નવી દિલ્હી, તા. 13 : સંસદનું ચોમસુ
સત્ર ગુરુવારે 27 દિવસ બાદ સમાપ્ત થતાં સંસદ
અનિશ્ચિતકાળ માટે સ્થગિત થઈ ગઈ હતી. અંતિમ દિવસે લોકસભાની કાર્યવાહી માત્ર એક મિનિટ
અને રાજ્યસભાની કાર્યવાહી એક કલાક જેટલી ચાલી હતી. નીટ પેપર લીક, રામમંદિર ચડાવાચોરી સહિતના મુદ્દે વિરોધ પક્ષોના
હંગામાને લીધે ચર્ચાની દૃષ્ટિએ લગભગ આખું ચોમાસુ સત્ર ધોવાઈ ગયું હતું. કરદાતાઓના રૂા.
175 કરોડ આ ધમાલને લીધે વેડફાઈ
ગયા હતા. લોકસભામાં 114 કલાકમાંથી
96 કલાક કામ વિના વેડફાયા હતા.
ચોમાસુ સત્રમાં લોકસભાની 19 બેઠક થઈ.
એક દિવસમાં કાર્યવાહી માટે કુલ છ કલાકનો સમય હોય છે. લોકસભામાં માત્ર 19 ટકા અને રાજ્યસભામાં 39 ટકા કામકાજ થયું હતું. ચોમાસુ
સત્રમાં લોકસભામાં માત્ર 17 કલાક અને
30 મિનિટ જ કામ થઈ શક્યું હતું. 202પનાં ચોમાસુ સત્રમાં લોકસભામાં માત્ર 37 કલાક કામ થઈ શક્યું હતું. બીજી
તરફ રાજ્યસભામાં 114 કલાકમાંથી
76 કલાક અને 30 મિનિટ કામ વગર વેડફાઈ ગયા હતા.
માત્ર 37 કલાક અને 24 મિનિટ કાર્યવાહી થઈ હતી. ચોમાસુ
સત્રમાં કુલ 12 નવા ખરડા રજૂ કરાયા હતા, જેમાંથી 11 વિધેયક બન્ને ગૃહોમાં પસાર
થયા હતા. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરન રિજિજુએ જણાવ્યું હતું કે, ચોમાસુ સત્ર ચર્ચાની દૃષ્ટિએ સારું નથી રહ્યું.
પહેલીવાર સંસદમાં એવું જોવા મળ્યું હતું કે, સરકાર ચર્ચા કરવા
તૈયાર હતી, પરંતુ વિપક્ષ માત્ર આરોપો મૂકીને ચર્ચા કરવાથી દૂર
ભાગી રહ્યો હતો, તેવું તેમણે જણાવ્યું હતું. દરમ્યાન,
રાજ્યસભામાં આજે ચોમાસુ સત્રના અંતિમ દિવસે એમએમડીઆર સુધારા વિધેયક પસાર
થયું હતું. વિપક્ષની દલીલ હતી કે મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય મુદ્દાઓ પર પૂરતી ચર્ચા થઈ
શકી નથી. બીજી તરફ, સરકારે ગૃહની કાર્યવાહીમાં અડચણ ઊભી કરવા
માટે વિપક્ષ, ખાસ કરીને કૉંગ્રેસને જવાબદાર ઠેરવ્યા. રાજ્યસભાના
સભાપતિ સી. પી. રાધાકૃષ્ણને પણ અડચણો અંગે ચિંતા વ્યક્ત કરતાં ગૃહની ગરિમા જાળવી રાખવાની
અપીલ કરી. આ રીતે સત્રનો છેલ્લો દિવસ પણ એ જ રાજકીય ખેંચતાણનું પ્રતાબિંબ રહ્યો,
જેણે શરૂઆતથી જ સંસદને ઘેરી રાખી હતી.સંસદનું સત્ર ભલે પૂરું થઈ ગયું
હોય, પરંતુ રાજકીય ચર્ચા અટકવાનું નામ નથી લેતી. હવે નજરો રાજ્યો
પર રહેશે, જ્યાં સ્થાનિક મુદ્દા રાષ્ટ્રીય રાજકારણના મોટા સવાલો
સાથે જોડાઈ રહ્યા છે. લોકશાહીમાં મતભેદ અસામાન્ય નથી; અસલી પરીક્ષા
એ વાતની છે કે આ મતભેદોને ચર્ચા, સંવાદ અને બંધારણીય પ્રક્રિયાના
રસ્તે ક્યાં સુધી લઈ જવામાં આવે છે.