• બુધવાર, 05 ફેબ્રુઆરી, 2025

કચ્છમાં મોડિફાઇડ સાયલેન્સર પર કાર્યવાહી ક્યારે ?

ભુજ, તા. 24 : તાજેતરમાં રાજકોટ શહેરમાં ફટાકડાવાળા સાયલેન્સર (મોડીફાઇડ સાયલેન્સર) ધરાવતા દ્વિચક્રી વાહન 350 બુલેટધારકો પર ટ્રાફિક પોલીસ દ્વારા ધોંસ બોલાવાઇ હતી અને ફટાકડાવાળા સાયલેન્સર પર તંત્રએ બુલડોઝર ફરાવી તેનો નાશ કર્યો હતો. આવી ધાક બેસાડતી કાર્યવાહી કચ્છમાં કેમ નથી થતી તેવો પ્રશ્ન ઊઠયો છે. જિલ્લાના મુખ્યમથક ભુજમાં રાત્રે જ્યુબિલી ગ્રાઉન્ડથી મુંદરા, લખપત રોડ પર છાકટા બની લવરમૂછિયાઓ બુલેટને રફ્તારથી ચલાવે છે અને ફટાકડાથથી ધડાકા પણ કરાવે છે. ગેરકાયદેસર આવા મોડીફાઇડ સાયલેન્સર પર પ્રતિબંધ હોવા છતાં યુવાનો બેરોકટોક ફટાકડાવાળા સાયલેન્સર ધરાવતી ગેરકાયદેસર બુલેટનો ઉપયોગ કરી રહ્યા છે. સાંજે-રાત્રે જ્યારે મોટી સંખ્યામાં લોકો વોકિંગ કરતા હોય ત્યારે લવરમૂછિયાઓ બેફામ બુલેટ લઇ ધ્વનિ પ્રદૂષણ કરી રહ્યા છે. બીજા પર પ્રભાવ વધારવા આવા વાહનોનો ઉપયોગ કરી સામાન્ય લોકોને ત્રાસ આપતા ગેરકાયદેસર ફટાકડા સાયલેન્સર ધરાવતી બુલેટો પર રાજકોટ જેવી જ કાર્યવાહી કચ્છમાં થાય તે જરૂરી હોવાનું લોકજીભે ચર્ચાય છે. ઘણી વખત ફટાકડાના અવાજથી હાઇવેની સાઇડમાં બેઠેલા કે ઊભેલા પશુઓ કે શ્વાન ભડકે છે જે રોડ ક્રોસ કરવાનો પ્રયાસ કરે છે જેનો ભોગ અન્ય વાહનચાલકો કે રાહદારીઓ બને છે. કચ્છના અન્ય શહેર ગાંધીધામ, અંજાર, ભચાઉ ખાતે પણ ગેરકાયદેસર ફટાકડા ફોડતા મોડીફાઇડ સાયલેન્સર પર ટ્રાફિક પોલીસ દ્વારા તવાઇ જરૂરી છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd