નવી દિલ્હી, તા. 27 : દુનિયાના
અલગ અલગ દેશોમાં વસતા ભારતીય સમુદાયને દેશના લોકશાહી પર્વમાં સરળતાથી સામેલ કરવાની
પહેલને પીઠબળ મળ્યું છે. બિનનિવાસી ભારતીય (એનઆરઆઇ) સમુદાય ભારતમાં જાતે આવ્યા વિના
જ વિદેશમાંથી પણ મતદાન કરી શકે તેવા પ્રસ્તાવને ઉચ્ચસ્તરિય સંસદીય સમિતિ તરફથી સમર્થન
મળ્યું છે. સમિતિએ ઇલેક્ટ્રોનિક બેલેટ (ઇ-બેલેટ) અને પ્રોક્સ વોટિંગ જેવા વિકલ્પોની
ભલામણ કરી હતી. આ મામલો અત્યારે કાયદા મંત્રાલય પાસે છે. કેરળના તિરુવનંતપુરમ્ના કોંગ્રેસ
સાંસદ શશિ થરૂર ભારત સરકારની વિદેશી મામલાઓની સંસદીય સમિતિના અધ્યક્ષ છે. દેશની બહાર
રહેતા ભારતીય નાગરિકોને લોકતાંત્રિક પ્રક્રિયાના હિસ્સા બનાવવાના આશય સાથે આ પહેલ કરાઇ
છે. કોંગ્રેસ સાંસદનાં વડપણવાળી સંસદીય સમિતિએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, વર્તમાન નિયમ અનુસાર એનઆરઆઇને મતદાર યાદીમાં
નામ નોંધણી કરાવવા છતાં મતદાન કરવા ભારત આવવું પડે છે. સમિતિએ આ અંગે ચિંતા વ્યક્ત
કરતાં કહ્યું હતું કે, મોટી સંખ્યામાં ભારતીયો નાગરિકતા છોડી
ચૂક્યા છે અથવા વિદેશની નાગરિકતા મેળવીને બેવડી નાગરિકતા ધરાવે છે, જેનાં પગલે ચૂંટણીમાં ભાગીદારી સીમિત થવા માંડી છે. એનઆરઆઇ મતદાનનો મામલો કાયદા
મંત્રાલય પાસે છે, પરંતુ સંસદીય સમિતિએ વિદેશ મંત્રાલયને આગ્રહ
કર્યો છે કે, તે કાયદા મંત્રાલય, ચૂંટણીપંચ
સાથે મળીને સક્રિયપણે આગળ વધે. જો કે, મહત્ત્વપૂર્ણ વાત એ છે
કે, તેના માટે કલબ 1950 હેઠળ બનાવાયેલા જનપ્રતિનિધિત્વ અધિનિયમમાં સુધારા કરવા તેમજ
રાજકીય પક્ષો સાથે વિચાર વિમર્શની જરૂર પડશે.