ગાંધીધામ, તા. 14 : અહીંની આદિપુર પોલીસે આંતરરાજ્ય
ઘરફોડ ચોરીના ગુનાને અંજામ આપતી ટોળકીને ઝડપી
પાડવા સાથે આદિપુરમાં થયેલ ઘરફોડ ચોરીનો પણ ભેદ ઉકેલ્યો હતો. આદિપુરમાં ગત તા. 19/3ના ચોરીનો બનાવ બન્યો હતો.
આ પ્રકરણમાં ફરિયાદીના મકાનમાં કામ કરતી આરોપી સલીના તથા તેના સાગરીતોએ સોના-ચાંદીના
દાગીના તથા રોકડ તેમજ પાસપોર્ટ સહિત કુલ રૂા. 11.72 લાખની ચોરી કરી હતી. આ ગુનાનું પગેરું મેળવવા માટે પોલીસે જુદી-જુદી
ટીમો બનાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે આ ગુનામાં સામેલ નેપાળની વતની આરોપી
સલીના ધનબહાદૂર સાહી તેમજ રવિના બિરેન્દ્ર ઉર્ફે વિવેક સાહીની ધરપકડ કરી હતી. પોલીસે આ આરોપીને રિમાન્ડની માંગ
સાથે અદાલતમાં રજૂ કરી હતી, જેમાં અદાલતે
ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમારે પત્રકાર પરિષદમાં
જણાવ્યું હતું કે, આરોપીઓએ આદિપુર ઉપરાંત મહારાષ્ટ્રના પુના,
થાણે તેમજ બેંગ્લોર સહિતના છ સ્થળે ચોરીના ગુનાને અંજામ આપ્યો છે. પોલીસે
આરોપી સલીના પાસેથી સોનાની ડાયમંડ રિંગ કિં.રૂા.
1.20 લાખ, એક મોબાઈલ ફોન કિં.રૂા. પાંચ હજાર, નેપાળી ચલણી નોટો, ભારતીય નાણાં કિં.રૂા. 44,200 સાથે કુલ રૂા. 1,69,200 તથા અન્ય આરોપી રવિના પાસેથી
પાંચ હજારનો મોબાઈલ ફોન, ભારતીય ચલણના
રોકડા રૂા. 11590 સાથે કુલ
રૂા. 16590 કબજે લેવાયા હતા. બંને આરોપી પાસેથી કુલ રૂા. 1,85,790નો મુદ્દામાલ હસ્તગત લેવાયો
હતો. પકડાયેલા આરોપીઓ મોજશોખ, ફરવા, વિમાન મુસાફરી માટે
નાણાંનો ઉપયોગ કરતા હતા. ચોરીના ગુનામાં અન્ય આરોપી ભીમબહાદૂર નરબહાદૂર સાહી,
બિરેન્દ્રબહાદૂર ઉર્ફે વિવેક નરબહારદૂર સાહી, ભીમબીર
ઉર્ફે પ્રિન્સબીરા સાહીને પકડી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે. આ કામગીરીમાં
આદિપુર પી.આઈ. એમ.સી. વાળા, પી.એસ.આઈ. આર.એમ. ડુવા તથા પૂર્વ
કચ્છ એલ.સી.બી. પોલીસ, સાઈબર ક્રાઈમ પોલીસ સહિતનો સ્ટાફગણ જોડાયો
હતો.