• સોમવાર, 25 મે, 2026

એક વર્ષમાં પેટ્રોલ-ડીઝલ પાછળ 1.53 કરોડ ફૂંકાયા

ગાંધીધામ, તા. 24 : વાહન વિભાગ તત્કાલીન સમયની ગાંધીધામ નગરપાલિકાથી લઈને હાલને મહાનગરપાલિકા સુધીના કાર્યકાળ દરમિયાન સતત ચર્ચામાં રહ્યો છે. ખાસ કરીને પેટ્રોલ-ડીઝલ અને વાહન રિપેરિંગના મામલામાં વ્યાપક ખર્ચ પછી પણ હેતુ સાર્થક થતો નથી. ઊલટાનું ખાનગી વાહનોમાં પેટ્રોલ-ડીઝલ ભરવામાં આવતું હોવાના આક્ષેપો જાણકારો દ્વારા કરવામાં આવી રહ્યા છે. એક વર્ષ દરમિયાન મહાનગરપાલિકાના વાહન વિભાગ દ્વારા પેટ્રોલ-ડીઝલ અને ઓઇલ પાછળ 1,53,36,684 રૂપિયા ફૂંકવામાં આવ્યા છે.  એક એપ્રિલ-2025થી લઈને 31 માર્ચ-2026 દરમિયાન એક વર્ષમાં વાહન વિભાગ પાછળ કુલ 3,14,51,825 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, તેમાં હંગામી મહેકમ પાછળ રૂ,79,99,848 તથા આઉટસોર્સિંગથી કામદારો રાખવા પાછળ રૂ,11,70,584નો ખર્ચ કરવામાં આવ્યો છે. જેટલા વાહનો નથી તેના કરતાં તો આ વિભાગમાં સ્ટાફ વધુ છે. મોટાભાગની કામગીરી કોન્ટ્રાક્ટ પદ્ધતિથી થાય છે, સફાઈ રોડ રસ્તા સહિતની કામગીરીના કોન્ટ્રાક્ટ અપાયેલા છે, છતાં આ વિભાગનો મહેકમ ખર્ચ વધુ આવી રહ્યો છે. ખરેખર સ્ટાફ બાબતે તપાસ થવી જરૂરી છે. વાહનોના વીમા પ્રીમિયમ પાછળ રૂા. 8,75,317નો ખર્ચ કરાયો છે.  સૌથી વધુ પેટ્રોલ-ડીઝલ અને ઓઇલ પાછળ 1,53,36,684 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. અહીં શહેરની કામગીરીમાં જેટલા વાહનો ઉપયોગમાં લેવાતાં નથી તેના કરતાં પેટ્રોલ-ડીઝલનો ખર્ચ વધુ આવતો હોવાના ગંભીર આક્ષેપો પ્રબુદ્ધ નાગરિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. ખાનગી વાહનોમાં પણ ઇંધણ ભરાતું હોવાના આક્ષેપો જાણકારો દ્વારા થઈ રહ્યા છે. વાહન વિભાગના વડા કાયમી કર્મચારી હોવા જોઈએ તેના બદલે હંગામી કર્મચારીને જવાબદારી સોંપવામાં આવી છે. ખર્ચ બાબતે અનેક સવાલો ઊભા થયા છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા વાહન વિભાગનો ખર્ચ અને વાહનોની સ્થિતિ અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેવી માંગ પણ ઊઠી છે. - ઇંધણનો વપરાશ ઘટાડીને એક જ વાહનમાં જવા કર્મચારીઓને સૂચના : મહાનગરપાલિકાના વાહનોનો પેટ્રોલ-ડીઝલનો ખર્ચ વ્યાપક છે તે તપાસનો પણ વિષય છે, પરંતુ હાલના સમયમાં યુદ્ધની સ્થિતિ અને પ્રધાનમંત્રીની અપીલ પછી મહાનગરપાલિકાના વહીવટી તંત્રે તમામ વિભાગ વડાઓ અને કર્મચારીઓને તાજેતરની સ્થિતિને ધ્યાને લઈને પેટ્રોલ-ડીઝલના વપરાશમાં ઘટાડો કરવાનો હોઈ કર્મચારીઓને ફિલ્ડમાં જવા માટે અલગ-અલગ વાહનોના બદલે એક જ વાહનમાં જવા સૂચના આપવામાં આવી છે. નાયબ મ્યુનિસિપલ કમિશનરના આદેશનું કેટલું અમલીકરણ થાય છે તે હવે જોવાનું રહ્યું છે. - વાહન રિપેરિંગ પાછળ 53.57 લાખ, 7.11 લાખ ભાડું ચૂકવાયું : મહાનગરપાલિકાના વાહન વિભાગ દ્વારા એક વર્ષ દરમિયાન વાહન રિપેરિંગ પાછળ 53,57,732 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, તો આઉટસોર્સિંગથી વાહનો ભાડે રાખીને  7,11,660 રૂપિયા ભાડું ચૂકવાયું છે. વાહન રિપેરિંગ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, છતાં વાહનોની સ્થિતિ સારી નથી. ઘણા વાહનો ભંગાર હાલતમાં છે. વાહનો હોવા છતાં ભાડાના વાહનો રાખીને લાખો રૂપિયાનું ભાડું પણ ચૂકવાઇ રહ્યું છે. ખર્ચ બાબતે સમીક્ષા કરવામાં આવે તેવી માંગ ઊઠી છે. 

Panchang

dd