નવી દિલ્હી, તા. 25 : ઈંગ્લેન્ડ
સામે ચેન્નાઈમાં રમાયેલી બીજી ટી20 મેચમાં તિલક
વર્માના લડાયક 72 રનની મદદથી ભારતને રોમાંચક
જીત મળી હતી. જીત માટે 166 રનના લક્ષ્યનો
પીછો કરતા ટીમ ઈન્ડિયાએ એક સમયે 104 રનમાં જ છ વિકેટ ગુમાવી દીધી
હતી. જો કે તિલક વર્માએ એક છેડેથી સતત સ્કોરબોર્ડ ફરતું રાખ્યું હતું અને અંતિમ ઓવરમાં
ચોગ્ગો ફટકારીને ટીમને જીત અપાવી દીધી હતી.
લક્ષ્યનો પીછો કરતા ભારતને બીજી જ ઓવરમાં પહેલો ઝટકો લાગ્યો હતો. પહેલી મેચમાં
તોફાની ઈનિંગ્સ રમનારો અભિષેક શર્મા 12 રને પેવેલિયન પરત ફર્યો હતો. બાદમાં સંજુ સેમસને પણ ત્રીજી ઓવરમાં
ચાલતી પકડી હતી. આ દરમિયાન તિલક વર્મા મેદાનમાં આવ્યો હતો અને એક છેડો સાચવીને ભારતને
જીતની નજીક પહોંચાડવાનું કામ કર્યું હતું. આ દરમિયાન વોશિંગ્ટન સુંદરે 19 બોલમાં 26 રન કરીને તેનો સાથ આપ્યો હતો.
અંતિમ ઓવરમાં છ બોલમાં છ રનની જરૂર હતી. આ દરમિયાન પહેલા બોલે બે રન આવ્યા હતા અને
પછી તિલકે ચોગ્ગો ફટકારીને ટીમને રોમાંચક જીત
અપાવી હતી. તિલક વર્માએ 55 બોલમાં 4 ચોગ્ગા અને પાંચ છગ્ગા સાથે 72 રન કરીને નોટઆઉટ રહ્યો હતો
અને ટીમની જીતનો હીરો બન્યો હતો. ચેન્નઈમાં રમાયેલીભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની
બીજી ટી20 મેચમાં ભારતે ટોસ જીતીને રન
ચેઝ કરવાનો નિર્ણય કર્યો હતો. ઈંગ્લેન્ડે પહેલાં બેટિંગ કરતાં 20 ઓવરમાં નવ વિકેટે 165 રન કર્યા હતા. મેચમાં અર્શદીપે
ઈંગ્લેન્ડને પહેલી જ ઓવરમાં ઝટકો આપતા ફીલ સોલ્ટને ચાર રને પેવેલિયનનો રસ્તો બતાવી દીધો હતો. બાદમાં
બેન ડકેટ પણ મોટી ઈનિંગ ન રમી શકતાં ત્રણ રનના અંગત સ્કોરે આઉટ થયો હતો. તેવામાં ફરી
એક વખત જોશ બટલરે બાજી સંભાળી હતી અને 30 બોલમાં 2 ચોગ્ગા અને
ત્રણ છગ્ગાની મદદથી 45 રન કર્યા
હતા. આ ઉપરાંત જેમી સ્મીથે 22 અને બ્રાયડન
કાર્સે 31 રનની મહત્ત્વની ઈનિંગ રમી હતી.
ભારત તરફથી અક્ષર પટેલ અને વરુણ ચકવર્તીએ બે-બે વિકેટ લીધી હતી. જ્યારે અર્શદીપ, હાર્દિક, વોશિંગ્ટન સુંદર
અને અભિષેક શર્માએ એક-એક શિકાર કર્યા હતા