• મંગળવાર, 26 મે, 2026

વૃંદાવન સેવા મહોત્સવનું ફળ સનાતન ધર્મને અર્પણ

વસંત પટેલ દ્વારા : કેરા (તા. ભુજ), તા. 25 : સળંગ દોઢ માસ સુધી માંડવી ચારકાંધાનું સંગઠન ઘર ઘર જઈ રચનાર વૃંદાવન સેવા અમૃત મહોત્સવનું ફળ સનાતન ધર્મ ધ્વજાને વધુ ઊંચાઈ સાથે સમર્પિત કરાયું હતું. મહોત્સવના કન્વીનર માંડવી મહંત કેશવજીવનદાસજી સ્વામી, સંચાલક કોઠારી સુખદેવ સ્વરૂપ સ્વામીની સૌને સાથે રાખી ચાલવાની કુનેહને મંચ પરથી બિરદાવાઈ હતી. ઠાકોરજીની સવારી આકર્ષક રહી હતી. કળશધારી બહેનો, વિદ્યાર્થી લેઝિમ, વિવિધરંગી પટ્ટાથી આકૃતિ ખડી કરતા કર્મયોગી, સનાતન ભગવા સાથે યુવાનો, બેન્ડ પાર્ટી, ચોવીસીની મંડળીઓ, દક્ષિણ ભારતીય ઢોલ સાથે યુવાનોનો નિનાદ, મહારાષ્ટ્રીયન બ્યુગલ, બાળ વાજિંત્ર મંડલી, નરનારાયણ યુવતી મંડળની બહેનોની બંડીધારી બેન્ડ પાર્ટી, રાસગરબા, એકસરખાં પરિધાન, ભગવા રંગને ઘેરો ઘાટો કરતા સાંખ્યયોગી વૃંદ આ દૃશ્યમાં અનેક વિવિધતા વચ્ચે વૃંદાવન વિહારી પ્રત્યેનો ભાવ એકસરખો ચંપાતો હતો. આછા આકાશી ટી-શર્ટ સાથે યુવાનો ભુજ-માંડવી રોડ પર એકાદ કિ.મી. સુધી રેલાયા હતા. માંડવી વૃંદાવન સેવામૃત મહોત્સવનાં આ દૃશ્યો હૈયે હૈયે આનંદ તરબતર કરતાં હતાં. મહોત્સવના અંતિમ સત્રની આ નગરયાત્રાએ માંડવીના મુખ્ય રસ્તાને સાંકડો બનાવી દીધો હતો. ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત ધર્મનંદનદાસજી સ્વામી, ઉપમહંત પુરાણી ભગવદજીવન સ્વામી, કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગત, કોઠારી દેવપ્રકાશદાસજી સ્વામી આદિ સંતોનાં માર્ગદર્શન હેઠળ માંડવી મંડળધારી સંતો, ત્યાગી બહેનો, મંદિર કમિટીએ ચારેય કાંધાના હરિભક્તો, દેશ-વિદેશવાસી માંડવીના હરિભક્ત પરિવારોમાં એટલો ઉત્સાહ રેલાવ્યો કે સમગ્ર યાત્રા નરનારાયણદેવના જયઘોષમાં પરિવર્તિત થઈ હતી. ન માત્ર માંડવી, પરંતુ સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના ઈતિહાસમાં નોંધાય તે રીતની તૈયારી સાથે ઊજવાયેલ પર્વનું ફળ સનાતન ધર્મને અર્પણ કરાયું હોવાનું વરિષ્ઠ સંત સૂર્યપ્રકાશદાસજી સ્વામીએ કચ્છમિત્રને જણાવતાં આનંદ વ્યક્ત કર્યો હતો. ઉત્સવમાં માંડવી લેવા પટેલ સમાજની વડીલ, યુવા-યુવતી પાંખે મજબૂત સહયોગ આપ્યો હતો. ભજનિક કીર્તિદાન ગઢવી, દિવ્ય પટેલના ડાયરામાં સાહિત્યકાર રમેશ જોશીએ હાસ્યરસ સાથે સંકલન કર્યું હતું. ગૌસેવા માટે મોટી રકમ એકત્ર થઈ હતી.

Panchang

dd