નવી
દિલ્હી,
તા. 25 (વિશેષ પ્રતિનિધિ તરફથી) : ઇન્દિરા ગાંધી તો
મધરાતે પ્રધાનમંડળમાં ફેરફાર કરવા માટે જાણીતાં હતાં. દર વખતે સંસદનું સત્ર સમાપ્ત
થાય એટલે રાજકીય વર્તુળોમાં અટકળો અને અફવાઓ શરૂ થઈ જાય. હવે નરેન્દ્ર મોદી આવું
કરતા નથી અને મોરારજીભાઈએ પણ કહ્યું હતું કે, અમારી સરકાર
ધોળે દિવસે જ કામ કરે છે. પણ હવે મોદી સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવવધારા મધરાતે જાહેર
કરે છે ! પાંચ વખત વધારા જાહેર થયા અને આ વધારા પણ હપ્તાવાર જાહેર થયા છે ! આમ શા
માટે ? મોદી સરકાર એકસાથે વધારો જાહેર કરવામાં શા માટે ખચકાય
છે ? આખરે લોકો ઉપર બોજ પડે છે - હપ્તાવાર હોય કે એકસાથે. પણ
આમ કરવાથી લોકોનો રોષ વધે છે ! લોકો જાણે છે કે, હોર્મુઝ
ખાડીની નાકાબંધીના કારણે ક્રૂડતેલના ભાવ
વધ્યા છે અને તેની ખરીદીમાં મોટી ખાધ-ખોટ જાય છે. તેલ જુઓ, તેલની ધાર નહીં, ભાવ જુઓ, દાયકાઓથી
આ સિલસિલો ચાલે છે. આ દરમિયાન વર્ષ-2002માં એનડીએ સરકાર હતી અને
પેટ્રોલિયમ પ્રધાન શ્રીરામ નાઈક હતા ત્યારે પેટ્રોલ અને ડીઝલનો ભાવ નિયંત્રણ -
મુક્ત કરવામાં આવ્યા હતા. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ વિશ્વબજારમાં વધતા ભાવ ખમી લેતી
હતી અને વધઘટના આંકડાની અસર લોકો ઉપર પડે નહીં તેની ચિંતા હતી. ભાવ નિયંત્રણ
મુક્તિનો આશય જ લોકો ઉપર બોધ વધે નહીં તે હતો. ભારતમાં પેટ્રોલ-ડીઝલની માગ વધતી
જાય અને આયાત વધારવી પડે. આમ છતાં ઓઇલ કંપનીઓને `છૂટ' નથી અને સરકારી સપોર્ટ પણ નથી. ત્રિશંકુ જેવી હાલત છે ! તાજેતરમાં પાંચ
વિધાનસભાની ચૂંટણી હોવાથી સરકારે ભાવવધારો રોકી રાખ્યો, મુલતવી
રાખ્યો અને હવે હપ્તાવાર વધારો કરે છે, જેથી લોકોને આંચકો
લાગે નહીં ? રાજકારણ જુઓ - ભાવવધારાથી આપણે સૌ નાખુશ - નારાજ
છીએ, પણ વિપક્ષી નેતા `રાજીના રેડ' છે ! હવે ખાડી ખૂલે અને ભાવ ઘટે ત્યારે સરકાર પણ વધારા પાછા ખેંચે તો રાહત
મળે. અલબત્ત, આવી `રાહત'નો પણ વિરોધ થશે.