મનજી બોખાણી દ્વારા : ગાંધીધામ, તા. 25 : દેશમાં સૌથી વધુ મીઠાંનું ઉત્પાદન કરતા કચ્છ જિલ્લામાં આ વર્ષે મીઠાં ઉદ્યોગમાં મિશ્ર ચિત્ર જોવા મળી રહ્યું છે. પ્રતિકૂળ હવામાન અને કુદરતી આફતોનાં કારણે ચાલુ સિઝનમાં મીઠાંનું ઉત્પાદન ધાર્યા પ્રમાણે થયું નથી, પરંતુ બજારમાં ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ભાવોમાં સુધારો જોવા મળતાં નાના ધંધાર્થીઓને થોડી રાહત થઈ છે. બીજી બાજુ અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદે મીઠાંનાં ખનનનાં કારણે નાના ધંધાર્થીઓ, ગરીબ અગરિયાઓ સામે મોટો ખતરો ઊભો થયો છે.
ઉત્પાદનમાં
ઘટાડો થતાં ભાવોમાં તેજી
કચ્છના
મીઠા ઉદ્યોગના સૂત્રોના જણાવ્યાનુસાર ગયા વર્ષે વરસાદે બાજી બગાડી હતી અને
ડિસેમ્બરમાં નીકળતો માલ છેક ફેબ્રુઆરીમાં લેવામાં આવ્યો હતો. વરસાદમાં આવેલા પલટા
અને ધૂળની ડમરીઓનાં કારણે મીઠાંના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. જેના લીધે
આ વર્ષે પણ જોઈએ તેવું ઉત્પાદન થઈ શક્યું નથી. જો કે બજારમાં મીઠાંની માંગ જળવાઈ
રહેતાં અને જથ્થો ઓછો હોવાનાં કારણે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે મીઠાંના ભાવમાં
સારો એવો સુધારો જોવા મળ્યો છે. આ આર્થિક સુધારો ઉદ્યોગ માટે હકારાત્મક સંકેત છે.
ચુડવા,
ચોપડવા, ચીરઈ, મીઠી રોહર,
કાસેઝ, કિડાણા, ભદ્રેશ્વર
વગેરે જગ્યાએ મીઠાંની ગુણવત્તા, દાણો, સફેદી
વગેરેને પગલે 950ની આસપાસ ભાવ મળે તેમ છે તથા સૂરજબારી, શિકારપુર બાજુ 900ની આસપાસ ભાવ આવે તેમ છે. જો કે ગયા વર્ષે
માત્ર 550નો
ભાવ જ મળતો હોવાનું મીઠાંના નાના ધંધાર્થીઓએ જણાવ્યું હતું.
ગેરકાયદે
ખનન : નાના અગરિયાઓની કમર ભાંગી
સૌથી
ચિંતાજનક બાબત એ છે કે, કચ્છના નાના રણ, અભયારણ્યમાં અમુક મીઠાં માફિયાઓ દ્વારા પલળેલા અને ભ્રષ્ટ એવા અમુક અધિકારીઓ, કર્મચારીઓના
સહકારથી મોટા પાયે મીઠાંના અગરો બનાવી દેવાયા છે. મીઠાંના અગરો માટે અગાઉ લોહી પણ
રેડાયું છે. સરકારી તંત્રના કર્મચારીઓ ઉપર હુમલા પણ થયા છે, છતાં
આવા બિનઅધિકૃત ધંધા બંધ કરાવવામાં કોની શરમ નડે છે તે પ્રશ્ન છે.
બજાર
પર અસર : નાના અગરિયાઓને અન્યાય
ગેરકાયદે
ખનનનાં કારણે બજારમાં બિનઅધિકૃત મીઠાંનો ભરાવો થાય છે અને કાયદેસર તથા પેઢીઓથી
પરંપરાગત રીતે મીઠું પકવતા નાના અગરિયાઓ અને નાના ધંધાર્થીઓને યોગ્ય જગ્યા, વીજળી, સાધનો મળતાં નથી. જ્યારે મીઠા માફિયા બધું
પડાવી જાય છે. પરિણામે નાના વેપારીઓની કમર ભાંગી ગઈ હોવાનો સૂત્રોએ દાવો કર્યો
હતો. આવા દબાણો સામે તંત્ર કડક પગલાં ન ભરે ત્યાં સુધી નાના ધંધાર્થીઓનો વિકાસ
શક્ય નથી. આવું મીઠું બજારના ભાવોને પણ પ્રભાવિત કરે છે.
ગયા
વર્ષે મેઘરાજાએ બાજી બગાડી હતી : હવે મેઘા ઉપર આશા
ગયા
વર્ષની સિઝન અગરિયાઓ માટે માઠી સાબિત થઈ હતી. કવખતના વરસાદ અને લંબાયેલા ચોમાસાનાં
કારણે મીઠાંના અગરો ધોવાઈ ગયા હતા અને તૈયાર થયેલો માલ કાદવ, કીચડમાં ફેરવાઈ ગયો હતો. આ વર્ષે ચોમાસું સમયસર અને સામાન્ય રહે તેમજ
કમોસમી વરસાદ ન પડે તો જ નાના ધંધાર્થીઓ આ આંખી સિઝનનું વળતર મેળવી શકશે અને તેમને
મોટી રાહત મળશે. કચ્છનો મીઠા ઉદ્યોગ કરોડો રૂપિયાનું ટર્નઓનર અને હજારો લોકોને
રોજગારી આપે છે. ભાવોનો સુધારો ચોક્કસ આનંદની વાત છે, પરંતુ
જ્યાં સુધી ગેરકાયદે કાળા કારોબાર પર રોક નહીં લાગે અને કુદરત સાથ નહીં આપે ત્યાં
સુધી આ રણના શ્વેતબિંદુઓ (અગરિયાઓ)નાં જીવનમાં મીઠાશ આવવી મુશ્કેલ છે.