ભુજ/નવી દિલ્હી, તા. 25 : કેન્દ્રીય
ગૃહમંત્રી અમિત શાહ આગામી દિવસોમાં દેશના
સીમાવર્તી વિસ્તારનો પ્રવાસ કરીને
સુરક્ષા સંબંધિત બેઠકો યોજશે, જે અંતર્ગત 29મી
મેના ભુજ આવી રહ્યા છે. ગૃહમંત્રી 25મીના
રાત્રે રાજસ્થાનના બિકાનેર પહોંચશે અને આવતીકાલે સવારે બીએસએફની સીમા ચોકી સાંચુની
મુલાકાત લઈને દળો સાથે સંવાદ સાધશે, ઉપરાંત
સુરક્ષાદળો માટેની કલ્યાણકારી યોજનાઓનું ઉદ્ઘાટન કરશે. બપોરે બિકાનેરમાં સરહદી
ક્ષેત્રની સુરક્ષા સમીક્ષા પણ યોજશે. 29મીએ અમિત શાહ ભુજ આવી રહ્યા
છે. તેઓ બીએસએફની સીમા ચોકી તેમજ હરામીનાળાનો પ્રવાસ કરશે, તેઓ પાંચમી જૂને ત્રિપુરા સીમાએ અને 15 જૂન
આસપાસ બંગાળ જવાના છે. અહીં એ નોંધનીય છે કે, કેન્દ્રીય
ગૃહમંત્રી અમિત શાહ છ મહિનામાં બીજીવાર કચ્છ સીમાની મુલાકાતે આવી રહ્યા છે. ગયા
વર્ષે નવેમ્બર 2025માં સીમા સુરક્ષા દળની રાઇઝિંગ-ડે પરેડના
રાષ્ટ્રીય કાર્યક્રમ માટે શાહ ભુજ આવ્યા હતા અને રાત્રિરોકાણ કર્યું હતું. એ
પહેલાં ઓગસ્ટ 2023માં
રણસાગર સીમા વોચ ટાવરનું કોટેશ્વર પાસે ઉદ્ઘાટન કર્યું હતું અને મુરિંગ પ્લેસ
તક્તીનું અનાવરણ કર્યું હતું. નવેમ્બર 2020માં ધોરડોમાં તેમણે સરહદી
વિકાસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ઓપરેશન સિંદૂર પછી ભારતીય દળો હાઇએલર્ટ પર છે.
ગૃહમંત્રી શ્રી શાહે દેશની સીમાએ સુરક્ષા જડબેસલાક રહે અને જવાનો માટે પૂરતી
સુખ-સુવિધા ઊભી થાય એના પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમનાં આગમનને લઇને કચ્છમાં
તૈયારી શરૂ થઇ છે. વિગતવાર કાર્યક્રમ હવે પછી જાહેર થશે.