નવી દિલ્હી, તા. 6 : કેન્દ્ર સરકારે
ગુરુવારે સ્પષ્ટ કર્યું હતું કે, વિમાનનાં
હવાઇ ઇંધણમાં ઇથેનોલ મિશ્રણ કરવાની કોઇ યોજના જ નથી. આવી ખોટી જાણકારી, અફવાઓ ફેલાવવાથી યાત્રીઓમાં નાહક ભય, ચિંતા પેદા થાય
છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ આવી સ્પષ્ટતા કરતાં કહ્યું હતું
કે, હવાઇ યાત્રીઓની સુરક્ષા
સરકારની પહેલી પ્રાથમિકતા છે અને સુરક્ષા માપદંડો સાથે કોઇ બાંધછોડ નહીં કરાય. દિલ્હીના
પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર પર વિમાનનાં ઇંધણમાં ઇથેનોલનાં મિશ્રણની
યોજનાનો આરોપ મૂકયો હતો અને દાવો કર્યો હતો કે, તેનાથી યાત્રીઓની
સુરક્ષાને ખતરો છે. `આપ' નેતા કેજરીવાલના આ દાવાને ખોટો ગણાવતાં દેશના
નાગરિક ઉડ્ડયન મંત્રી નાયડુએ જણાવ્યું હતું કે, આવાં ખોટાં નિવેદન
કરવાં ન જોઇએ. તેનાથી યાત્રીઓમાં કારણ વગર ભય અને ચિંતા ફેલાય છે. કેજરીવાલના આરોપોનો
જવાબ આપતાં નાયડુએ કહ્યું હતું કે, ઇથેનોલ અને સસ્ટેનેબલ એવિએશન ફયુઅલ (એસએએફ) સાવ અલગ વસ્તુઓ છે. એસએએફ આંતરરાષ્ટ્રીય
નાગરિક ઉડ્ડયન સંસ્થાન દ્વારા માન્યતાપ્રાપ્ત અને વૈશ્વિકસ્તરે અપનાવાયેલું ઇંધણ છે.
નાયડુએ કહ્યું હતું કે, યાત્રીઓની સુરક્ષા માટે સરકાર પ્રતિબદ્ધ
છે અને સુરક્ષા સાથે જોડાયેલું કોઇપણ પગલું વૈશ્વિક માપદંડો મુજબ જ લેવાય છે.