અમદાવાદ, તા. 27 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગાંધીનગરના
દહેગામમાં ફરજ મોકુફ નાયબ મામલતદાર રૂપિયા 18 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયો છે. આજ નાયબ મામલતદાર
અગાઉ પણ લાંચ લેતા ઝડપાતા તેમને ફરજ પર મોકુફ રખાયો હતો, ત્યારે આજે ફરી લાંચ લેતા ઝડપાઈ જતા દહેગામ
કલેકટર કચેરીમાં અધિકારીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. તા. 25-4-2022ના કલોલ મામલતદાર કચેરી ખાતે
પ્રવીણભાઈ મૂળજીભાઈ પરમાર, નાયબ મામલતદાર
તરીકે ફરજ બજાવતો હતો ત્યારે મયંક પટેલ, મામલતદાર કલોલ સાથે રૂપિયા
2 લાખ 60 હજારની લાંચ લેતા પકડાઇ ગયો હતો. ત્યારથી ફરજ મોકૂફી ઉપર દહેગામ
મામલતદાર કચેરી ખાતે મુક્યા હતા. આજે જે કેસમાં પકડાઇ ગયા તેની વિગત એવી છે કે ફરિયાદીની
વેચાણ થયેલ ખેતીની જમીનમાં વેચાણ નોંધો રદ કરવા ગાંધીનગર પ્રાંત અધિકારીની કોર્ટ તથા
ગાંધીનગરના કલેક્ટરની કોર્ટમાં આર.ટી.એસ. અપીલ દાખલ કરેલ હતા. જે અપીલના કાગળો ખોવાઇ
ગયા હોય, જે મેળવવા ફરિયાદીએ ઉપરોક્ત બન્ને જગ્યાએ અરજી
કરેલ અને તે દરમિયાન તેઓનો સંપર્ક આ કામના બન્ને આરોપીઓ સાથે થતા બન્ને આરોપીઓએ નોંધો
રદ કરી આપવાના અને અપીલના કાગળો મેળવી આપવાના અવેજ પેટે રૂ.18,000/- ની લાંચની માગણી કરી હતી. જે
અંગે ફરિયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરતા લાંચના છટકા દરમિયાન લાંચની રકમ સ્વીકારતા ઝડપી
લીધા હતા.