અંબર અંજારિયા દ્વારા : ભુજ, તા. 24 : દર વર્ષે કરોડો રૂપિયાની
કમાલ કેસર કેરી વિદેશોની બજારમાં મોકલીને કચ્છ અર્થતંત્રને સારું એવું વિદેશી હૂંડિયામણ
કમાઈ આપે છે. યુએઈ, દુબઈથી માંડીને લંડન સુધીની મોટી બજારોમાં રણપ્રદેશનાં બાગાયતી
ફળોની બોલબાલા છે. આ વર્ષે પણ કચ્છી કિસાનોએ તો કમર કસવા માંડી છે, પરંતુ મધ્યપૂર્વનાં
યુદ્ધથી સર્જાયેલાં ઊર્જા સંકટ વચ્ચે હવાઈદરો ભારે ઊંચા જતાં આમ્રફળની નિકાસને ભૂંડાં
યુદ્ધની નજર લાગી ગઈ છે....બાર મહિના સુધી `મોસમની મીઠી કમાણી' કરી લેવાની રાહ જોઈ બેઠેલા ખેડૂતો માટે દાઝયા
પર ડામ જેવી વિકટ સ્થિતિ સર્જાઈ છે. એક તો આ વખતે કેસર કેરીનો ફાલ પ્રમાણમાં ઓછો આવવાની
ભીતિ છે, બીજી તરફ વિદેશી બજારોમાં પહોંચવું પરવડે નહીં તેવાં એર કાર્ગોનાં ભાડાંના
વધારાએ નિકાસ કરીને વિદેશી બજારમાંથી પાંચ-પચ્ચીસનો નફો વધુ રળી લેવાનાં સ્વપ્નો પર
થોડુંક પાણી ઢોળી નાખ્યું છે. ડીઝલની કિંમતમાં વધારો થયો હોવાના બહાના હેઠળ ખેતપેદાશોનાં
પરિવહનમાં ડીઝલની કિંમતમાં થયો છે, તેના કરતાં અનેક ગણો વધારો આવેલ છે, જેનાં કારણે
અમદાવાદ સુધીનો પંથ પણ કપરો બન્યો છે. - એર કાર્ગોનાં ભાડાંમાં કરાયો બમણો `યુદ્ધપ્રેરિત' વધારો : વીતેલાં વર્ષની તુલનાએ આ વખતે વેચનાર
ખેડૂત અને ખરીદનાર વિદેશી બજારોને પરવડે નહીં એ હદનો ભાવવધારો એર કાર્ગોનાં ભાડાંમાં
કરાયો છે તેવું આમ્રફળની નિકાસ કરતા કચ્છના કિસાન અગ્રણીઓ કહી રહ્યા છે. ગુજરાત એગ્રોના
ડાયરેકટર રહી ચૂકેલા અને કચ્છના ખેડૂતોને વિદેશી બજારનો પંથ બતાવનાર પીઢ કિસાન અગ્રી
બટુકસિંહ જાડેજા કહે છે કે, અમદાવાદથી મસ્કત કેસર મોકલવી હોય તો ગત વર્ષે એક કિલોના
140 રૂપિયા ભાવ હતો. આજની તારીખે
હવાઈ માર્ગે કેરી મોકલવા માટે કચ્છના ખેડૂતોને એક કિલો વજન પર 250થી 270 રૂપિયા જેટલો ખર્ચ કરવો પડે
તેવી સ્થિતિ છે. કેરી સાચવવી, બોક્સનો ખર્ચ, પેકિંગ, ગ્રેડિંગ સહિત અનિવાર્ય પ્રક્રિયાઓ
કરવાના વ્યાયામમાં થતો ખર્ચ અને તેના પર એર કાર્ગોનાં ભાડાંમાં બમણાથી વધુ વધારો...
આવી વિકટતા વચ્ચે કેસર કેરીની કિંમત કહો, કેટલી નક્કી કરવી!... કચ્છથી પહેલાં તો અમદાવાદ
સુધીનો પંથ કાપવાની કવાયત જ આ વખતે અઘરી થઈ પડી છે. ડીઝલની અછત વચ્ચે ભાવવધારો થતાં
પરિવહન મોંઘું બન્યું છે. રસ્તામાં ડીઝલ મેળવવાની મથામણ માથાંના દુ:ખાવારૂપી બની છે. લોડિંગ કરવા ક્યાં,
ક્યારે અને કેમ પહોંચે એ ખેડૂતો
માટે કૂટપ્રશ્ન બની રહ્યો છે. - અખાતી દેશોથી
ઓર્ડર્સ આવી ગયા છે, પણ કરવું શું ? : વર્ષોથી કેસર કેરીની વિદેશોની બજારમાં કોઈ પણ `વચેટિયા' વર્ગ પર મદાર રાખ્યા વિના જાતે
જ નિકાસ કરતાં `અપીડા' પ્રમાણિત બહુટકસિંહ જાડેજા કહે
છે કે, મસ્કત, દુબઈ, કેનેડા, ન્યૂઝીલેન્ડથી કેસર કેરી માટે ઓર્ડર આવી ગયા છે, પરંતુ
ડીઝલ સંકટ વચ્ચે મોંઘા માર્ગે પરિવહન તેમજ એર કાર્ગોના તોતિંગ ભાડાં વધારા બાદ કેરીની
કિંમત કેટલી નક્કી કરવી એ જ સમજાતું નથી. - કચ્છ શું, ગુજરાતમાંથીયે સીધી એર કાર્ગો સુવિધા નથી : કચ્છને
ઘરઆંગણે એર કાર્ગોની સુવિધા આપવાની વાત તો દીવો બળે એટલે જેવી જ દૂર દેખાય છે, પરંતુ
અમદાવાથી પણ ખાસ કૃષિ પેદાશો માટે સ્પેશિયલ એર કાર્ગોની સુવિધા નથી મળતી, તેવું જાણવા
મળ્યું છે. અમદાવાદથી પણ વિદેશી બજારો સુધી પેસેન્જર પ્લેનમાં જ કેસર કેરી જાય છે.
મુંબઈમાં ખેતપેદાશો માટે ખાસ એર કાર્ગોની સુવિધા છે, પરંતુ એ તો કચ્છના ખેડૂતોને ઘણી
મોંઘી પડી જાય. - નિકાસ નહીં
થાય તો કચ્છના લોકોને સસ્તી કેસર મળી શકે : આશાપુરા ફાર્મના સૂત્રધાર અને પ્રયોગશીલ કિસાન અગ્રણી હરેશ મોરારજી
ઠક્કર કહે છે કે, આ વખતે કેસર કેરીનો વિદેશી બજારો સુધી પહોંચાડવાનો પંથ `અગ્નિપથ' જેવો કપરો બન્યો છે. આમ જો પ્રતિકૂળ
બનેલા સંજોગોની અસર હેઠળ `એક્સપોર્ટ
ક્વોલિટી'ની શ્રેણીની કેસર કેરીની નિકાસ કરવાની `મોંઘી માથાકૂટ'માં કચ્છના કિસાનો નહીં પડે તો ઘરઆંગણેની બજારમાં
સસ્તી તેમજ સારી કેસર કેરીનો ફાલ ઊતરી પડશે. પરિણામે આ વખતે કચ્છની જનતાને પરવડે તેવા
(કદાચ થોડાક ઊંચા) ભાવે વિદેશીઓને માટે છે તેવી ગુણવત્તાવાળી કેસરનો સ્વાદ આ વખતે તો
ચાખવા મળે તો નવાઈ નહીં. - નિકાસકારોની
ગરજ વિના ખેડૂતો જાતે નિકાસ કરે : નિકાસકાર સમુદાય અત્યારે વલસાડમાં છે,
પછી સૌરાષ્ટ્રના વાડી-ખેતર ખૂંદશે અને એકાદ અઠવાડિયા પછી કચ્છના બગીચાઓમાં ઊતરી પડશે.
આ નિકાસકારો પોતાની કમાણીનો (વધુ પડતો) ગાળો રાખીને બેઠાં બેઠાં મલાઈ મેળવી લેવાનું
ગણિત માંડતા હોય છે, જેના પગલે કચ્છના કિસાનોનું ગણિત ખોરવાઈ જાય છે. ખેડૂતો પ0-100ના જૂથ બનાવીને જાતે જ નિકાસ
કરવાની કવાયત કરી શકે તો મોસમની કમાણી પાંચ પૈસા વધુ મળી શકે. હવાઈ ભાડાંનો વધેલો ખર્ચ
અને નિકાસકારોના વધતા ગાળા વિદેશની બજારમાંથી મળતો નફો ખેંચી જાય છે... પછી ખેડૂતોના
હાથમાં શું વધે ...? એ જોતાં આ વખત તો ઘરની બજાર જ સારી રહે તેમ છે. - `અપીડા'નાં પ્રમાણપત્રની પ્રક્રિયા
ભારે મુશ્કેલ છે : `એગ્રીકલ્ચર
એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટસ એકસપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી' એટલે કે `અપીડા'નું નિકાસ માટેની માસ્ટર કી કહી
શકો, તેવું સર્ટિફિકેટ મેળવવાની કવાયત કપરી છે. લાંબી, થકવી દેનારી આ પ્રક્રિયા સાથે
તેની ગાઈડલાઈન પણ ઘણી આંટીઘૂંટીવાળી છે. ચેમ્બર,
પ્રિ-કૂલિંગ, રાઈપનિંગ, કોલ્ડ સ્ટોરેજ સહિત તમામ સુવિધાઓની શરતો પૂરી કર્યા પછી પણ
સરળતાથી પ્રમાણપત્ર નથી મળતું. આ વખતે લોકોને ઘરઆંગણે સારી, સસ્તી કેસર કેરી ખાવા મળશે
તેવી આશા બંધાઈ છે, પરંતુ આમ્રફળના ભાવ છેલ્લા 10 વર્ષમાં ધાર્યા પ્રમાણમાં વધ્યા ન હોવાથી ખેડૂતોને આ વર્ષે ફટકો
પડી શકે છે. - કચ્છના ખેડૂતોને એર કાર્ગો
મળે તો કામ મજાનું થાય : કચ્છમાંથી
જ સીધી ખેતપેદાશો માટે એર કાર્ગો સુવિધા આપવાની વર્ષો જૂની માંગ હજુ પણ કમનસીબે વણઉકેલ
છે, નહિતર કચ્છની બળૂકી બાગાયત કરોડોનું વિદેશી હૂંડિયામણ કમાઈ આપવાની તાકાત ઘરાવે
છે. કમસેકમ અત્યારે ભુજથી અમદાવાદ ફલાઈટ જાય છે ત્યારે ભુજમાં જ કસ્ટમ ક્લીયરન્સ આપીને
કેરી તેમાં મોકલાય તો પણ ખેડૂતોને સરળતા થઈ પડે. વધુમાં એરલાઈન કંપનીઓ એક મહિના પૂરતો
પણ સહયોગ આપે તો કેસર કેરી વિદેશી બજારોમાં પહોંચાડવાનો પંથ સરળ બને... અત્યારે તો
કચ્છના ખેડૂતો એકીઅવાજે પ્રાર્થના કરે છે : આ યુદ્ધ થમે તો સારું... - વિદેશી
બજારોમાં કચ્છી ફળો પહોંચાડવાની જરૂરી શરતો : ભુજથી સીધી
એર કાર્ગો સુવિધા મળે. - નિકાસ ઈચ્છતા
કિસાનોનું સંગઠન બને. - `અપીડા'
પ્રમાણપત્ર પ્રક્રિયા સરળ બને. - એરલાઈન
કંપનીઓ સહયોગ આપે. - સ્થાનિકે
જ કૃષિ પેદાશોને કસ્ટમ ક્લીયરન્સ