ભુજ, તા. 2પ : નખત્રાણા-પિયોણીને જોડતા અને
અબડાસા-નખત્રાણા માટે અત્યંત મહત્ત્વના રસ્તાનું રૂા. 6 કરોડના
ખર્ચે 10 વર્ષે
ડામર કામ મંજૂર તો કરાયું, પરંતુ નજરે જોનારાઓના કહેવા
પ્રમાણે પ્રથમ ચોમાસે જ આ રોડના ડૂચા નીકળી જશે તેવી પૂરી શક્યતા છે. માત્ર
અબડાસા-નખત્રાણા માટે નહીં, પરંતુ માંડવીથી નખત્રાણા જવું
હોય તો આ પિયોણીવાળા રસ્તાની પસંદગી વાહનચાલકો કરતા હતા, પરંતુ
છેલ્લાં 10 વર્ષથી 21 કિલોમીટરમાં ડામર સપાટીને
બદલે માત્ર ખાડા જ પડી ગયા હોવાથી અહીંથી પસાર થવામાં ખૂબ જ મુશ્કેલી અનુભવાતી
હતી. એક દાયકો તકલીફ સહન કર્યા પછી ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાને સતત રજૂઆતને
પગલે રિસર્ફેસિંગની મંજૂરી તો મળી, પણ જોઈએ
તેવું કામ થયું નથી. ધારાસભ્યે ગાંધીનગર ખાતે સિંગલપટ્ટી રસ્તાને ડબલ કરવા અને
રાજ્ય ધોરીમાર્ગમાં સમાવેશ કરવાની માગણી કરી હતી, પરંતુ ન
સ્વીકારાઈ અને જિલ્લા પંચાયત નખત્રાણા સબ ડિવિઝન દ્વારા રિસર્ફેસિંગની મંજૂરી મળી.
રૂા. 6 કરોડના
ખર્ચે ડામર તો પથરાયો છે, પરંતુ આસપાસના ગ્રામજનોએ ચાલુ
કામ અધવચ્ચે બંધ કરાવ્યું હતું. કેમ કે, ડામરના બદલે
ભ્રષ્ટાચાર પથરાતો હતો. અત્યારે ખાતરીઓ પછી કામ પુન: શરૂ થયું હતું. ખુદ ધારાસભ્યે
પણ ખાતમુહૂર્ત વખતે ટકોર કરી હતી કે, નબળું કામ ન થાય તે
માટે નજીકના ગ્રામજનોએ જાગૃત રહેવું પડશે. કેમ કે, જ્યાં
ડામરકામ થાય ત્યાં એરપ્રેસરથી માટીની સફાઈ કરવામાં આવી હોય છે, પરંતુ અહીં સફાઈ કરવાને બદલે સીધો ડામર પાથરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે.
ગ્રામજનોએ એટલી હદે ફરિયાદ કરી કે આખા 21 કિ.મી.ના માર્ગનું કામ
ઈન્નેટ કે સેક્શન ઓફિસર જેવા અધિકારીની ગેરહાજરીમાં ઠેકેદારોના માણસો દ્વારા `ધકલ
પચાં દોઢસો'ની જેમ પૂરું કરી લેવામાં આવ્યું છે. 10 વર્ષે
રૂા. 6 કરોડ
ખર્ચ કર્યા છે, પરંતુ પહેલાં જ ચોમાસાંમાં ડામરનાં પોપડાં
ઊખડી જવાની પૂરી ભીતિ છે. નાયબ ઈજનેર શ્રી સાણજાનો સંપર્ક સાધતાં તેમણે 6 કરોડનું
કામ થયું હોવાને સમર્થન આપ્યું ને કામ ટકાઉ છે એવી ખાતરી આપી હતી. સામે ગ્રામજનોના
કહેવા પ્રમાણે ડામરની ગુણવત્તા હલકી છે અને સફાઈ કર્યા વગર કામની ગુણવત્તા કેટલી
જળવાઈ એ જોવાનું રહ્યું છે.