• સોમવાર, 31 માર્ચ, 2025

બે આતંકી ઠાર, ત્રણ જવાન શહીદ

નવી દિલ્હી, તા. 27 : પંજાબ અને જમ્મુ કાશ્મીર સરહદે સાત સંદિગ્ધ જોવા મળ્યા બાદ પંજાબમાં હાઈ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. જમ્મુ કાશ્મીરના હીરાનગર સેક્ટરમાં બુધવારે સાંજે પાંચ વાગ્યાથી એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું, જેમાં કઠુઆ જિલ્લાના જંગલમાં આવેલા જુથાના વિસ્તારમાં ઘૂસણખોર આતંકવાદીઓના જૂથ સાથે સુરક્ષાદળો અને જમ્મુ અને કાશ્મીર પોલીસની અથડામણમાં બે ત્રાસવાદી ઠાર મરાયા હતા, તો ત્રણ જવાન શહીદ થયા હોવાના હેવાલ મળ્યા હતા, જ્યારે પાંચ સુરક્ષાકર્મી ઘાયલ થયા હતા. બાદમાં પંજાબ પોલીસે પણ જમ્મુ કાશ્મીર સંલગ્ન પંજાબની સરહદે હાઈ એલર્ટ જારી કરી દીધું હતું. પઠાણકોટના બામિયાલ સેક્ટર અને નરોટ જૈમલ સિંહ વિસ્તારમાં ઘેરાબંધી કરવામાં આવી હતી. આ બન્ને વિસ્તાર કાશ્મીરના સરહદી વિસ્તારથી એકદમ નજીક છે. ગુપ્તચર એજન્સીઓએ જમ્મુ કાશ્મીરના સરહદી વિસ્તારમાથી 10થી વધારે ઘૂસણખોર ભારતીય સરહદમાં દાખલ થયા હોવાની જાણકારી આપી હતી. આ અથડામણમાં બે આતંકી ઠાર મરાયા હતા, જ્યારે ત્રણ જવાન શહીદ થયા હતા, તો પાંચ સુરક્ષાકર્મી ઘાયલ થયા હતા. એસએસપી પઠાણકોટ દલજિંદરસિંહ ઢિલ્લોના કહેવા પ્રમાણે સુરક્ષા એજન્સી હાઈ એલર્ટ ઉપર છે અને કોઈપણ પ્રકારના જોખમનો સામનો કરવા માટે તૈયાર છે. પઠાણકોટ બોર્ડર ઉપર સુરક્ષા એજન્સી બહારના રાજ્યમાંથી આવતા તમામ લોકોની પુરતી તપાસ કરી રહી છે. ઈન્ટર સ્ટેટ નાર્કો ઉપર પણ હાઈટેક સુરક્ષા રાખવામાં આવી છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd