લખનઉ, તા. 19 : અભિષેક
શર્મા (59)ની ઝડપી અર્ધસદી અને હેનરિક ક્લાસેન
(47)ની જવાબદારીભરી બેટિંગના બળે સનરાઇઝર્સ હૈદરાબાદે સોમવારે
છ વિકેટે આસાન જીત મેળવી હતી. લખનઉ સુપર જાયન્ટ્સે આપેલું 206 રનનું લક્ષ્ય હૈદરાબાદે 10 દડા બાકી હતા, ત્યારે જ આંબી
લીધું હતું. આજની હાર સાથે લખનઉ પ્લેઓફમાંથી બહાર ફેંકાઇ ગઇ હતી. સનરાઇઝર્સે 17 રને પહેલી વિકેટ ખોઇ દીધા પછી જામી જતાં અભિષેકે માત્ર
20 દડામાં ચાર ચોગ્ગા અને છ ગગનચૂંબી છગ્ગા સાથે 59 રન ફટકારી દાવમાં પ્રાણ ફૂંક્યા હતા. ક્લાસેને કાંડાનું
કૌવત બતાવતાં માત્ર 25 દડામાં
ચાર ચોગ્ગા, એક છગ્ગા સાથે 47 રન
ઝૂડી દીધા હતા. ઇશાન કિશને 28 દડામાં
ત્રણ ચોગ્ગા, બે છગ્ગા સાથે 35 અને
કામિંદુ મેન્ડિસે 21 દડામાં ત્રણ ચોગ્ગા સાથે 32 રન કરી ઉપયોગી યોગદાન આપ્યું હતું. અગાઉ, મિચેલ માર્શ (6પ)
અને એડન માર્કરમ (61) વચ્ચેની પહેલી
વિકેટમાં 63 દડામાં 11પ રનની ઝડપી ભાગીદારીની મદદથી લખનઉ સુપર જાયન્ટસ ટીમે
20 ઓવરના અંતે સાત વિકેટે 20પ રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. પાવર પ્લેમાં માર્શ
અને માર્કરમે પાવર હિટિંગ કરીને 69 રન
કરી એલએસજીને આક્રમક શરૂઆત આપી હતી. બીજીતરફ એલએસજી કેપ્ટન ઋષભ પંત (7)ની નિષ્ફળતા યથાવત રહી હતી. પૂરને 4પ રન કર્યા હતા. મિચેલ માર્શે 39 દડામાં છ ચોગ્ગા અને ચાર છગ્ગાથી ધૂંઆધાર 6પ રન અને એડન માર્કરમે 38 દડામાં ચાર ચોગ્ગા, ચાર છગ્ગાથી ઝડપી
61 રન કર્યા હતા, જ્યારે આઉટ ઓફ ફોર્મ ઋષભ પંત સાત રને ઇશાન મલિંગાના અદ્ભુત કેચથી કોટ એન્ડ
બોલ આઉટ થયો હતો. ડેથ ઓવર્સમાં કેરેબિયન ફટકાબાજ નિકોલસ પૂરને 26 દડામાં છ ચોગ્ગા અને એક છગ્ગાથી 4પ રનની ઉપયોગી ઇનિંગ્સ રમી હતી. આકાશદીપે ઇનિંગ્સના
છેલ્લા દડા પર છગ્ગો ફટકારી દીધો હતો. આથી લખનઉનો સ્કોર સાત વિકેટે 20પ રન થયો હતો. આ ઓવરમાં બે રન આઉટ સહિત લખનઉ ટીમે ત્રણ
વિકેટ ગુમાવી હતી. પ્લેઓફ રેસમાંથી બહાર થઇ ચૂકેલી સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી ઇશાન મલિંગાએ
બે વિકેટ લીધી હતી. હર્ષ દુબે, હર્ષલ પટેલ અને નીતિશ રેડ્ડીને 1-1 વિકેટ મળી હતી.