ભુજ, તા. 24 : ડિપાર્ટમેન્ટ ઓફ વિઝ્યુઅલ
આર્ટ્સ, કે.એસ.કે.વી. કચ્છ યુનિવર્સિટી અને કચ્છ મ્યુઝિયમ, ભુજના સંયુક્ત ઉપક્રમે આયોજિત
ત્રિ-દિવસીય કલા, સંસ્કૃતિ અને વારસા ઉત્સવ `કલાવીથિ 2026'માં કલાપ્રેમીઓ
અને વિદ્યાર્થીઓને કચ્છના વારસાથી પરિચિત કરાવાયા હતા. ઉત્સવના સમાપન દિવસે `આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ' અંતર્ગત
સત્ર યોજાયું હતું. સાથે આયોજિત લાઈવ પ્રિન્ટમાકિંગ વર્કશોપ અને ડેમોન્સ્ટ્રેશન મુલાકાતીઓ
તેમજ વિદ્યાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સમાપન સમારોહમાં વિઝ્યુઅલ આર્ટના
પ્રો. સોની, પુરાતત્વ વિભાગના અધિકારી જયપાલાસિંહ જાડેજા અને ધવલ દવે ઉપસ્થિત રહી કલાક્ષેત્રે
ભવિષ્ય બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને આગળ વધવાની પ્રેરણા
આપી હતી. અંતિમ સત્રમાં કચ્છ મ્યુઝિયમના ક્યુરેટર ડો. મહેન્દ્રસિંહ સુરેલાએ મહેમાનો,
કલાકારો, સ્વયંસેવકો અને સહયોગી સંસ્થાઓનો આભાર માન્યો હતો. ત્રણેય દિવસ સુધી ભાગ લેનારા
સહભાગીઓ અને વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. ડો. સુરેલાએ સ્થાનિક કલાને
નવો મંચ મળતો રહે તે હેતુથી સર્જનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કચ્છ મ્યુઝિયમમાં કરવામાં
આવશે તેવું જણાવ્યું હતું.