• શુક્રવાર, 29 માર્ચ, 2024

વરસામેડીમાં ધમધમતા દેશી દારૂના હાટડા બંધ કરાવવા માંગ

અંજાર, તા. 30 : તાલુકાના વરસામેડી ગામે ઠેર-ઠેર દેશી દારૂના ધમધમતા હાટડાઓથી સ્થાનિક લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે. આ નશાના રવાડે ચડેલા અનેક યુવાનો બરબાદ થયા છે તો અમુકના મોત થયાં છે. આવા હાટડા બંધ નહીં કરાવાય તો જનતા રેડની ચીમકી ગ્રામજનોએ આપી હતી. અંજાર પોલીસ મથકની હદમાં આવતા વરસામેડી ગામમાં વેલહોમ પાસે ખાસ પોલીસ ચોકી બનાવાઇ છે છતાં વેલસ્પન વિદ્યામંદિરથી માંડી વેલસ્પન ગુજરાત કોલોની સુધી અને ગામના જુદા-જુદા વિસ્તારોમાં ખુલ્લેઆમ દેશી દારૂના હાટડા ધમધમી રહ્યા છે. પોલીસવડાની કચેરીએ અપાયેલીં આવેદનપત્રમાં બુટલેગરોનાં નામજોગ રજૂઆત કરવામાં આવી હતી. પત્રમાં જણાવાયા મુજબ વેલસ્પન ગેટની સામે, ઇન્ડિયા કોલોની પાછળ, એરપોર્ટ રોડ, રામદેવ હોટેલ પાસે, શાંતિધામ રોડ, ઓમનગર પાસે, વર્ષા વિલા સોસાયટી પાસે, અંબાજી-3 અને 8 વચ્ચે, નાયરા પેટ્રોલપમ્પની બાજુમાં વગેરે જગ્યાએ આ દૂષણ ધમધમતું હોવાની રજૂઆત કરાઇ હતી. આ બદી હપ્તા પદ્ધતિથી ચાલી રહી હોવાનું પણ જણાવાયું હતું. થોડા દિવસ અગાઉ આવી બદીના રવાડે ચડેલા એક યુવાનનું મોત પણ થયું હોવાનું જણાવાયું હતું. યુવાનોને પાયમાલ કરનાર આ બદી 10 દિવસમાં સદ્તંર બંધ નહીં કરાવાય તો જનતા રેડની ચીમકી આવેદનપત્રમાં આપવામાં આવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang