• સોમવાર, 20 મે, 2024

કોવિશિલ્ડનાં જોખમના સ્વીકારથી વિશ્વમાં ઉચાટ

ભારત સહિત વિશ્વના સંખ્યાબંધ દેશોમાં યુવાનો સહિતના લોકોના હૃદયરોગના હુમલામાં મોતના કિસ્સામાં ચિંતાજનક વધારામાં કોરોના વાયરસ સામેની રસી સામે શંકાની સોય તકાતી રહી હતી.  હવે શંકા સાચી ઠરી રહી છે. દુનિયાભરમાં કોવિશિલ્ડ રસીનું ઉત્પાદન કરનારી એસ્ટ્રાજેનેકા કંપનીએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે, રસીનાં કારણે અમુક જ્વલ્લે બનેલા બનાવોમાં અમુક લોકોને નુકસાન થયું છે.  સ્વાભાવિક રીતે દુનિયાભરમાં ખુલાસાએ ભારે ફફડાટ જગાવ્યો છે. એક તરફ વધી રહેલાં જોખમ અને બીજી તરફ બહુરાષ્ટ્રીય કંપનીના સ્વીકારથી સ્વાભાવિક રીતે લોકો પોતાની ઉપરનાં જોખમનો ક્યાસ કાઢવા મથી રહ્યા છે. આમ તો મોટાભાગના તબીબોનું માનવું છે કે, રસી લીધાના 40 દિવસની અંદર તેની આડઅસરો સામે આવી જતી હોય છે, પણ કોરોના સામેની રસી લગાવાયાને બે વર્ષ કરતાં વધુ સમય થઇ ગયો હોવાથી આડઅસરની ચર્ચાનું એટલું મહત્ત્વ રહેતું નથી. વળી, આડઅસરો સાબિત કરવાનું કામ આટલા સમય બાદ સરળ રહેતું નથી. આપણે પણ જોયું છે કે, ભારતમાં કોરોનાનાં સંક્રમણે અગાઉથી બીમાર હોય તેને વધુ નુકસાન કર્યું હતું. આવા લોકોને રસી આપતા સમયે સાવચેત રહેવા પણ કહેવાયું હતું. તે પછી ઉંમર અને વર્ગના પ્રમાણે રસી અપાઇ હતી. રસી આપતા સમયે અને તેના થોડા સમય સુધી દેખરેખ પણ રખાઇ હતી. બધા છતાં આખી દુનિયાની જેમ ભારતમાં તેની આડઅસરની ફરિયાદો આવી રહી છે, તેનાં વૈજ્ઞાનિક અધ્યયન પર ધ્યાન અપાવાની ખાસ જરૂરત છે. આજકાલ લોકસભાની ચૂંટણીઓમાં પણ મુદ્દો ચર્ચાના ચકડોળે છે. હવે પછી જે કોઇ પણ સરકાર કેન્દ્રમાં રચાય તેણે મુદ્દા પર ગંભીરતા સાથે ધ્યાન આપીને લોકોમાં ડરના માહોલનું નિરાકરણ કરવાનું રહેશે. કોવિશિલ્ડની સામે દુનિયામાં વળતરના કેસ થવા લાગ્યા છે.  બ્રિટનમાં કંપનીને સંખ્યાબંધ કેસનો સામનો કરવો પડી રહ્યો છે.  શક્યતા એવી છે કે, ત્યાંના કાયદાને અનુરૂપ બહુરાષ્ટ્રીય કંપનીને મોટી રકમનાં વળતરની સજા પણ થઇ શકે તેમ છે. ભારતને લાગેવળગે છે ત્યાં સુધી તબીબોની સંસ્થાઓએ ભારે ગુપ્તતા હેઠળ રસીની આડઅસરોનું અધ્યયન કરીને કેસ તૈયાર કરવો જોઇએ. જો કે, ભારતમાં આવી દવાની આવી મોટી કંપનીની સામે ખુલ્લી તપાસ કરવાથી વિવાદ ઊભો થઇ શકે છે. આવી કોઇપણ પરિસ્થિતિમાં તબીબો અને નિષ્ણાતો રસીની આડઅસરો અને જોખમો અંગે સ્પષ્ટ ચિત્ર આપી શકવા સક્ષમ છે. ભારત માટે રાહતની બાબત છે કે, એસ્ટ્રાજેનેકાએ સ્વીકાર કર્યા બાદ ભારતમાં કોવેક્સિન રસી વિકસાવનારી અને તેનું ઉત્પાદન કરનારી સ્વદેશી કંપની ભારત બાયોટેકે એક નિવેદનમાં કહ્યંy છે કે, તેની રસીનું સંપૂર્ણ રીતે પરીક્ષણ કરાયું હતું. આમ, દેશમાં કોવેક્સિન રસી લેનારા વર્ગને થોડી રાહતનો અનુભવ થયો છે. ભારતમાં સૌથી વધુ રસી કોવિશિલ્ડ અને કોવેક્સિનની અપાઇ હતી. કરોડો ભારતીયોએ બન્નેમાંથી એક રસી લીધી હતી. હવે એસ્ટ્રાજેનેકાના ઘટસ્ફોટ બાદ ભારતે કંપનીની સામે બ્રિટનમાં ચાલતા અદાલતી કેસો પર બારીકાઇથી નજર રાખવાની જરૂરત રહેશે.  બ્રિટનમાં જો કંપની પોતાની ભૂલ સ્વીકારે અને વળતર આપવા તૈયાર થાય તો ભારતમાં પણ સરકારે કંપની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં પાછીપાની કરવી જોઇએ નહીં.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang