ગાંધીધામ, તા. 3 : આલ્કોહોલનાં વ્યસનથી પીડિત
31 વર્ષના યુવકને ગંભીર હાલતમાં
ગાંધીધામની સ્ટર્લિંગ રામકૃષ્ણ સ્પેશિયલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં ક્રિટિકલ કેર
ટીમના તબીબોએ તાત્કાલિક સારવાર આપીને યુવાનનો જીવ બચાવ્યો હતો. દર્દીને ગંભીર ગૂંચવણ
તથા અત્યંત બેચેની તેમજ ધ્રુજારી અને આક્રમક વર્તન,
પ્રતિ મિનિટ 180થી વધુ ધબકારા અને અત્યંત ઊંચા બ્લડપ્રેશર સાથે હોસ્પિટલમાં
લાવવામાં આવ્યા હતા. ડો. રવિ રાજાણી, ડો. આદિત વીરેન્દ્ર ઝોટા, ડો. કૃણાલ નાથે આલ્કોહોલ વિથડ્રોઅલ
સિન્ડ્રોમ અને વરની કે એન્સેફેલોપ જેવી જીવલેણ બીમારીને પારખી હતી અને તુરંત સારવાર
આપી સ્થિતિ ઉપર નિયંત્રણ મેળવ્યું હતું. આવી બીમારી લાંબા સમયથી આલ્કોહોલનું સેવન કરતા
લોકોમાં જોવા મળે છે. જો સમયસર સારવાર ન મળે તો મગજને ગંભીર નુકસાન પહોંચે છે અને બહુઅંગીય
જટિલતાઓનાં કારણે મૃત્યુ પણ થાય છે. હોસ્પિટલના સીઈઓ સંતોષ મરાઠેએ જણાવ્યું હતું કે,
સ્ટર્લિંગ દર્દીકેન્દ્રિત અને ક્લિનિકલ્સ શ્રેષ્ઠતા આધારિત આરોગ્યસેવા
પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવે છે. નિષ્ણાત તબીબોની ટીમ છે, જેનાં
કારણે દર્દીઓને તાત્કાલિક સારવાર આપીને તેમનો જીવ બચાવવામાં આવે છે.