• ગુરુવાર, 24 ઑક્ટોબર, 2024

ઘર-ઘર માટીના ચૂલાથી માંડી ગેસ પાઇપલાઇનની સફર...

હેતલ પટેલ દ્વારા : ભુજ, તા. 4 : એક કહેવત ખૂબ જ જૂની ને જાણીતી છે. એમ કહેવાય છે કે, `ઘેર ઘેર માટીના ચૂલા.' ગૃહિણીના જીવનનો મહત્તમ સમય જ્યાં જતો હોય તો એ છે રસોઈઘર. એક સમય એવો હતો કે, ઘરની ગૃહિણીને પોતાના પરિવાર માટે ભોજન બનાવવાનો વિકલ્પ માત્ર ચૂલો હતો. શહેરોમાં તૈયાર ચૂલા પર રસોઈ થતી, જ્યારે ગામડાંઓમં તો સાવ દેશી ચૂલા પર જ વ્યંજન બનતા હતા. સમયના બદલાવ સાથે પરિવર્તનો થતાં ગયાં. રોજિંદા કાર્યો તો એ જ છે, પરંતુ તેની પદ્ધતિ બદલાતી રહી છે અને આ બદલાવ જ વ્યક્તિને જીવન જીવવા માટે પ્રેરણારૂપ બની વિકાસ તરફ લઈ જાય છે. આ સમૂહ પરિવર્તનના માળાનું એક મહત્ત્વનું તણખલું એટલે ચૂલાથી લઈને આજની આધુનિક ગેસ પાઈપલાઈન સુધીની સફર. આ સફરમાં ચૂલામાંથી સગડી, પ્રાઇમસ અને આગળ વધીને ગેસ સિલિન્ડર તો હવે ઘરોમાં પાઈપલાઈન મારફતે ગેસ મળતાં ભાવતા ભોજન તૈયાર થાય છે.  જે જૂની પેઢીએ સ્વપ્ને પણ નહીં વિચાર્યું હોય. જેમણે પોતાના રસોડામાં ચૂલો લિપવાથી લઈને આજના આધુનિક ગેસ સ્ટવને પરિવર્તનની ભેટ સ્વરૂપે ખુશીથી સ્વીકાર્યા છે. પરિવર્તન એ સંસારનો નિયમ છે, તો માણસ પોતાના પરિવારના પેટનો ખાડો પૂરો કરવા મનગમતું ભોજન જેના પર બને છે એ વિષય પર વાત કરવી છે, ત્યારે રસોઈ બનાવવાની પદ્ધતિમાં આવેલાં પરિવર્તન અને આધુનિકીકરણનો લાભ ઘરની ગૃહિણીઓને તો મળ્યો છે, પરંતુ રસોઈ બનાવવાના ભૂતકાળથી  માંડી વર્તમાન કાળના અનુભવ મેળવવા ગ્રામ્ય-શહેરની મહિલાઓ સુધી `કચ્છમિત્ર'એ પહોંચીને સંપર્ક કર્યો તો કંઈક  રસપ્રદ વાતો અને ભૂલાયેલા  અતીતની યાદ પણ એ બહેનોએ કરાવી હતી. - નોકરિયાત માટે તો વરદાન : ભુજના વૃંદાવન પાર્ક વિસ્તારમાં રહેતા સુશિલાબેન માહેશ્વરી કહે છે કે, જ્યારે ગેસની સગવડ નહોતી ત્યારે ચૂલા, સગડીમાં રસોઈ બનાવતા, જેમાં ખૂબ સમય લાગતો અને શ્વાસને લગતી તકલીફો પણ પડતી. લાકડા વેચાતા મળતાં નહીં તેથી લેવા જવા પડતા. એક વાનગી બનાવવા માટે અત્યારની સરખામણીએ ચાર ઘણો સમય લાગતો. હવે ગેસ સિલિન્ડર અને ત્યારબાદ પાઈપલાઈન આવી જતાં બધું ખૂબ સરળ થઈ ગયું છે. એકસાથે ચાર સ્ટવમાં ચાર વાનગી બનાવી શકાય છે. આજના યુગમાં નોકરી કરતી મહિલાઓ માટે આ વરદાનરૂપ છે. ગણતરીની મિનિટોમાં કોઈ પણ જાતના બગાડ વિના ઝડપથી જેને જે જોઈએ તે વાનગીઓ તૈયાર થઈ જાય છે. આજે ઘરના દરેક સભ્યને પોતપોતાની પસંદ અને સ્વાદ અનુરૂપ ભોજન બનાવી આપવું સરળ છે, જે પહેલાં શક્ય નહોતું. - મોટું પરિવર્તન : શહેરના પ્રમુખસ્વામી નગરમાં વસતા 72 વર્ષીય અનસૂયાબેન કતિરા સાથે વીતેલા જમાનાની વાતો યાદ કરતાં ખુશીની લહેરખી ફરી વળી. તેઓ જણાવે છે કે, ચૂલામાં રસોઈ કરતા તે સમયે ચૂલો સળગાવવા માટે રાતની રસોઈ બાદ છાણાના દેવતાની વાની વાળી મૂકતા, જેથી સવારે ફૂંક કે પૂઠાંની મદદથી હવા દ્વારા અગ્નિ સરળતાથી  પ્રગટાવી શકાય. તેમની તે સમયની માન્યતા મુજબ રસોઈ દેવતા પ્રગટાવવા કેરોસીન અપવિત્ર ગણાતું હોવાથી તેનો ઉપયોગ ન કરતા. પિત્તળ-સ્ટીલ-માટીના વાસણોમાં ચૂલા પર સ્વાદિષ્ટ ખીચડી, શાક, રોટલા-રોટલી બનાવતા હતા. 1969 દરમ્યાન સગડીનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું, ત્યારે સગડી પણ તેઓ જાતે બનાવતા. લોખંડની ડોલમાં કારીગર પાસે ચોરસ જગ્યા બનાવડાવી તેમાં કાકડી કરી કોલસા ગોઠવી છાણાને તેલ-કેરોસીનથી  પ્રગટાવતા. `સગડીની ખીચડી સ્વાદે મસ્ત- મીઠી'. સગડીની ખીચડી તેમને ખૂબ જ પ્રિય હતી. ધીમા તાપે ખીચડી બનતા દોઢેક કલાકનો સમય લાગતો.  - બધા જ અનુભવ મળ્યા : આશાપુરા માતાજી મંદિર-ભુજના પૂજારી નીતાબેન દવેએ બી.એ. સાયકોલોજીનો અભ્યાસ કર્યો છે. લગ્ન બાદ સાસરે આવ્યા ત્યારે ચૂલા, સગડી, પ્રાઇમસ, ગેસ બધું જ હતું અને જરૂરિયાત પ્રમાણે બધા વિકલ્પોનો ઉપયોગ કરતા. જેમ કે, પાણી ગરમ કરવા માટે ચૂલામાં નાળિયેરના કાચલા અને છોતરાંનો ઉપયોગ કરતા. ખીચડી, હાંડવો વગેરે બનાવવા માટે સગડી વાપરતા. `સૌની પ્રિય દાલ મખાની તો સગડીની જ' એવો આગ્રહ ઘરમાં સૌકોઈ રાખતા. દસ વાટવાળો કેરોસીનથી ચાલતો પંપવાળો પ્રાઈમસ સ્ટવ તરીકે ઓળખાતો, જેમાં ગેસ જેવી જ ફ્લેમ થતી અને વાસણ પણ કાળા ન પડતા. મોટાભાગે તાંબા અને પિત્તળના વાસણોનો ઉપયોગ કરાતો ને હવે પાઈપલાઈન વાટે ગેસ, બધા જ અનુભવ વર્ણવ્યા હતા. - સિલિન્ડરમાંથી છૂટયા : ભુજની સિદ્ધાર્થ પાર્ક સોસાયટીમાં રહેતાં ગૃહિણી કુસુમબેન શાહ જણાવે છે કે, તેમના વિસ્તારમાં ત્રણેક મહિનાથી ગેસની પાઈપલાઈન આવી ગઈ  છે. ગેસ સિલિન્ડર અને ગેસની પાઈપલાઈનની સરખામણી કરતાં બજેટમાં બહુ ફેરફાર નથી પડયો. થોડા અંશે પાઈપલાઈન સસ્તી પડે છે. હા, સિલિન્ડર ગેસની સૌથી મોટી ઝંઝટ કે ગેસ પૂરો થાય ત્યારે નોંધાવવો, સિલિન્ડરને બદલીને નવા સિલિન્ડરને જોડતી વખતે રેગ્યુલેટર ચડાવતી વખતે, ગેસનો બાટલો કબાટમાં મૂકતી અને કાઢતી વખતે, જે-જે મુશ્કેલીનો સામનો કરવો પડતો, તે બધી સમસ્યાનું સમાધાન લઈને આવી છે. આ નવી પાઈપલાઈનની સુવિધા, જેથી હાસકારો અનુભવતા કુસુમબેન આ પાઈપલાઈન દ્વારા ગેસની વ્યવસ્થાને આશીર્વાદરૂપ માને છે. એક વખત ગેસની પાઈપલાઈન જોઈન્ટ કરી જાય ત્યારબાદ સ્વિચ ઓન-ઓફ કરવા સિવાય કશું કરવાનું રહેતું નથી. સવારે ચાંપ ચાલુ કરે છે અને રાત્રે બંધ કરીને સૂવાનું. ફક્ત બિલ ભરવાનું રહે છે. - ચૂલાની તો પૂજા થતી : ગામડાંની બહેનોની વાત કરીએ તો કુકમા ગામના ચંદ્રીકાબેન સોલંકીએ જણાવ્યું હતું કે, તડકા-છાંયા જોયા છે. આપણી સંસ્કૃતિમાં ચૂલાની પણ પૂજા કરાય છે. આજે પણ શીતળા સાતમ-તેરસ એમ વર્ષમાં બે વખત તો ચૂલો-ગેસ-સ્ટવની પૂજા કરી ચૂલો ઠારવાની પરંપરા કાયમ છે. ઘણા ઘરોમાં દરરોજ સવારે પહેલી વખત ચૂલો ચાલુ કરતી વખતે દીવો-અગરબત્તી, મંત્ર-જાપ કરે છે. પહેલાના વખતમાં તૈયાર ચૂલા ન મળતાં, ત્યારે તેઓ `ભોખાર' ખોદી ત્રણ ઊભા-બે આડા એમ ચારેકોર બ્લોક ગોઠવી એ `ભોખાર'માં લાકડાં-છાણા પ્રગટાવીને રસોઈ બનાવતા. આજના સમયમાં ગેસ સિલિન્ડર કે ગેસની પાઈપલાઈનની સુવિધા વિશે વાત કરતાં કહે છે કે, તેમાં રસોઈમાં ફક્ત વચ્ચેથી જ બળતણ મળે છે, ત્યારે ચૂલામાં ચારેકોરથી રોશની-તપ મળે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang