• ગુરુવાર, 19 સપ્ટેમ્બર, 2024

નલિયા એરફોર્સના સિપાહીએ પોતાના લમણે ગોળી ધરબી

ભુજ, તા. 6 : હજુ વીસેક દિવસ પૂર્વે ભુજ એરફોર્સના કમાન્ડો અને તેના બે દિવસ બાદ ખાવડા સીમા પર તૈનાત બીએસએફના કોન્સ્ટેબલે પોતાનાં માથાંમાં ગોળી ધરબી આપઘાત કરી લીધાના બનાવ બાદ ગઇકાલે નલિયા એરફોર્સના 39 વર્ષીય સિપાહી પરમજિતસિંઘ હરનામસિંઘ (રહે. મૂળ હિમાચલ પ્રદેશ હાલે નલિયા એરફોર્સ સ્ટેશન)એ પોતાના લમણે ગોળી ધરબી જીવનનો અંત આણી લેતાં અરેરાટી વ્યાપી છે. આ ઉપરાંત અબડાસાના ધનાવાડામાં 39 વર્ષીય યુવાન શાહનવાજભાઇ આમદભા હિંગોરાએ એસિડ પી લીધા બાદ સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. બીજીતરફ ભચાઉ તાલુકાના ભરૂડિયાની વાડીમાં 16 વર્ષીય કિશોરી એવી સોનલ ઉર્ફે સોની રામજીભાઇ કોલીએ ઝેરી દવા પી લીધા બાદ તેનું પણ સારવાર દરમ્યાન પ્રાણપંખેરું ઊડી ગયું હતું. 20થી 25 દિવસ દરમ્યાન જ સૈનિકોમાં પોતાના અંગત કારણોસર હતાશામાં આવીને અંતિમ પગલું ભરી લેવાનો ત્રીજો બનાવ સામે આવતાં બુદ્ધિજીવીઓ અને સુરક્ષા તંત્રમાં ચિંતાની લાગણી પ્રસરી છે. 16મી નવેમ્બરના ભુજ એરફોર્સના `ગરૂડ' કમાન્ડો યોગેશકુમાર રામજિત મહતોએ કોઇ?અકળ કારણે પોતાની જ સર્વિસ પિસ્તોલથી પોતાના માથામાં ગોળી મારી દીધાના બે દિવસ બાદ જ ખાવડા બાજુની શેરદિલ બી.ઓ.પી. પાસે ફરજ દરમ્યાન કોન્સ્ટેબલ અજોય નીતય બિશ્વાસે પણ પોતાની જ રાયફલથી પોતાનાં માથાંમાં ફાયરિંગ કરી લીધું હતું. ત્યાં ગઇકાલે સાંજે નલિયા એરફોર્સ સ્ટેશનના ગાર્ડ રેસ્ટ રૂમમાં 37 વર્ષીય સિપાહી પરમજિતસિંઘ હરનામસિંઘે પોતાના લમણે ગોળી ધરબી દઇને જીવનનો અંત આણી લીધો હતો. આ બનાવમાં તપાસકર્તા નલિયા પોલીસ મથકના પી.આઇ. શ્રી ટાપરિયાનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, પરમજિતસિંઘે પોતાને મળેલી સરકારી ઓટોમેટિક રાયફલ પોતાનાં માથે રાખી ટ્રીગર દબાવી દેતાં ત્રણ રાઉન્ડ ફાયર થયા હતા અને ગોળીઓ માથાંને આરપાર થઇ ગઇ હતી. પરમજિતસિંઘ મૂળ હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાનો વતની હતો અને અહીં દોઢેક વર્ષથી ફરજ પર હતો. હાલ નલિયા પોલીસે તેની સર્વિસ રાયફલ તથા બે મોબાઇલ કબજે લઇ અકસ્માત મોતનો ગુનો નોંધી આપઘાત પાછળનાં કારણો જાણવા તપાસ હાથ?ધરી છે. બીજીતરફ અબડાસાના ધનાવાડાના 37 વર્ષીય યુવાન શાહનવાજભાઇ આમદભાઇ હિંગોરાએ ગત તા. 2/12ના કોઇ અગમ્ય કારણોસર એસિડ પી લીધું હતું. આથી તેના ભાઇ તેને સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા, પરંતુ ત્રણ દિવસની સારવાર કારગત ન નીવડતાં ગઇકાલે રાત્રે તેમણે હોસ્પિટલના બિછાને અંતિમશ્વાસ લીધા હોવાની વિગતો જી.કે. જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાંથી મળી છે. આ ઉપરાંત ભચાઉ તાલુકાના ભરૂડિયાની વાડીમાં 16 વર્ષીય સોનલ ઉર્ફે સોની રામજીભાઇ કોલીએ ગત તા. 3/12ના સવારે ઝેરી દવા પી લીધી હતી. આથી તેને તેના પિતા ભચાઉની હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ આવ્યા હતા, પરંતુ બે દિવસની સારવાર બાદ ગઇકાલે રાત્રે હોસ્પિટલમાં સારવાર દરમ્યાન સોનલે દમ તોડી દીધો હતો. ભચાઉ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ?ધરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang