ભુજ / ગાંધીધામ, તા. 12 : કચ્છમાં અપમૃત્યુના જુદા-જુદા બનાવોમાં છ જીવન પૂર્ણ થયા હતા. ગઇકાલે મુંદરાના ભરુડિયા વાડીવિસ્તારમાં હાઇડ્રોલિક ટ્રોલીના રિપેરિંગ દરમ્યાન ટ્રોલી નીચે પડતાં તેના તળે 22 વર્ષીય કરણ કનુ ગોહિલ દબાઇ જતાં તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ભુજના રૂદ્રાણી જાગીરની હોસ્ટેલમાં રહેતા અબડાસાના બાલાચોડના 15 વર્ષીય કિશોર એવા અનુ. જાતિના કૃણાલ રમેશભાઇ ગઇકાલે પાણીની કેનાલમાં નાહવા ગયા હતા અને ડૂબી જતા મૃત્યુ પામ્યા હતા. બેનનાં અવસાનના પગલે મનમાં લાગી આવતાં ભાઇ એવા સંજય બાબુભાઇ નાયક (ઉ.વ. 21)એ બનેવીના ઘરે દેશલપરમાં ગળેફાંસો ખાઇ પોતાનો જીવ દીધો હતો, જ્યારે ભચાઉ તાલુકાના વોંધમાં રોશની રમેશ કોળી (ઉ.વ. 14) નામની કિશોરીએ ઝેરી દવા પી લઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. બીજી બાજુ આદિપુર બસ સ્ટેશનની સામેથી સુરેશ અશોક રામચંદાણી (ઉ.વ. 40) નામનો યુવાન મૃત હાલતમાં મળી આવ્યો હતો તેમજ મીઠી રોહરમાં મુન્ના ગુડ્ડુ બેપારી (ઉ.વ. 24)નું કોઈ કારણે મોત થયું હતું. મુંદરા તાલુકાના ભરુડિયા વાડી વિસ્તારમાં ગઇકાલે સાંજે ત્યાં વાડીમાં રહેતો મૂળ ગિર-સોમનાથ બાજુનો યુવાન શ્રમિક કરણ ચારાની ભરેલી ટ્રોલી ચારો ખાલી કરવા હાઇટ્રોલિક કરી આ બાદ ઊંચે ચડેલી ટ્રોલી નીચે પરત નીચે ન આવતાં તે હાઇડ્રોલિક પંપને રિપેર કરતો હતો અને આકસ્મિક રીતે અચાનક ટ્રોલી નીચે પડી જતાં કરણ આ ટ્રોલીની નીચે દબાઇ ગયો હતો. કરણનું છાતીનો ભાગ અને ગળું દબાઇ જતાં કમકમાટીભર્યું મોત થયાની વિગતો મુંદરા મરીન પોલીસ મથકે જાહેર થતાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. મૂળ બાલાચોડનો અને અભ્યાસ અર્થે છેલ્લાં બે વર્ષથી રૂદ્રાણી જાગીરની હોસ્ટેલમાં રહેતો 15 વર્ષીય કિશોર કૃણાલ ગઇકાલે સવારે 11-12 વાગ્યાના અરસામાં રૂદ્રાણી જાગીર પાસે આવેલી પાણી કેનાલ જોવા ગયો હતો, જ્યાં તે પાણીમાં નાહવા જતાં પાણીમાં ડૂબી ગયો હતો. આથી સારવાર અર્થે તેને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ અવાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. માધાપર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. બીજી તરફ ભુજના દેશલપરમાં રહેતા 21 વર્ષીય યુવાન સંજય નાયકને બેનનાં અવસાનને લઇને મનમાં લાગી આવતાં તેણે ગઇકાલે પાંચેક વાગ્યાના અરસામાં પોતાના બનેવી નટુભા રામસંગજી સોઢાના ઘરે ગળેફાંસો ખાઇ લીધો હતો. આથી સંજયની માતા અને સંબંધિતો તેને સારવાર અર્થે ભુજની જનરલ હોસ્પિટલમાં લઇ આવતાં તબીબે મૃત જાહેર કર્યાની વિગતો હોસ્પિટલની પોલીસ ચોકીમાં નોંધાવી માનકૂવા પોલીસને જાણ કરાઇ છે.વોંધના વાડી વિસ્તારમાં રહેનાર રોશની કોળી નામની કિશોરીએ ગત તા. 1/11ના સાંજના અરસામાં અંતિમ પગલું ભરી લીધું હતું. આ કિશોરીએ પોતાના ઘરે કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી, તેને પ્રથમ ભચાઉ અને બાદમાં વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવાઈ હતી જ્યાં સારવાર દરમ્યાન તેણે ગઈકાલે છેલ્લા શ્વાસ લીધા હતા. બીજો બનાવ આદિપુરમાં બન્યો હતો. અહીંના સાતવાળી સીબીએક્સ વિસ્તારમાં રહેનાર સુરેશ રામચંદાણી નામનો યુવાન બસ સ્ટેન્ડ સામે ટાયરની દુકાન પાસે આજે બપોરે મૃત હાલતમાં મળી આવ્યો હતો, તેનું મોત કેવા કારણોસર થયું હશે તે સહિતની દિશામાં તપાસના ચક્રો પોલીસે ગતિમાન કર્યાં છે. મીઠી રોહરના આદિનાથ ટિમ્બરમાં એક બનાવ બન્યો હતો. બેન્સાની શ્રમિક વસાહતમાં રહેનાર મુન્ના બેપારી નામનો યુવાન પોતાના રૂમ ઉપર સૂતો હતો. ગઈકાલે બપોરે તેને જગડવા જતાં તે ઊઠયો નહોતો તેને હોસ્પિટલ લઈ જવાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.