નવી દિલ્હી, તા. 10 : ભારતીય લોકતંત્રના
ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન પદ પર રહેનારા નરેન્દ્ર મોદીએ કાર્યકાળના
4399 દિવસ પૂરા કરીને દેશના પ્રથમ
વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુનો વિક્રમ તોડી નાખ્યો છે. આ અવસરે યોજિત એનડીએના મુખ્યમંત્રીઓ, નાયબ મુખ્યમંત્રીઓની બેઠક સંબોધતાં વડાપ્રધાન
મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે 12 વર્ષમાં દેશ કોંગ્રેસના કુચક્રથી આઝાદ થયો છે. નીતિ, નિયત, નિર્ભય વગરનાં શાસનમાં
પોતાની નિષ્ફળતાનું કલંક કોંગ્રેસે હિન્દુઓ પર લગાવ્યું. મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારને
12 વર્ષ પૂર્ણ થયાના માનમાં દેશભરમાં
ભાજપ અને સમર્થકો દ્વારા મંદિરોમાં પૂજા, હોમ-હવન કરીને ઉજવણી કરાઇ હતી. ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત
પક્ષના નેતાઓએ મહાઆરતી કરી હતી. આ પ્રસંગે કેન્દ્ર સરકાર દ્વારા મોદી સરકારની સફળતાઓ,
ઐતિહાસિક નિર્ણયો સમાવતું પુસ્તક વિમોચિત કરાયું હતું. આ પ્રસંગે એનડીએના
સદસ્યોએ એક પ્રસ્તાવ રજૂ કર્યો, જે બધા સાથી પક્ષોની ઉદારતા છે.
તેમણે આગળ કહ્યું હતું કે, આ યાત્રાને તેઓ વ્યક્તિગત ઉપલબ્ધિ
નથી માનતા, પણ સામૂહિક સિદ્ધિ છે. તેથી આ પ્રસ્તાવને તેમણે ભાજપ
સહિત સમગ્ર એનડીએ ગઠબંધન પરિવારના તમામ કાર્યકર્તાઓને સમર્પિત કર્યો હતો. તેમણે કહ્યું
હતું કે, આજે દુનિયાના મોટા દેશોની અર્થવ્યવસ્થા પણ સંઘર્ષ કરી
રહી છે, ત્યારે પણ ભારતે 7.7 ટકાનો વૃદ્ધિદર હાંસલ કર્યો
છે. મોદીએ કહ્યું હતું કે, 12 વર્ષની સ્થિર સરકારનાં શાસનમાં
દેશ કોંગ્રેસનાં કુચક્રમાંથી આઝાદ થયો છે. કોંગ્રેસના વિશ્વાસઘાત પછી દેશવાસીઓએ એનડીએ
ઉપર ભરોસો મૂક્યો છે. ભાજપ સહિત એનડીએનાં ઘટકદળોના નેતાઓએ ઉમળકાભેર અભિવાદન કર્યા બાદ
તેમણે કહ્યું હતું કે, ભારતની જનતાનો
વિવેક હંમેશા અદ્ભુત રહ્યો છે. દેશના લોકોએ રાષ્ટ્રીય સ્તરે રાજકીય સ્થિરતાનું મહત્ત્વ
સમજ્યું છે. જનતાની પરિપક્વતાને કારણે જ તેમને લાંબા સમય સુધી દેશસેવાની તક મળી છે.
2014 પહેલાંના ઘણા દાયકાઓ રાજકીય
અસ્થિરતા અને ઉથલપાથલથી ભરેલા હતા, જેના કારણે દેશને નુકસાન થયું હતું, પરંતુ હવે દેશની
જનતા સ્થિર સરકારનું કામ અને તેની નિર્ણાયક ક્ષમતા બંને જોઈ રહી છે. આ માટે તેમણે જનતાનો
આભાર માન્યો. મોદીએ આગળ કહ્યું હતું કે, મને સંતોષ અને ગર્વ છે
કે, એનડીએ પરિવારે દેશના આ વિશ્વાસને વધુ મજબૂત બનાવ્યો છે. 2014માં ઉગેલો આશાનો સૂર્ય આજે
નવા આત્મવિશ્વાસના પ્રકાશમાં પરિવર્તિત થયો છે. તેમણે દાવો કર્યો હતો કે, એનડીએ સરકારના 12 વર્ષ દરમિયાન 25 કરોડથી વધુ લોકો ગરીબીમાંથી
બહાર આવ્યા છે, જે તેમની નીતિઓની સફળતા
દર્શાવે છે. મોદીએ કહ્યું કે, વિકસિત ભારતનું સ્વપ્ન હવે કોઈ એક રાજકીય પક્ષ કે વ્યક્તિનું નથી રહ્યું,
પરંતુ દેશના દરેક નાગરિકનું સપનું બની ગયું છે. આ સ્વપ્નને સાકાર કરવા
માટે દરેક ક્ષણ સમર્પિત કરવી પડશે. કોંગ્રેસનાં શાસનમાં વિકાસની ધીમી ગતિને `િહન્દુ ગ્રોથ રેટ' નામ આપવામાં આવ્યું હતું. મોદીએ જણાવ્યું કે,
જ્યારે નીતિ, નિષ્ઠા અને નિર્ણાયકતા સાથે કામ થાય
છે, ત્યારે વિકાસ કેટલી ઝડપથી થઈ શકે છે તે દેશે છેલ્લા 12 વર્ષમાં જોયું છે. 2014માં દેશમાં 74 એરપોર્ટ હતાં, જ્યારે 2026માં તેમની સંખ્યા 160 થઈ છે. 2026માં 6,700 કિલોમીટર એક્સપ્રેસ-વે ઉપલબ્ધ
છે. 2014માં માત્ર ચાર શહેરમાં મેટ્રો
સેવા હતી, જ્યારે હવે 20થી વધુ શહેરમાં મેટ્રો છે. રક્ષા ક્ષેત્રની
નિકાસમાં નોંધપાત્ર વધારો થયો છે. 2014 સુધી દેશમાં માત્ર 25 કરોડ ઇન્ટરનેટ વપરાશકર્તાઓ હતા, જ્યારે આજે 100 કરોડ લોકો ઇન્ટરનેટ સાથે જોડાયેલા
છે. ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રમાં ભારત વિશ્વમાં પ્રથમ સ્થાને પહોંચ્યું છે. 2014માં મોબાઇલ ફોન આયાત થતા હતા, જ્યારે આજે દેશમાં જ 33 કરોડ હેન્ડસેટનું ઉત્પાદન થાય
છે. ઈથેનોલ બ્લેન્ડિંગ 1.5 ટકામાંથી
વધીને 20 ટકા સુધી પહોંચી ગયું છે. પ્રધાનમંત્રીએ
જણાવ્યું કે, 2014 પહેલાં મધ્યમ વર્ગ જટિલ કરવ્યવસ્થા, મર્યાદિત આવકના સ્ત્રોતો અને ભારે કરબોજનો સૌથી
મોટો ભોગ બનતો હતો. 12 લાખ રૂપિયા
સુધીની આવકને સંપૂર્ણપણે કરમુક્ત કરવામાં આવી છે.