• શુક્રવાર, 14 ઑગસ્ટ, 2026

પોતાના ઘરે નફાના હેતુ વિના પત્તા રમવા ગુનો નથી

અમદાવાદ, તા. 13 (અમારા પ્રતિનિધિ તરફથી) : શ્રાવણ માસમાં પત્તાની રમત રમનારા સામે પોલીસની મોટાપાયે કાર્યવાહી થતી હોય છે. જો કે હવે હાઈકોર્ટે એક ચુકાદામાં ઠરાવ્યું છે કે, નફાના હેતુ કે ઉદ્દેશ વગર ઘરમાં બેસીને પૈસા માટે પત્તા રમવા એ ગેમ્બાલિંગ એક્ટ હેઠળનો ગુનો બનતો નથી. આ સાથે જ અમદાવાદના આનંદનગરમાં ખાનગી મકાનમાં નફાના હેતુ વગર પત્તા રમવાના મામલે ગેમ્બાલિંગ કાયદા હેઠળ નોંધાયેલી ફરિયાદને રદ કરવાનો હુકમ હાઈકોર્ટ દ્વારા કરાયો છે. પ્રાપ્ત માહિતી મુજબ વર્ષ 2021 પોલીસે અમદાવાદના શાલીગ્રામ-2 મકાનમાં રેડ પાડીને પત્તા રમતા કેટલાક લોકો સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી એફઆઇઆર દાખલ કરાઈ હતી. જોકે, આ કેસમાં અરજદારે હાઈકોર્ટના દ્વાર ખટખટાવીને રજૂઆત કરી હતી કે સંબંધિત મકાન કોઈ જુગારનો અડ્ડો નથી અને તેઓ કોઈ આર્થિક નફો મેળવવાના ઈરાદાથી પત્તા રમી રહ્યા નહતા. અરજદારની આ દલીલોને ગ્રાહ્ય રાખીને ગુજરાત હાઈકોર્ટે અમદાવાદના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફોજદારી કાર્યવાહી રદ કરવાનો હુકમ કર્યો છે. પોલીસની રેડમાં મકાનમાં ટેબલ ફરતે પાંચ વ્યક્તિ બેઠા હતા અને ટેબલ પર પત્તા તથા જુદા જુદા રંગના કોઈન પણ હતા. પોલીસ જુગારધારાની કલમ હેઠલ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. આ ફરિયાદને હાઈકોર્ટ સમક્ષ પડકારીને પાંચ અરજદારોએ તેને રદબાતલ કરવા દાદ માંગી હતી. અરજદારો તરફે એવી દલીલ કરાઈ હતી કે, જે મકાનમાં પત્તાની રમત રમાઈ રહી હતી તે કોઈ જુગારનો અડ્ડો નહોતો. એક રમતના ભાગ રૂપે લોકો ભેગા થયા હતા, ત્યાં કોઈ ભાગ લેનારા લોકો કોઈ વ્યવસાયિક હેતુ કે નફો કમાવવાના આશયથી એકઠા થયા નહોતા. માત્ર મિત્રો કે પરિચિતો વચ્ચે રમાતી રમતને કાયદાકીય રીતે જુગારનો ગુનો ગણી શકાય નહીં. હાઈકોર્ટના જાસ્ટિસ પી.એમ. રાવલે દલીલોના અંતે આદેશમાં નોંધ્યું કે, આ મામલે નોંધાયેલી એફઆઈઆરમાં ક્યાંય એવું લખવામાં આવ્યું નથી કે જે ઘરમાં રેડ પાડવામાં આવી તે જુગારનો અડ્ડો હતો. અથવા તો નફા માટે અહીં જુગાર રમાતો કે રમાડવામાં આવતો હતો. આવી કોઈ પણ સ્પષ્ટતા, લખાણ કે પુરાવાનો અભાવ હોય ત્યારે ગેમ્બાલિંગ એક્ટ હેઠળનો ગુનો લગાવી શકાય નહીં. આ સંગોજોમાં માત્ર અમુક કોઈન્સ સાથે પત્તા રમવા અને અરજદારોના ખીસ્સામાંથી પૈસા મળવા માત્રથી એ ઘર જુગારનો અડ્ડો બની જતો નથી. પોલીસ એફઆઈઆરમાં ક્યાંય પણ જુગારખાના શબ્દનો ઉલ્લેખ કર્યો નથી. તેથી આ સમગ્ર મામલે જુગારધારાની કલમ હેઠલ ગુનો ન બનતો હોઈ એફઆઈઆર તથા તે અનુસંધાને હાથ ધરેલી ફોજદારી કાર્યવાહીને રદબાતલ કરવાનો આદેશ કરવામાં આવે છે.

Panchang

dd