ભુજ, તા. 24 : સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની
પ્રક્રિયા સંપન્ન થયાના 27 દિવસ બાદ
કચ્છ જિ. પંચાયતના સુકાનીઓ કોણ બનશે તેની અટકળોનો અંત આવ્યો છે. ગ્રામીણ વિસ્તાર માટે
મિની સંસદ સમાન કચ્છ જિ. પંચાયતના 23મા પ્રમુખપદે ભીમાસર (ચકાસર) બેઠક પરથી ચૂંટાયેલા પ્રભાબેન મેરામણભાઈ
હુણની પસદંગી કરવામાં આવી છે. કચ્છ કમલમ્ ખાતે યોજાયેલ બેઠકમાં પ્રદેશકક્ષાએથી આવેલા
મેન્ડેટના આધારે પ્રમુખ સહિતના હોદ્દેદારોનાં નામ જાહેર કરાયાં બાદ ફોર્મ ભરવાની પ્રક્રિયા
હાથ ધરવામાં આવી હતી. સોમવારે મળનારી જિ.પંચાયતની પ્રથમ સામાન્ય સભામાં નવા હોદ્દેદારો
સત્તાવાર રીતે પોતાનો કાર્યભાર સંભાળશે. ઉપપ્રમુખ, કા. ચેરમેન, શાસકપક્ષ નેતા અને દંડકનાં
નામો પણ જાહેર કરી દેવાયાં છે. કચ્છ જિ. પંચાયતનું પ્રમુખપદ અનુસૂચિત આદિજાતિ મહિલા
માટે રોટેશનમાં ફાળવાયું હતુ. રોટેશન મુજબ આ બેઠક કચ્છમાં એકમાત્ર ભીમાસર (ચ.)ને ફાળવાવમાં
આવી હતી. ધારણા અનુસાર ભીમાસર (ચ.) બેઠક પરથી ચૂંટાયેલા માંડવી તાલુકાના દેવપર (ગઢ)ના
પ્રભાબેન મેરામણ હુણના નામની જાહેરાત ભાજપના સંગઠન દ્વારા કરવામાં આવી હતી. પ્રભાબેન
હુણ છેલ્લા એકાદ વર્ષથી ભાજપના સક્રિય સભ્ય તરીકે જોડાયા હતા અને ખૂબ ટૂંકા ગાળામાં
તેમને આ મહત્ત્વની જવાબદારી સોંપાઈ છે. અત્યાર સુધી જિ. પંચાયતને 22 પ્રમુખ મળી ચૂક્યા છે. તો
પ્રભાબેન હુણ જિ. પંચાયતના 23મા અને
પાંચમાં મહિલા પ્રમુખ બનવા જઈ રહ્યા છે. જિ. પંચાયતના અત્યાર સુધીના કાર્યકાળમાં ચાર
વખત વહીવટદારનું શાસન આવ્યું છે, તો બે વાર કાર્યકારી પ્રમુખે પણ થોડા સમય માટે કાર્યભાર સંભાળ્યો છે. જિ. પંચાયતના
ઉપપ્રમુખ પદે નલિયા બેઠક પરથી ચૂંટાયેલા મહાવીરસિંહ
જાડેજા, કારોબારી ચેરમેન તરીકે સુખપર બેઠક પરથી ચૂંટાયેલા હરીશ નાનજી ભંડેરી, શાસકપક્ષના
નેતા તરીકે કુકમા બેઠક પરથી ચૂંટાયેલા ધનજી ખીમા ચાવડા, તો દંડક તરીકે ગઢશીશા બેઠક
પરથી ચૂંટાયેલા મેઘબાઈ જીવરાજ ગઢવીનાં નામની જાહેરાત કરવામાં આવી હતી. સોમવારે કલેક્ટરની
અધ્યક્ષતામાં મળનારી બેઠકમાં જિ. પંચાયતના નવા સુકાનીઓની સત્તાવાર વરણી કરવામાં આવશે
અને નવા હોદ્દેદારો વિધિવત રીતે પોતાનો કાર્યભાર સંભાળશે.