• બુધવાર, 27 મે, 2026

કચ્છના વિકાસમાં કડીરૂપ બનવા નવનિયુક્ત જિલ્લા પંચાયત હોદ્દેદારોનો કોલ

ભુજ, તા. 25 : કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ થકી કચ્છના છેવાડાના માનવીના વિકાસમાં કડીરૂપ ભૂમિકા નિભાવવાનો કોલ આજે જિલ્લા પંચાયત ખાતે બોલાવાયેલી ખાસ સામાન્ય સભામાં નિમાયેલા નવનિયુક્ત પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોએ આપ્યો હતો. સોમવારે જિલ્લા કલેકટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમની ઉપસ્થિતિમાં ગ્રામીણ વિસ્તાર માટે મિની સંસદ સમાન કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખપદ માટે જિલ્લા પંચાયતના સભાખંડમાં ખાસ સામાન્ય સભા બોલાવાઈ હતી, જેમાં પ્રમુખ પદ માટે ભીમાસર (ચકાસર) બેઠક પરથી ચૂંટાયેલા પ્રભાબેન મેરામણભાઈ હુણ સિવાય અન્ય કોઈ ઉમેદવારે ફોર્મ ન ભરતાં જિલ્લા કલેકટર અનિલ રાણાવસિયાએ તેમની પ્રમુખ તરીકે  બિનહરીફ વરણીની જાહેરાત કરી હતી, તો ઉપપ્રમુખ માટે પણ નલિયા બેઠક પરથી ચૂંટાયેલા  મહાવીરસિંહ જાડેજા સિવાય કોઈ ફોર્મ રજૂ ન થતાં તેમનાં નામની પસદંગી કરવામાં આવી હતી. પ્રારંભે જિલ્લા  કલેકટરે ચૂંટાયેલા જિલ્લા પંચાયતના નવનિયુક્ત ઉમેદવારોનું સ્વાગત કરી અભિનંદન પાઠવી જિલ્લા પંચાયત દ્વારા આગામી સમયમાં કચ્છ જિલ્લાના વિકાસકામેને ઝડપભેર ગતિ મળશે અને ગ્રામ્ય લોકોની સુખાકારીમાં વધારા સાથે પ્રશ્નોના સકારાત્મક પ્રયાસો હાથ ધરાય તેવી શુભકામના વ્યક્ત કરી હતી. આ તકે ઉપપ્રમુખ પદે વરાયેલા નલિયા બેઠકના ઉમેદવાર મહાવીરસિંહ જાડેજાએ  પત્રકારોના જવાબો આપતાં જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કચ્છનો વિકાસ થઈ રહ્યો છે, તેમાં જિલ્લા પંચાયતના નવનિયુક્ત હોદ્દેદારો કડીરૂપ બની આ વિકાસકામો પૂર્ણ કરાવશું અને જે કોઈ પ્રશ્નો હશે તે પૂર્ણ કરવાની ખાતરી ઉચ્ચારી હતી. અગાઉ કચ્છ કમલમ્ ખાતે યોજાયેલ બેઠકમાં પ્રદેશ કક્ષાએથી આવેલા મેન્ડેટના આધારે પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન સહિતનાં નામોની જાહેરાત કરાઈ હતી તે મુજબ આજે કારોબારી ચેરમેન તરીકે સુખપર બેઠક પરથી ચૂંટાયેલા હરીશ નાનજી ભંડેરી, શાસકપક્ષના નેતા તરીકે કુકમા બેઠક પરથી ચૂંટાયેલા ધનજી ખીમા ચાવડા અને દંડક તરીકે ગઢશીશા બેઠક પરથી ચૂંટાયેલા મેઘબાઈ જીવરાજ ગઢવી સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. આજની બેઠકમાં સત્તાપક્ષ ભાજપના ચૂંટાયેલા નવનિયુક્ત 34 સભ્યમાંથી 30 હાજર રહ્યા હતા, જ્યારે વિપક્ષ કોંગ્રેસના ચારેય સભ્ય ઉપસ્થિત રહ્યા હતા, જો કે, સત્તાપક્ષના ચાર પૈકી એકે રજાચિઠ્ઠી મોકલી હતી, તો બાકીના ત્રણ સભ્ય પ્રથમ બેઠકમાં જ ગેરહાજર રહેતાં તર્કવિતર્ક સર્જાયા હતા. નવનિયુક્ત હોદ્દેદારોની વરણીને લઈને જિલ્લા પંચાયત કચેરીમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો, અને પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારોની નિમણૂકને ઢોલ-નગારા તેમજ પલાંસવાની રાસમંડળીના સભ્યો  દ્વારા રાસની રમઝટ અને ફટાકડા ફોડી વધાવાયા હતા. નવનિયુક્ત હોદ્દેદારોને આવકારવા અને શુભેચ્છાઓ આપવા કચ્છ ભાજપના પ્રભારી ફલજીભાઈ ચૌધરી, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્યો રમેશ મહેશ્વરી, પંકજ મહેતા, મહામંત્રીઓ ધવલ આચાર્ય, હિતેશ ખંડોર, ભીમજી જોધાણી, બાબુ ભીમા હુંબલ, ભુજ નગરપાલિકાના પ્રમુખ શીતલભાઈ શાહ, અરજણભાઈ રબારી, પૂર્વ પ્રમુખો પારૂલબેન કારા અને જનકસિંહ જાડેજા, સંતો-મહંતો, ભાજપના પદાધિકારીઓ, કાર્યકરો સહિતના મોટી સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા.

Panchang

dd