• સોમવાર, 25 મે, 2026

અફસોસ ! પાવર મેં ન રઇ જાર, ક ન ર્યા પીરું

બાબુ માતંગ દ્વારા : નિરોણા (પાવરપટ્ટી), તા. 24 : પાવરપટ્ટીના સીમાડામાં પીલુના વૃક્ષોનો સફાયો થતાં પીલુની ભરપૂર મોસમ વચ્ચે પીલુ નામશેષ થયા હતા. વૈશાખ-જેઠનો મહિનો એટલે પીલુની મોસમ. પીલુનું નામ પડે એટલે કચ્છનો વાગડ, ગરડો અને પાવરનો વિસ્તાર જીભે ચડયાં વગર રહે ખરો? તેમાં પણ પાવરપટ્ટી વિસ્તારના મધમીઠાં પીલુ એટલે કચ્છી કુદરતી મેવો. વૈશાખની શરૂઆતથી આગ ઓકતી ગરમી અને લૂ સાથે વા'તા વાયરા વચ્ચે પાવરપટ્ટી વિસ્તારમાં ખારી-મીઠી `જાર' રંગ-બેરંગી પીલુના ફાલથી લચી પડતા સીમાડો રંગીન જ નહીં રસમય બનતો, પરંતુ માનવી મફતની જમીનો હડપ કરવાની લ્હાયમાં સીમાડામાંથી પીલુના વૃક્ષોનું નિકંદન કાઢી નાખતાં ન રહી `જાર' કે ન રહ્યાં પીરું. પીલુ હવે નામશેષ રહ્યો ! `પીરું ત પાવર જા' આ ઉક્તિને યથાર્થ સાબિત કરતાં પાવરપટ્ટીના પીલુ વર્તમાન સમયમાં જ નહીં રાજાશાહી શાસન દરમ્યાન કોરી, પાંચિયા, ઢીંગલા કે ત્રાંભિયાના ચલણ વખતે પણ ભારે પ્રસિદ્ધ હતાં.  કચ્છના રાજ કવિ દુલેરાય કારાણી અને સિંધ પ્રાંતના સૂફી સંત અને શાયર શા' અબ્દુલ લતીફ ભિટાઇએ પણ પાવરના પીલુના પોતાની કેટલીક જાણીતી કચ્છ-સિંધી રચનાઓમાં વખાણ કર્યા છે. આ વિસ્તારના થાન જાગીર, વંગ, ડાડોર, ભીમસર, બિબ્બર, નિરોણા, ઝુરા, લોરિયા તેમજ સુમરાસર-શેખના ગામોનો સીમાડો વૈશાખ માસમાં પીલુના પાકથી લચી પડેલો નજરે ચડતો. સીમાડામાં જાર (પીલુનું વૃક્ષ) જાણે લાલ, પીળી, સફેદ કે કાળી ચૂંદડી ધારણ કરી હોય તેવી ભાસતી. એક સમય એવો પણ હતો કે, ગામડાંના નાના-મોટા સૌ કોઇ ગળામાં કળશિયા કે લોટાને દોરડા વડે લટકાવી સૂંડલા કે ગમેલાં સાથે સીમાડે ઉપડતાં વગડાની જારે-જારે માણસ નજરે ચડતાં અને પલવારમાં ચાર-ચાર કળશિયા પીલુના એકત્ર કરી ઘરની વાટ પકડતાં. ત્યાં જ બપોરનો સમય થાય લોકો રોટલાં ભૂલતાં. થાળીમાં પીલુ ભરીને હોંશે હોંશે ખાતા. ઉપર થોડું પાણી પીવાય એટલે હાશ...! કેટલાંક તો વળી સૂંડલા ભરી શહેરીજનોને પણ પીલુના સ્વાદ ચખાડતાં. પરંતુ અફસોસ એ બાબતનો છે કે, સમયને સથવારે પીલુની જાર નાબૂદ થતા નવી પેઢી કચ્છી કુદરતી મેવા સમાન પીલુને વીણવા તો ઠીક, ચાખવા પણ નહીં મળે. દરમ્યાન છેલ્લા બે-અઢી દાયકાથી  પંથકમાં  જમીનોના ભાવ ઉંચકાયા પછી સરકારી,  પડતર કે ગૌચરની હજારો એકર જમીન પર દબાણકારોએ કબજો જમાવી દીધો છે. મોટાભાગની જમીનોમાં અનેક દેશી તળપદી વનસ્પતિઓનો સોથ વાળી દેવામાં આવ્યો છે. પંથકમાં ઘણાં સમયથી ચાલતાં કોલસાના કાળા કારોબાર અને પવનચક્કીઓના પગપેસારાથી મીઠી `જાર'ના અનેક બાંધા (જારના વૃક્ષના ઝૂંડ)નો સફાયો કરી દેવાતાં જૂના જમાનાના આ વૃક્ષો હાલ હતાં ન હતાં બની ચૂક્યાં છે. વૈશાખ માસના પ્રખર તાપ અને આગ ઓકતી લૂ વચ્ચે પંથકના સીમાડાની પ્રકૃતિ ભારે કોપાયમાન રૂપ ધારણ કર્યું છે. પીલુની ભરપૂર મોસમ વચ્ચે કેટલાક પ્રકૃતિ અને પીલુ પ્રેમીઓ વહેલી સવારે પીલુ ચાખવા વગડાની વાટે ચડે પણ છે, પરંતુ જારના વૃક્ષો સહિત અન્ય વૃક્ષોના અભાવે વગડો વેરાન ભાસતા પીલુનો એક કણ પણ હાથ ન લાગતાં લોકો હતાશા સાથે પરત ફરે છે. પીલુની મોસમમાં...!- પાવરના પીલુ તો પ્રકૃત્તિની અણમોલ દેન : વર્ષોથી પાવરપટ્ટીના જાણીતા પીલુ કચ્છ બહાર પણ પહોંચતાં. પંથકના લોકો પીલુને પ્રકૃતિની અણમોલ ભેટ સમજતાં. વિસ્તારના પીલુ આયુર્વેદિક અને શક્તિવર્ધક ઔષધ ગણાતા. માનવી ઉપરાંત પશુ-પંખીઓ માટે પૌષ્ટિક આહાર તરીકે પણ પીલુ ભારે જાણીતા હતા. એટલું જ નહીં પ્રકૃત્તિ અને કુદરત ઉપર અપાર શ્રદ્ધા, અડગ-વિશ્વાસધારી અહીંનો કચ્છી માડૂ પીલુના પાક ઉપરથી વરસાદનો વરતારો પણ જોતો હતો.  

Panchang

dd