• ગુરુવાર, 13 નવેમ્બર, 2025

ગાંધીધામ પાલિકાના પૂર્વ મહિલા કાઉન્સિલર સામે પોલીસ ફરિયાદ

ગાંધીધામ, તા. 12 : શહેરની નગરપાલિકાના પૂર્વ મહિલા કાઉન્સિલરે જમીન અંગેના ખોટા સાટાકરાર બનાવી ખોટી રીતે પાછળથી ઊભા કરી રાજ્યની વડી અદાલતમાં રજૂ કરતા બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. શહેરના સેક્ટર-6 ગણેશનગરમાં રહેતા નાગશી હમીર ચુણા (મહેશ્વરી)એ પૂર્વ કાઉન્સિલર ચંદ્રિકાબેન કિશોર દાફડા સામે એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વર્ષ 2015માં ગાંધીધામ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ-11માં ચંદ્રિકાબેને ઉમેદવારી પત્ર ભર્યું હતું, જેમાં મિલકતની સંપૂર્ણ વિગત દર્શાવેલી ન હોવાનું ફરિયાદીના કાકા વેલજી નામોરી મહેશ્વરીના ધ્યાને આવ્યું હતું.  તેમણે ચૂંટણી અધિકારી સમક્ષ આર.ટી.આઇ. મુજબ વિગતો મેળવી હતી, જેમાં આ મહિલાએ ભચાઉ તાલુકાના છાડવારામાં આવેલી જમીનની વિગતો દર્શાવી ન હતી. જે-તે વખતે આ અંગે ચૂંટણી અધિકારી સમક્ષ રજૂઆત કરાતાં તેમણે કોર્ટમાં દાદ મેળવવા અરજ કરી હતી, જેથી વેલજીભાઇએ અહીંની અધિક જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં કેસ કર્યો હતો. દરમ્યાન, પૂર્વ કાઉન્સિલરે રાજ્યની વડી અદાલતમાં એપ્લીકેશન કરી હતી, જેમાં હાઇકોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવ્યો હતો. તા. 22/8/2025ના સુનાવણી થતાં અરજી ડિસમીસ કરી સ્ટે હટાવી લેવામાં આવ્યો હતો. મહિલાએ હાઇકોર્ટમાં અરજી સાથે આ જમીન તા. 29/2/2012માં નોટરી સપના દાદલાણીની રૂબરૂમાં સાટાકરાર કરી લક્ષ્મીબેન વાછિયા મહેશ્વરીને વેચી દીધી હોવાના સાટાકરાર રજૂ કર્યા હતા.  ફરિયાદીએ તપાસ કરતાં નોટરી અંગેના રજિસ્ટરના સહીવાળા કોલમમાં ચાર સહી હતી, જેમાં સુભાષ દેવશી ઉકાણી, રસીલા માવજી કાનાણીની પણ સહી હતી, પરંતુ સુભાષ અને રસીલાબેને લગ્ન બાદ પતિ-પત્ની તરીકે સાથે રહેતા હોવાનું સોગંદનામું કર્યું હતું. આ સોગંદનામા તથા પૂર્વ કાઉન્સિલરના સાટાકરારના સિરિયલ નંબર એકસરખા જણાયા હતા તેમજ તા. 20/6/2022ના આ જમીન રાજદીપસિંહ ઘનશ્યામસિંહ જાડેજાને વેચી દીધી હતી, જેના દસ્તાવેજમાં પોતે ક્યારેય આ જમીન લક્ષ્મીબેનને સાટાકરારથી વેચી હોવાનો ઉલ્લેખ ક્યાંય જણાયો ન હતો.  હાઇકોર્ટમાં ખોટા સાટાકરાર રજૂ કરનાર આ પૂર્વ કાઉન્સિલર સામે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

Panchang

dd