નવી દિલ્હી, તા. 13 : સરકારે એર
ઇન્ડિયાને સંચાલન અને દેખરેખમાં સુધારો કરવા તથા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જવાબદારી
લેવાની ચેતવણી આપી છે. આ સાથે જ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ડીજીસીએને ડ્રગ ટેસ્ટિંગ નિયમોમાં
બને તેટલી ઝડપથી બદલાવ કરવા અને અનિવાર્ય તપાસથી પસાર થનારા ફલાઇટ કર્મચારીઓનો દાયરો
વધારવાનો આદેશ આપ્યો છે. સરકારે ડીજીસીએને નિર્દેશ આપ્યો છે કે જે લોકો પ્રતિબંધિત
ડ્રગના સેવન માટે દોષિત મળે તેની સામે સજાની આકરી જોગવાઈ પણ લાગુ કરવામાં આવે. જ્યારે
જે કર્મચારીના ટેસ્ટ પરિણામ કોઈ ડોક્ટર દ્વારા લખેલી દવાનાં કારણે પોઝિટિવ આવે તેને
સ્પષ્ટતા કરવાની વધુ તક આપવામાં આવે. ઉલ્લેખનીય છે કે ચાર ઓગસ્ટના રોજ 145 યાત્રીને લઈને જઈ રહેલી એર
ઇન્ડિયાની ફુકેત-દિલ્હી ફલાઈટમાં ટેકનિલ ખરાબી જોવા મળી હતી. બાદમાં ફલાઇટ ઇન કમાન્ડનો
ડોપ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. સૂત્રો અનુસાર પાયલટે પૂછપરછમાં દાવો કર્યો હતો કે, વ્યક્તિગત સમસ્યાનાં કારણે ઉંઘની ગોળીઓ ખાવી
પડી હતી. જેનાં પરિણામે ડોપ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત કેબિન ક્રૂની ફરિયાદને
પગલે વિમાનમાં પાયલટના વ્યવહારની પણ આકરી તપાસ કરવામાં આવી રહી છે. આ દરમિયાન ઉડ્ડયન
સચિવ સમીર સિન્હાએ એર ઇન્ડિયાના અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે એરલાઇને
જવાબદારી લેવી પડશે અને તપાસમાં દોષિત મળનારા કોઈને પણ છોડવામાં આવશે નહીં. વિમાન દુર્ઘટના
તપાસ બ્યૂરો (એઆઈબી) આ મામલાની તપાસ કરી રહી છે. ક્રૂ મેમ્બરે પણ પાઈલટે ગાંજાનું સેવન કર્યું હોવાની ફરિયાદ કરી
હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે, સીટથી જોડાયેલા પ્રોટોકોલને લઈને
ક્રૂ મેમ્બર અને પાઈલટ વચ્ચે ઝઘડો થયો હતો. ફુકેટ પહોંચ્યા બાદ પણ બન્ને વચ્ચેનું ઘર્ષણ
જારી રહ્યું હતું.