ગાંધીધામ, તા. 18 : અંજાર તાલુકાના વરસામેડી સ્થિત વેલસ્પન કંપની અંદર સોલાર પ્લાન્ટમાંથી નિશાચરોએ રૂા. 1,78,500ના વાયરની તફડંચી કરી હતી. વેલસ્પન કંપનીના સોલાર પ્લાન્ટ વિભાગમાં ગત તા. 16-9થી 17-9 દરમ્યાન ચોરીનો બનાવ બન્યો હતો. પ્લાન્ટમાં કામ કરનાર ફરિયાદી હરીશકુમાર માનારામ મેઘવાળ તા. 16-9ના પ્લાન્ટ બંધ કરીને ઘરે ગયા હતા. બીજા દિવસે તે પરત કામે આવતાં સોલાર પ્લાન્ટના બ્લોક નંબર પાંચમાં 11 ઇન્વર્ટર પૈકી પાંચ ઇન્વર્ટર બંધ હોવાનું બહાર આવ્યું હતું. ફરિયાદી અને અન્ય ઇજનેર ત્યાં જતાં અહીંથી વાયરની ચોરી થઇ હોવાનું બહાર આવ્યું હતું. અહીંથી તસ્કરોએ 6 એમ.એમ.નો 4000 મીટર વાયર, 50 એમ.એમ.નો 50 મીટર તથા 70 એમ.એમ.નો 15 મીટર એમ કુલ્લ રૂા. 1,78,500નો વાયર કાપીને નિશાચરો નાસી ગયા હતા. કંપનીની ફેન્સિંગ કૂદીને અંદર ઘૂસેલા તસ્કરો કોઇ મોટું વાહન લઇને આવ્યા હશે તેવી શંકા સાથે આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.