્ટર અને અન્ય ક્ષેત્રો માટે ભવિષ્યની ટેકનોલોજિકલ માંગને પહોંચી વળવા ટેકનોલોજી હબ બનાવવા માટે કરવામાં
આવશે. આ પ્રોજેક્ટથી 2,000થી વધુ સીધી
રોજગારીની તકો ઊભી થવાની અપેક્ષા છે. કંપનીએ જણાવ્યું હતું કે, એ મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં ટેકનોલોજી સ્વતંત્રતા
માટેની ભારતની આકાંક્ષાઓને આગળ ધપાવે છે, તેમજ `મેક ઇન ઇન્ડિયા' પહેલ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પણ પુષ્ટ
કરે છે.પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેક્નોલોજિસ લિમિટેડના મેનજિંગ ડિરેક્ટર મુંજાલ શરદ
શાહે જણાવ્યું હતું કે, `આ ક્રાંતિકારી
પ્રોજેક્ટ માત્ર સ્થાનિક ઉત્પાદન ઇકોસિસ્ટમને જ નહીં, પરંતુ ગ્લોબલ ઇનોવેશન સેન્ટર તરીકે ભારતની સ્થિતિને
પણ મજબૂત બનાવશે.' પીટીઆઈના હેવાલ મુજબ, મહારાષ્ટ્ર સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, `અમને સંરક્ષણ, અવકાશ, ઓટોમોટિવ,
સેમિકન્ડક્ટર અને અન્ય ક્ષેત્રોમાં ઓપ્ટિકલ ટેકનોલોજી માટે મહારાષ્ટ્રમાં
ઇનોવેશનને પ્રોત્સાહન આપવા અને ટેકનોલોજિકલ નેતૃત્વને પ્રોત્સાહન આપવા માટે પારસ ડિફેન્સ
સાથે સહયોગનું ગૌરવ છે.' પ્રારંભિક સમજૂતી મુજબ, ભારત સરકાર પારસ ડિફેન્સને જમીન સંપાદન,
જરૂરી પરવાનગીઓ મેળવવામાં અને પ્રોજેક્ટના સરળ અમલીકરણમાં જરૂરી પ્રોત્સાહન
આપશે. આ પાર્કની સ્થાપના એ ઓપ્ટિકલ ટેકનોલોજીની ભારતની ક્ષમતાઓને વધારવા તરફનું મહત્ત્વનું
કદમ રહેશે અને તે ખાસ કરીને સેમિકન્ડક્ટર અને
સ્પેસ ટેકનોલોજી માટેની વૈશ્વિક સપ્લાય ચેઈનમાં ભારતની સ્થિતિને મજબૂત કરશે. - મૂળ રામાણિયાના
વતનીની કંપનીનું દેશના સંરક્ષણ-અવકાશ કાર્યક્રમોમાં નોંધપાત્ર યોગદાન : નવી મુંબઈ સ્થિત `પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેક્નોલોજિસ' કંપની એ કચ્છી જૈનની માલિકીની છે. કંપનીના ચેરમેન
શરદ શાહ એ મૂળ કચ્છના મુંદરા તાલુકાના ગામ રામાણિયાના વતની છે. મળતી વિગત પ્રમાણે,
બહુ નાની ઉંમરે 1972માં તેઓએ પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેક્નોલોજિસ લિમિટેડની શરૂઆત
કરી. જે અગાઉ પારસ એન્જિનીયરિંગ કંપની તરીકે જાણીતી હતી. ચંદ્રયાન-3ના કેમેરા આ કંપની દ્વારા બનાવવામાં આવ્યા
હતા, ત્યારે અવકાશ ક્ષેત્રે સિદ્ધિઓમાં આ કંપનીના
યોગદાનની ભરપૂર પ્રશંસાઓ થઈ હતી. પારસ ડિફેન્સ એ દેશના સૌથી જૂના ડિઝાઇન ગૃહોમાંનું
એક છે અને સંભવત: ડિફેન્સ એન્જિનીયારિંગના ક્ષેત્રમાં શ્રેષ્ઠ અને એક પ્રીમિયર `મેક ઇન ઇન્ડિયા' કંપની છે. 40 વર્ષથી વધુ સમયથી તે ડિફેન્સ
એન્જિનીયારિંગને સમર્પિત રહીને અવિરત પ્રગતિ કરે છે.કંપનીની વિશેષતા છે કે, સંરક્ષણ એપ્લિકેશન્સ માટે તે એક છત્ર હેઠળ અને
100 ટકા ભારતમાં જ બનેલા
ઉત્પાદનો અને ઉકેલોની વિશાળ શ્રેણી ઓફર કરે છે. કંપની આપણા દેશના મોટાભાગના પ્રતિષ્ઠિત સંરક્ષણ
અને અવકાશ કાર્યક્રમોમાં નોંધપાત્ર યોગદાન પણ
આપી રહી છે.