નખત્રાણા, તા. 25 : આ નગરને રસ્તા, પાણી, ગટર, રખડતા ઢોરોના ત્રાસ સહિતની અનેકવિધ સમસ્યાઓથી
ત્રસ્ત શહેરને સ્માર્ટ શહેર બનાવવા નવનિર્મિત નગરપાલિકાના પ્રમુખ હોદ્દેદારો
કૃતનિશ્ચયી છે, તેવું આજે શહેરના દેવકીનગર વસાહતથી અંજલિ
કિરાણા થઇ મુખ્ય બજારને જોડતા માર્ગને સી.સી. રોડના નિર્માણ માટે ખાતમુહૂર્ત કરી
કાર્યનો આરંભ કરાવતાં મેયર વસંતભાઇ વાઘેલા, કારોબારી ચેરમેન
ચંદનસિંહ રાઠોડ સહિતના હોદ્દેદારોએ નગરના વિકાસની ખૂટતી કડીઓ ઝડપથી પૂર્ણ કરવા
જણાવ્યું હતું. બે દાયકાથી વધુ સમય અગાઉ નિર્માણ પામેલા દેવકીનગરના રહેવાસીઓ માટે
સમસ્યાગ્રસ્ત રસ્તામાં ખાડા-ટેકરા તથા ચોમાસાંમાં ભરાતાં વરસાદી પાણીથી ભારે
મુશ્કેલી સર્જાતી હતી, જેથી આ માર્ગનું નિર્માણ આશીર્વાદરૂપ
બની રહેશે, તેવું ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું તેમજ
બાજુના વિસ્તારનો પણ બીજો નવો સિમેન્ટ રોડ ચોમાસાં અગાઉ તાત્કાલિક બની જશે,
જેથી આ વિસ્તારમાંથી પસાર થતાં વરસાદી પાણીનાં વહેણની સમસ્યાથી
મુક્તિ મળશે. આ તકે નગરપતિ વસંતભાઇ વાઘેલા, ઉપ-નગરપતિ દમયંતીબેન
સેંઘાણી, કારોબારી ચેરમેન ચંદનસિંહ રાઠોડ, નગરસેવકો તથા વેપારી મંડળના પ્રમુખ હેમેન્દ્રભાઇ કંસારા, મહામંત્રી અરવિંદભાઇ રૈયાણી, પૂર્વ સરપંચ ડાયાભાઇ
સેંઘાણી, બેગ્રીનભાઇ સોની, હાર્દિક
સાહેની, રેણુબેન પટેલ, એડવોકેટ
ગુંસાઇભાઇ સહિત આગેવાનો ઉપસ્થિત રહી પાલિકા દ્વારા વિકાસકામને બિરદાવાયું હતું.