નવી દિલ્હી, તા. 6 : ભારત અને
મ્યાંમાર વચ્ચે સરહદ રેખા નક્કી કરવાનો વર્ષોથી પડતર રહેલો મુદ્દો ટૂંક સમયમાં ઉકેલાઈ
શકે છે. અહેવાલો મુજબ, બંને દેશો
એવી જમીનની અદલાબદલી કરવા પર વિચાર કરી રહ્યા છે, જેની સરહદ હજુ
સુધી નક્કી થઈ શકી નથી. નવી દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા
રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, સરહદ પર કેટલાક એવા વિસ્તારો
છે જે ઉકેલવાના બાકી છે અને તે હિસ્સાઓ પર હાલ વાતચીત ચાલી રહી છે. વિદેશ મંત્રાલયના
પ્રવક્તા રણધીર જયસ્વાલે મણિપુર સરહદે જમીનની અદલાબદલી અંગેના અહેવાલોની સીધી પુષ્ટિ
કરી નથી, પરંતુ તેમણે સ્પષ્ટ કર્યું છે કે, સરહદના વણઉકેલાયેલા વિસ્તારોના ઉકેલ માટે વાતચીત ચાલુ છે. તેમની આ ટિપ્પણી
અમેરિકન મેગેઝિન `ધ ડિપ્લોમેટ'ના રિપોર્ટ બાદ આવી છે. 17 જુલાઈના આ રિપોર્ટમાં દાવો
કરવામાં આવ્યો હતો કે, ભારત સરકાર
મણિપુર સરહદ પર આવેલ બોર્ડર પિલર 65 અને 68 વચ્ચે સીમા
નક્કી કરવા માટે આશરે 1.4 ચોરસ માઈલ
જમીનની અદલાબદલીના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. આ બંને પિલર વચ્ચેનું અંતર આશરે 2.8 કિલોમીટર જેટલું છે. ભારત અને
મ્યાંમાર વચ્ચે કુલ 1,643 કિલોમીટર
લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ છે, જે અરૂણાચલ
પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમમાંથી
પસાર થાય છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ સરહદમાંથી આશરે
1,472 કિલોમીટર હિસ્સો બોર્ડર પિલર
દ્વારા નક્કી થઈ ચૂક્યો છે, જ્યારે 171 કિલોમીટર હિસ્સો હજુ પણ વણઉકેલાયેલો
છે. આ વિવાદ મુખ્યત્વે અરુણાચલ પ્રદેશના લોહિત સેક્ટર અને મણિપુરની કાબાવ ઘાટીમાં છે.
બંને દેશો વચ્ચે વર્તમાન સરહદ 1967ના દ્વિપક્ષીય
કરાર હેઠળ નક્કી થઈ હતી.