નવી દિલ્હી, તા. 5 : પોતાના
ખેલાડી મુસ્તફિઝુર રહેમાનને કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમમાંથી બહાર કરાતાં બોખલાયેલાં
બાંગલાદેશનો રઘવાટ સોમવારે પરાકાષ્ટા પર પહોંચ્યો છે. હિન્દુ સમુદાયના લોકો પર
પ્રાણઘાતક હુમલા કરતાં અશાંત અને અસ્થિર પાડોશી દેશે પોત પ્રકાશતાં ભારત દ્વારા
યોજિત ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)નાં પ્રસારણ પર રોક મૂકી દીધી હતી. ટી-20 વિશ્વકપમાં
પણ બાંગલાદેશ સરકાર તેની ટીમ ભારત નહીં મોકલે. દરમ્યાન ભારત વિરોધ કટ્ટરતા જારી
રહેતાં બાંગલાદેશમાં એક હિન્દુ યુવાનને મોતને ઘાટ ઉતાર્યો હતો અને એક હિન્દુ
સમુદાયને નિશાન બનાવીને સામૂહિક દુષ્કર્મ કર્યું હતું. બે દેશના સંબંધોમાં વકરેલી
તાણ વચ્ચે મોહમ્મદ યુનુસની રખેવાળ સરકારે તેના દેશમાં આઇપીએલની તમામ મેચોનાં
પ્રસારણ પર તાત્કાલિક અસરથી રોક મૂકી દીધી છે. બાંગલાદેશનાં માહિતી અને પ્રસારણ મંત્રાલયે
સોમવારે આ સંબંધમાં નિર્દેશ જારી કર્યો હતો. આઇપીએલ 26 માર્ચથી
શરૂ થઇ રહી છે. યુનુસ સરકારે નિવેદનમાં જણાવ્યું હતું કે, અમારા ખેલાડીને આઇપીએલની
ટીમમાંથી બહાર કરવા પાછળ કોઇ નક્કર, તાર્કિક કારણ હતું જ
નહીં. ભારત અને તેનાં ક્રિકેટ બોર્ડનો આ નિર્ણય બાંગલાદેશની જનતા માટે અપમાનજનક,
દુર્ભાગ્યપૂર્ણ અને નીંદનીય છે. મુસ્તફિઝુર રહેમાનની આઇપીએલની
ટીમમાંથી બાકાતીના વિવાદે બે દેશના ક્રિકેટ બોર્ડના સંબંધોમાં તાણ વધારી છે.
મુસ્તફિઝુર વિવાદ હવે માત્ર આઇપીએલ સુધી જ સીમિત નથી રહ્યો. આ વિવાદની અસર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પર પણ
દેખાવા લાગી છે. ટી-20 વિશ્વકપની પોતાની મેચો ભારતની બહાર, શ્રીલંકામાં કરાવવાની
માંગ કરી ચૂકેલાં બાંગલાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી)એ સોમવારે જણાવ્યું હતું કે,
ભારતીય ક્રિકેટ બોર્ડના આ ફેંસલાથી બાંગલાદેશ જનતાને આઘાત લાગ્યો
છે. ખાસ ઉલ્લેખનીય છે કે બાંગલાદેશમાં લઘુમતી હિન્દુ સમુદાયો પર થઇ રહેલા હુમલાઓ
સામે ભારતમાં ભારોભાર આક્રોશ ફેલાયો હતો અને કેકેઆર ટીમમાં બાંગલાદેશી ખેલાડી
રહેમાનના સમાવેશ બદલ અભિનેતા શાહરુખ ખાન પર પણ પ્રહારો થયા હતા.