• સોમવાર, 31 માર્ચ, 2025

આમ જનતાનાં હિતમાં સ્ટેમ્પ ડયૂટી કાયદો સુધારાયો

અમદાવાદ, તા. 27 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત વિધાનસભાએ ગુરુવારે રાજ્યના નાગરિકોની મિલકતોના હકોનું રક્ષણ, સ્ટેમ્પ ડયૂટીની ચોરી અટકાવવા તથા સરકાર દ્વારા વસૂલવાપાત્ર થતી સ્ટેમ્પ ડયૂટીની યોગ્ય વસૂલાત માટેના ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ-1958માં સુધારાઓને કોંગ્રેસનાં સમર્થન સાથે બહાલી આપી હતી. ગુજરાત સ્ટેમ્પ (સુધારા) વિધેયક-2025માં કરાયેલા કેટલાક મહત્ત્વના સુધારાઓ પૈકી કાયદાની છટકબારીથી કેટલીક કંપનીઓના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અન્ય કંપનીઓમાં શેર ટ્રાન્સફર કરીને બારોબાર માલિકી હક મેળવતા હતા, એમાં હવેથી સ્ટેમ્પ ડયૂટી લાગુ કરવાનો સુધારો પણ દાખલ કરાયો છે. આ ઉપરાંત અગાઉ જાહેર કરાયા મુજબ વડીલોપાર્જીત મિલકતોમાં અવસાન પામેલી પુત્રીના વારસદારોને હક કમીના લેખ પર હાલ વસૂલાતી 4.90 ટકાની સ્ટેમ્પ ડયૂટીને સ્થાને હવે ફક્ત રૂા. 200નાં સ્ટેમ્પ પેપર ઉપર થઇ શકે એવો સુધારો પણ કરાયો છે. મુખ્યમંત્રી વતીથી ગૃહમાં ગુજરાત સ્ટેમ્પ (સુધારા) વિધેયક 2025 ઉદ્યોગમંત્રી બળવંતાસિંહ રાજપૂતે રજૂ કર્યું હતું. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે આ બિલ સામાન્ય ગરીબ અને મધ્યમ વર્ગનાં હિતમાં ગણાવીને તેને સમર્થન આપવાની જાહેરાત કરી હતી. મંત્રી રાજપૂતે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ-1958માં સુધારા માટેનાં  બિલને સમયોચિત ગણાવ્યું હતું. એટલું જ નહીં, લોન પરની સ્ટેમ્પ ડયૂટીમાં 80 ટકા ઘટાડો થશે. આર્ટિકલ 6(1)માં સુધારો થતાં  લોનના સંબંધે ગીરો લેખ માટેની ડયૂટીમાં 80 ટકા ઘટાડો કરવામાં આવ્યો છે. પરિણામે, હવે રૂા. 1 કરોડ સુધીની લોન મેળવવા માટે 0.5 ટકા લેખે ભરવાના થતા રૂા. 25000ની ડયૂટી ઘટીને વધુમાં વધુ રૂા. 5000 થશે, જેથી ઘરનાં ઘરનું સ્વપ્ન જોતા મધ્યમવર્ગને હાઉસિંગ લોનમાં અને નાના ઉદ્યોગકારોને પોતાના ઉદ્યોગો સ્થાપવા માટે લોન મેળવવામાં ફાયદો થશે. ગીરોમુક્તિ લેખ તથા ભાડાપટ્ટા લેખ કરવા માટે સબ રજિસ્ટ્રાર કચેરી સુધી જવાના બદલે ઘરેબેઠાં ઇ-રજિસ્ટ્રેશનની સુવિધા અપાશે. તે માટે ઈ-રજિસ્ટ્રેશન સુવિધા ટૂંક સમયમાં ઉપલબ્ધ કરવામાં આવશે.  આ ઉપરાંત ધિરાણ દસ્તાવેજો પર હવે બેંકો, નાણાં સંસ્થાઓએ સ્ટેમ્પ ડયૂટી ભરવી પડશે. કાયદામાં કોણે સ્ટેમ્પ ડયૂટી ભરવી તે અંગે સ્પષ્ટ જોગવાઇ હોવા છતાં, કેટલીક ખાનગી નાણાકીય સંસ્થાઓ કે બેંકો દ્વારા કોણ સ્ટેમ્પ ડયૂટી ભરશે એવા ઉલ્લેખ વિનાના દસ્તાવેજો કરતી હતી. આવા દસ્તાવેજો ઉપર યોગ્ય સ્ટેમ્પ ડયૂટી ભરપાઇ કર્યા સિવાય ધિરાણ કરવું તથા આવા દસ્તાવેજો તપાસણી માટે રજૂ ન કરવાની ઘટનાઓ બનતી હતી, જેની સામે નવી કલમ 30(ક) ઉમેરીને મોર્ગેજના લેખ ઉપર ડયૂટી ભરપાઈ કરવાની બેંકોની જવાબદારી નક્કી કરવાની જોગવાઈ આ બિલમાં કરવામાં આવી છે. જેનાથી સામાન્ય માણસને લાભ થશે અને બેંકો દ્વારા લોન આપતી વખતે જ યોગ્ય સ્ટેમ્પ ડયૂટી ભરપાઇ કરવામાં આવશે.  તેમણે એમ પણ કહ્યું કે, સ્ટેમ્પ ડયૂટી ભરવા માટે હવે 60 દિવસનો સમય મળશે. આ જ રીતે, કલમ-3રમાં પણ લેખ નોંધણી બાદ 30 દિવસમાં સ્ટેમ્પ ડયૂટી ભરવાની મર્યાદા વધારીને 60 દિવસની જોગવાઈ કરવામાં આવતાં નાગરિકોને સ્ટેમ્પ ડયૂટી ભરવા માટે વધુ સમય મળશે. સાથે સાથે, ઓછી સ્ટેમ્પ ડયૂટી કે ચોરીના કિસ્સામાં દંડની રકમ નિયત કરાઇ છે. કલમ-39 (1)(ખ) મુજબ હાલમાં ઓછી સ્ટેમ્પ ડયૂટી ભરાયેલી હોય અથવા તો સ્ટેમ્પ ડયૂટીની ચોરીના કિસ્સામાં ઓછામાં ઓછા પાંચ રૂપિયા અને વધુમાં વધુ ખૂટતી ડયૂટીના દસ ગણા સુધીનો દંડ વસૂલવાની જોગવાઈ છે, જેનાં કારણે હુકમોમાં એકસૂત્રતા ન જળવાતી હોવાની અને આ જોગવાઇનો દુરુપયોગ થવાની શક્યતા રહેતી હતી. જેનાં સ્થાને હવે આ પ્રકારના કિસ્સામાં જો અરજદાર સામેથી સ્ટેમ્પ ડયૂટી ભરવા તૈયાર થાય, તો ખૂટતી સ્ટેમ્પ ડયૂટીના બે ટકા લેખે વધુમાં વધુ ચાર ગણા સુધી અને જો તંત્ર દ્વારા નોટિસ મળ્યા બાદ ડયૂટી ભરવા આવે, તો ખૂટતી ડયૂટીના ત્રણ ટકા લેખે વધુમાં વધુ 6 ગણા સુધી વસૂલવાની જોગવાઇ કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, શેર ટ્રાન્સફરથી માલિકી હક મેળવનારને સ્ટેમ્પ ડયૂટી ભરવી પડશે. બદલાતી પરિસ્થિતિ અને નવા કાયદાઓનો લાભ લઇ ઘણી કંપનીઓ માલિકી હકની તબદિલી આ કાયદાના દાયરામાં ન આવે તે રીતે કરે છે અને સ્ટેમ્પ ડયૂટી ભરવામાંથી છટકી જાય છે. ઉદાહરણ તરીકે શેર ટ્રાન્સફર કરી કંપનીની માલિકીમાં તબદિલી થાય છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd